શાસ્ત્રી, વિશ્વનારાયણ (જ. 1923, નારાયણપુર, આસામ) : આસામી તથા સંસ્કૃતના વિદ્વાન સર્જક. તેમની ‘અવિનાશી’ નામની સંસ્કૃત કૃતિને 1987ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર મળ્યો હતો. તેમણે સંસ્કૃતનું પારંપરિક શિક્ષણ કોલકાતા, વારાણસી તથા આસામમાં મેળવ્યું. બનારસ હિંદુ યુનિવર્સિટીમાંથી તેમણે એમ.એ. તથા ડી. લિટ.ની ડિગ્રીઓ મેળવી. તેમણે શાળાના શિક્ષક તરીકે કારકિર્દીનો આરંભ કર્યો, ત્યારપછી તેઓ કેટલીક કૉલેજોમાં સંસ્કૃત તથા આસામીના અધ્યાપક અને પછી નૉર્થ લક્ષ્મીપુર કૉલેજના આચાર્ય બન્યા. આસામ સરકારના વિશેષ અધિકારી તથા પ્રકાશન-બૉર્ડના સચિવ તરીકે પણ તેમણે કાર્ય કર્યું. 1967 તથા 1971 એમ બે વાર તેઓ લોકસભામાં ચૂંટાયા હતા.
તેમણે વીસમી સદીના ચોથા દસકામાં લેખનકાર્યનો આરંભ કર્યો. આસામી, અંગ્રેજી તથા સંસ્કૃતમાં તેમણે 40 પુસ્તકો લખી સાહિત્યને સમૃદ્ધ કર્યું છે. તેમણે 100 ઉપરાંત પુસ્તકોનું સંપાદન કર્યું છે. વળી સંસ્કૃત અને અંગ્રેજીની ઉત્કૃષ્ટ કૃતિઓના અનુવાદ આસામીમાં અને આસામીની ઉત્કૃષ્ટ રચનાઓના અંગ્રેજીમાં અનુવાદ કર્યા છે. તેમણે આસામીના વહીવટી શબ્દોના કોશનું સંપાદન કર્યું છે. આ ઉપરાંત રાષ્ટ્રીય તથા આંતરરાષ્ટ્રીય પરિષદો-પરિસંવાદોમાં તેમણે વિદ્વત્તાપૂર્ણ નિબંધો રજૂ કર્યા છે. સંસ્કૃત ભાષાસાહિત્યની સેવા બદલ રાષ્ટ્રપતિ તરફથી તેમને ‘સર્ટિફિકેટ ઑવ્ ઑનર (સંસ્કૃત)’ પણ અપાયું હતું.
પુરસ્કૃત કૃતિ સાતમી સદીના પૂર્વ ભારતના ઇતિહાસ પર આધારિત નવલકથા છે. તેની મર્મસ્પર્શી રજૂઆત તથા પ્રવાહી ને વિશદ ભાષાશૈલી વગેરેને કારણે તે અર્વાચીન સંસ્કૃત સાહિત્યમાં મહત્વપૂર્ણ કૃતિ તરીકે સ્થાન પામી છે.
મહેશ ચોકસી