શાહુ, કૃષ્ણચરણ (જ. 16 એપ્રિલ 1929, નાટિ, કટક, ઓરિસા) : ઊડિયા પંડિત અને વિવેચક. તેમણે ઉત્કલ યુનિવર્સિટીમાંથી એમ.એ. અને રાંચી યુનિવર્સિટીમાંથી પીએચ.ડી.ની પદવી મેળવી. તેઓ ઉત્કલ યુનિવર્સિટીમાં ઊડિયાના પ્રાધ્યાપક રહ્યા અને ત્યાંથી સેવાનિવૃત્ત થયા 1984-89. તેમણે ઊડિયા સાહિત્ય તેમજ મધ્યકાલીન ભારતીય સાહિત્ય, ખાસ કરીને હિંદી, બંગાળી અને અસમિયાનો ઊંડો અભ્યાસ કર્યો. સંસ્કૃત પ્રશિષ્ટ સાહિત્ય વિશેનું તેમનું જ્ઞાન તલસ્પર્શી હતું.
તેમણે 20 ગ્રંથો પૈકી વિવેચનના 5 અને 13 સંપાદિત ગ્રંથો આપ્યા છે. ઓરિસામાં રામાયણ-પરંપરા વિશે વિદ્વત્તાપૂર્ણ ગ્રંથો દ્વારા તેઓ સારી ખ્યાતિ પામ્યા. તાડપત્ર પરની હસ્તપ્રતોના સંપાદનને લગતા તેમના ગ્રંથો ખાસ ઉલ્લેખનીય છે.
તેમના વિવેચનગ્રંથોનું બે ભાગમાં વિભાજન કરી શકાય : એક ઊડિયામાં પ્રાચીન અને મધ્યકાલીન ગ્રંથોનો અભ્યાસ; બીજો છે સુસંગત ગ્રંથોની વિદ્વત્તાપૂર્ણ પ્રસ્તાવના સાથે હસ્તપ્રતોનું સંપાદન.
(1) ‘લિટરેચર ઍન્ડ સોશિયલ લાઇફ ઇન મિડિવલ ઓરિસા’ (1971); ‘કાહે કૃષ્ણદાસ કવિ’ (1975); ‘પ્રાચીન સાહિત્ય’ (1982); ‘મધ્યકાલીન સાહિત્ય’ (1983) અને ‘કવિ બાલારામ દાસ’ (1988); (2) ‘ધર્મગીતા’ (1977); ‘ઉદ્ધવગીતા’ (1977); ‘ચારિખાની’ (1978); ‘રુદ્રસુધાનિધિ’ (1978); ‘શ્રી જગન્નાથ લીલામૃત’ (1978); ‘શ્રીમદ્ ભાગવતગીતા’ (1978); ‘રાસપંચાધ્યાયી’ (1981); ‘પરિમલ’ (1982); ‘ગોવિંદચંદ્ર’ (1985); ‘બ્રાહ્મણદા ભૂગોળ’ (1985); ‘મહાભારત’ (1978); ‘ચંડી પુરાણ’ (1985) અને ‘જગમોહન રામાયણ’ (1990) તથા ‘ઊડિયા સાહિત્ય : ઉદ્ભવ ઓ વિકાસ’ (ત્રણ ભાગમાં).
તેમનો અંગ્રેજી ગ્રંથ કુલ 11 લેખો ધરાવે છે. પ્રથમ લેખમાં બિહારના સિંગભૂમ જિલ્લામાં બોલાતી ઊડિયા બોલી અંગે છે; જ્યારે બાકીનામાં પંદરમી અને સોળમી સદીના ઓરિસાનું સામાજિક જીવન, મહાભારત અને જગમોહન રામાયણ જેવા બે ઊડિયા મહાકાવ્યોની જેમ ચિત્રાંકિત કરાયું છે. આમ સરલા દાસ, પંચશાખા લખાણો અને ઉપેન્દ્ર ભંજ અંગેના તેમના અભ્યાસમાં ઊડિયા સમાજ, સંસ્કૃતિ અને ધર્મ અંગે સવિસ્તર માહિતી પીરસવામાં આવી છે. તેમના ‘કાહે કૃષ્ણ દાસ કવિ’માં દિનાકૃષ્ણ દાસના પ્રખ્યાત અઢારમી સદીના કાવ્ય ‘રસકલ્લોલ’નું જુદા પરિપ્રેક્ષ્યમાં મૂલ્યાંકન કર્યું છે. ઊડિયા વિવેચનમાં તેમણે મધ્યકાલીન ઊડિયા કવિઓ પર ઇસ્લામ અને સૂફીવાદનો પ્રભાવ પહેલી વાર શોધી બતાવ્યો છે. આમ ઊડિયા સાહિત્યમાં તેમનું પ્રદાન નોંધપાત્ર રહ્યું છે.
બળદેવભાઈ કનીજિયા