શાસ્ત્રી, હાથીભાઈ (જ. 1860; અ. 1939) : સંસ્કૃત ભાષાના વિદ્વાન. તેમનું મૂળ નામ લક્ષ્મીશંકર. પરંતુ તેઓ પોતાના હુલામણા નામ ‘હાથીભાઈથી’ જાણીતા થયા. તેમનાં માતાનું નામ કેસરી ઉર્ફે કુશલીબહેન. પિતાનું નામ હરિશંકર મૂળજી દવે. જામનગરમાં પિતા ઝવેરાતનો વેપાર કરતા. તેમનાં માતા ઝવેરીની પેઢી હાથીભાઈ સંભાળે એવા મતનાં હતાં; જ્યારે હાથીભાઈ નાનપણથી જ સંસ્કૃત ભાષાસાહિત્ય અને શાસ્ત્ર પ્રત્યે લગાવવાળા હતા. અંતે માતાને ‘પોતે સંસ્કૃત ભણીને ગોરપદું નહિ કરે’ એવી ખાતરી આપી. હાથીભાઈએ જામનગરના અનેકશાસ્ત્રજ્ઞ કેશવજી મોરારજી શાસ્ત્રી જેવા ગુરુ પાસે અવિરત અધ્યયન કર્યું. ગુરુએ તેમને વ્યાકરણાદિ પાયાના શાસ્ત્રગ્રંથોનું અધ્યાપન કરી પછી બીજા વિદ્યાર્થીઓ અન્ય શાસ્ત્રનું અધ્યયન કરવા આવે ત્યારે તેમની સાથે પણ અધ્યયન કરવાનું તેમની વૃદ્ધ અવસ્થાના કારણે કહ્યું; તેથી તેઓ ગુરુને ત્યાં આખો દિવસ બેસતા. તેઓ મોઢ ત્રિવેદી બ્રાહ્મણ હતા અને 1874માં તેમની 14 વર્ષની વયે તેમનું લગ્ન પાર્વતીબહેન સાથે થયું. હાથીભાઈની 42 વર્ષની વયે 1902માં પાર્વતીબહેનનું મૃત્યુ થયું. ત્યારબાદ ગુરુ પાસે જ્ઞાન મેળવી તેઓ પરીક્ષા આપવા કાશી ગયા અને પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈ સાચા જ્ઞાની પંડિત બન્યા. એમની વિદ્વત્તાનો પ્રકાશ ફેલાયો અને જામનગરના વિખ્યાત ક્રિકેટપટુ રાજા જામસાહેબ રણજિતસિંહજીના તેઓ સભાપંડિત બન્યા. જામસાહેબ રણજિતસિંહને હાથીભાઈ પ્રત્યે અતિશય આદર હતો. જામસાહેબે તેમને First Order of Meritની ઉપાધિ આપેલી. જામસાહેબ રણજિતસિંહની રજતજયંતી પ્રસંગે યજ્ઞયાગાદિ વિધિઓનું સંચાલન હાથીભાઈને સોંપવામાં આવેલું. મહારાજા દિગ્વિજયસિંહનાં મહારાણી ગુલાબકુંવરબાને સંતાનપ્રાપ્તિ માટે તેમણે પુત્રેદૃષ્ટિ યજ્ઞ કરાવેલો અને મહારાજા શત્રુશલ્યસિંહજીનો જન્મ તે યજ્ઞના ફળ રૂપે થયેલો. ધર્મ પ્રત્યે આસ્થા અને શાસ્ત્ર સાચાં હોવા વિશે તેમને ગળા સુધી ભરોંસો હતો.
જામનગરમાં 1918થી 1930 સુધી ત્યાંના કાળેશ્વર મહાદેવના મંદિરમાં તેમણે રોજ ‘મહાભારત’ પર પ્રવચનો આપેલાં. 1917-18માં વિશ્વરૂપાશ્રમ સ્વામી નામના સંન્યાસી વેદાંત-શાસ્ત્રમાં પોતાને થયેલી સોએક જેટલી શંકાઓ લઈ જામનગરમાં આવેલા. આ શંકાઓનું સમાધાન અનેક પંડિતો કરી શકેલા નહિ. હાથીભાઈએ તેમની શંકાઓનું સમાધાન કરતાં તેઓ ખુશ થઈ જામનગરમાં વેદાંતશાસ્ત્રનો અભ્યાસ કરવા નવ-દસ મહિના રોકાયેલા.
પોતાના વતન જામનગરની જેમ કાશી સાથે તેમનો નાતો દીર્ઘ કાળ સુધી રહ્યો. 1918થી 1920 દરમિયાન તેમણે મહામના પંડિત મદનમોહન માલવિયાજી સાથે રહી બનારસ હિન્દુ યુનિવર્સિટી માટે ત્રણ લાખ રૂપિયાનું ભંડોળ એકત્ર કરેલું. તેઓ બનારસ હિન્દુ યુનિવર્સિટીના સ્થાપનાકાળથી સેનેટ-સભ્ય અને સાથે સાથે વેદાંતશાસ્ત્રના પરીક્ષક પણ રહેલા. બનારસ યુનિવર્સિટીના ઑરિયેન્ટલ ઇન્સ્ટિટ્યૂટના ડિરેક્ટરનું પદ તેમણે માલવિયાજીના આગ્રહથી સ્વીકારેલું; પરંતુ વીસ દિવસ પછી માતાએ ના પાડવાથી ડિરેક્ટરના પદનો ત્યાગ કરી પાછા માતા પાસે જામનગર આવી ગયેલા.
