શાહુડી (porcupine) : શરીર પર લાંબા કોમળ વાળ જ્યારે પીઠ, પાર્શ્ર્વબાજુ અને પૂંછડી પર તીણા કાંટાળા ઢલોમો (bristles) ધરાવતું મૂષકાદિ (rodentia) શ્રેણીનું સસ્તન પ્રાણી. ભારતમાં વસતી શાહુડીનો સમાવેશ હિસ્ટ્રિડે કુળમાં થાય છે. શાસ્ત્રીય નામ : Hystris indica. દૃઢલોમોનો ઉપયોગ રક્ષણાત્મક છે. શાહુડી પોતાના પર આક્રમણ કરનારના શરીરના માંસમાં કાંટાળા વાળ ભોંકી તેને હાનિ પહોંચાડે છે. ભોંકવાથી છૂટા થયેલા ઢલોમોની જગ્યાએ નવા દૃઢલોમો પેદા થાય છે.

શાહુડીનો આહાર કંદમૂળ, પાંદડાં, ફૂલ અને ફળનો બનેલો હોય છે. નિશાચર હોવાથી તે રાત્રે ખોરાકની શોધમાં નીકળે છે. ખેતરમાં વસતી શાહુડી પાકને નુકસાન પહોંચાડે છે.

શાહુડી

શાસ્ત્રજ્ઞો શાહુડીને જૂની દુનિયાની અને નવી દુનિયાની એમ બે પ્રકારમાં વિભાજે છે. જૂની દુનિયાની શાહુડી ભારત સહિત એશિયા-યુરોપ જેવા પ્રદેશોમાં જોવા મળે છે; જ્યારે નવી દુનિયાની શાહુડી ઉત્તર અમેરિકાની વતની છે. જૂની દુનિયાની શાહુડી દર ખોદી તેમાં વસે છે; જ્યારે નવી દુનિયાની શાહુડી ચીડ(pine)ના વનમાં વાસ કરતી હોય છે. ઝાડ પર ચઢવાની તેની આદતને લીધે ઝાડની છાલ છોલાય છે. તેના પરિણામે છાલ નીકળી જતી હોવાથી ઝાડને નુકસાન થાય છે અને ઝાડ કદાચ મૃત્યુ પણ પામે છે. નવી દુનિયાની શાહુડીનું માંસ ખાવાલાયક ગણાય છે. પરંતુ તે ખાસ લોકપ્રિય નથી. નવી દુનિયાની શાહુડીનું શાસ્ત્રીય નામ છે : Erethizon dorsatum.

શાહુડીની માદા વસંતઋતુ દરમિયાન એક બચ્ચાને જન્મ આપે છે. શરૂઆતમાં બચ્ચાના વાળ કોમળ હોય છે. સમય જતાં મોટાભાગના વાળનું રૂપાંતર દૃઢલોમોમાં થાય છે.

મ. શિ. દુબળે