ગુજરાતમાં જ નહિ, સમગ્ર ભારતમાં તેમના પાંડિત્યની કદર થયેલી. 1933માં વડોદરામાં ભરાયેલી ઑલ ઇંડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સના સાતમા અધિવેશનમાં સર્વપ્રથમ યોજાયેલી પંડિત પરિષદમાં તેઓ પ્રમુખ હતા. 1934માં ઇન્દોરમાં અખિલ પંચાંગ પરિષદના તેઓ ઉપાધ્યક્ષ હતા, પરંતુ અધ્યક્ષ પંડિત માલવિયાજી ન આવી શકતાં તેમણે અધ્યક્ષ અને ઉપાધ્યક્ષનો બેવડો ભાર ઉઠાવેલો. 1935માં મૈસૂરમાં ઑલ ઇંડિયા ઑરિયેન્ટલ કૉન્ફરન્સ ભરાયેલી ત્યારે મહામહોપાધ્યાય સુબ્રહ્મણ્ય શાસ્ત્રીએ ત્યાંની કૉલેજમાં ‘किं नाम पाण्डित्यम्’ એ વિષય ઉપર હાથીભાઈનું વ્યાખ્યાન સંસ્કૃતમાં યોજેલું. તેમના આવા અચિંતિત (extempore) વ્યાખ્યાનને સાંભળી એક જર્મન વિદ્વાન સાથે ઉપસ્થિત બધા વિદ્વાનોએ તેમની પ્રશંસા કરેલી. તેમને એક વિદ્વાને ‘બૃહસ્પતિના અવતાર’ ગણાવ્યા અને બીજા વિદ્વાને હાથીભાઈ હાથી છે અને પોતે તેમની સામે મચ્છર છે એમ કહેલું. 1919માં તેમના શાસ્ત્રજ્ઞાન અને પાંડિત્યની કદર કરી બ્રિટિશ સરકારે રાજા પંચમ જ્યૉર્જ તરફથી ‘મહામહોપાધ્યાય’ની સર્વોચ્ચ પદવી અપાવી. ગુજરાતમાં પ્રસ્તુત પદવી હાથીભાઈના ગુરુબંધુ શંકરલાલ માહેશ્વર સિવાય બીજા કોઈ ગુજરાતીને મળી નથી. વળી, હાથીભાઈને ‘વિદ્યાવારિધિ’, ‘વિદ્યાવાચસ્પતિ’, ‘સર્વતંત્રસ્વતંત્ર’ અને ‘શ્રૌતસ્માર્તધર્મમાર્તણ્ડ’ વગેરે અનેક ઉપાધિઓ મળેલી. હાથીભાઈએ રાજકીય, ધાર્મિક, સામાજિક અને વિદ્યાકીય અનેક કાર્યો કર્યાં છે. ઘૂમલીમાંથી મળેલાં તામ્રપત્રોના અનુવાદનું કાર્ય પણ તેમણે કરેલું. હાથીભાઈના શિષ્ય સ્વામી ત્રિવિક્રમતીર્થ ભારતીકૃષ્ણતીર્થ નામના જાણીતા શંકરાચાર્યના દીક્ષાગુરુ હતા.
તેમની ગ્રંથરચનામાં 1899માં તેમણે કરેલો વિદ્યારણ્યની ‘પંચદશી’નો ગુજરાતી અનુવાદ સર્વપ્રથમ છે. પોતાના ગુરુબંધુ શંકરલાલ માહેશ્વરે રચેલા ‘बालाचरितम्’ નામના અપૂર્ણ સંસ્કૃત મહાકાવ્યની પૂર્તિ હાથીભાઈએ કરી છે. વળી ‘बालाभरणरत्नमाला’ (ભાગ 1 અને 2), ‘संस्कृतपाठमाला’ (ભાગ 1, 2 અને 3), ‘महालिंगार्चनपद्धति’, ‘ब्रह्मनित्यकर्मप्रयोगः’, ‘स्नानविधिः’, ‘विवाहविधिः’, ‘उत्सर्गविधिः’; શંકરલાલ માહેશ્વરના ‘श्रीकृष्णचंद्राभ्युदयम्’ નાટક પર સંસ્કૃતમાં ઋજાહ્રરૂઠ્ઠઙ નામની ટીકા વગેરે ગ્રંથો તેમણે રચ્યા છે. એમનાં સંપાદનોમાં ‘दुर्गासप्तशती’નું ગુજરાતી અનુવાદ સાથે સંપાદન, ‘व्यासतात्पर्यनिर्णयः’નું ગુજરાતી અનુવાદ સાથે સંપાદન અને हंसामिठ्ठुના તંત્રગ્રંથ ‘हंसविलासः’નું ગાયકવાડ ઑરિયેન્ટલ સિરિઝમાં સંપાદન જાણીતાં છે. સંક્ષેપમાં, હાથીભાઈએ શાસ્ત્રજ્ઞ પંડિત તરીકે ગુજરાતને ગૌરવ અપાવ્યું છે.
પ્ર. ઉ. શાસ્ત્રી