શાસ્ત્રી, બાપુદેવ (જ. 1 નવેમ્બર 1821; અ. 1890) : ભારતીય અને પાશ્ર્ચાત્ય જ્યોતિષગણિતના પ્રકાંડ પંડિત. આજે પણ ભારતીય જ્યોતિષશાસ્ત્રમાં તેમનું નામ અગ્રસ્થાને રહેલું છે. તેમનું બીજું એક નામ નૃસિંહ હતું. તેઓ ઋગ્વેદી ચિતપાવન બ્રાહ્મણ કુટુંબના હતા. ગોદાવરી જિલ્લાના ટોર્કે (જિ. અહમદનગર) ગામના મૂળ રહેવાસી. પિતાનું નામ સીતારામ અને માતાનું નામ સત્યભામા. પ્રાથમિક અભ્યાસ નાગપુરની મરાઠી શાળામાં. કાન્યકુબ્જના દુંડિરાજ નામના વિદ્વાનનું સાન્નિધ્ય સેવેલું. તેમણે ભાસ્કરીય લીલાવતી ગણિત અને બીજગણિતમાં પારંગતતા મેળવી હતી.
ઈ. સ. 1838માં સિહૂરના પૉલિટિકલ એજન્ટ એલ વિલિકન્સને બાપુદેવની તેજસ્વિતા પારખી તેમને સિહૂરની સંસ્કૃત પાઠશાળામાં અભ્યાસ અર્થે બોલાવી લીધા. ત્યાં સેવારામ નામના પ્રકાંડ રેખાગણિતજ્ઞ પાસે તેમણે અભ્યાસ કર્યો. વિલિકન્સનની ભલામણથી કાશીની સંસ્કૃત પાઠશાળામાં તેમની નિમણૂક થઈ. ઈ. સ. 1841માં ભૂમિતિના શિક્ષક તરીકે તેમની નિમણૂક થઈ. કાશીની એ જ પાઠશાળામાં તેઓ ઈ. સ. 1859માં ગણિતના મુખ્ય પ્રાધ્યાપક થયા. ઈ. સ. 1889માં નિવૃત્તિકાળે તેમણે પેન્શન સ્વીકાર્યું.
ઈ. સ. 1864માં ગ્રેટબ્રિટન અને આયર્લૅન્ડની રૉયલ એશિયાટિક સોસાયટીનું અને ઈ. સ. 1868માં બંગાળની એશિયાટિક સોસાયટીનું માનાર્હ સભ્યપદ તેમને પ્રાપ્ત થયું હતું. તેઓ ઈ. સ. 1869માં કલકત્તા યુનિવર્સિટીના ફેલો નિમાયા. ઈ. સ. 1878માં સી.આઇ.ઇ.ના ખિતાબથી તેમને નવાજવામાં આવ્યા. ઈ. સ. 1887માં મહારાણી વિક્ટોરિયાની અર્ધશતાબ્દી નિમિત્તે અંગ્રેજ સરકાર તરફથી ‘મહામહોપાધ્યાય’ના પદથી તેમને સન્માનવામાં આવ્યા. ચંદ્રગ્રહણનું ચોક્કસ ગણિત કરી અગાઉથી ચોક્કસ તારીખ અને સમય જણાવવા બાબતે તેમને રૂપિયા એક હજારની બક્ષિસ આપી તેમનું સન્માન કરવામાં આવેલું.
‘રેખાગણિતપ્રથમાધ્યાય’, ‘ત્રિકોણમિતિ’, ‘સાયનવાદ’, ‘પ્રાચીન- જ્યોતિષાચાર્યાશયવર્ણન’, ‘અષ્ટાદશવિચિત્ર પ્રશ્ર્નસંગ્રહસોત્તર’, ‘તત્વવિવેકપરીક્ષા’, ‘માનમંદિરસ્થયંત્રવર્ણન’, ‘અંકગણિત’ વગેરે ગણિત અંગેના સંસ્કૃત ભાષામાં તેમણે લખેલા ગ્રંથો છે. આ ઉપરાંત ‘ચલનકલનસિદ્ધાંતબોધક’ના 20 શ્ર્લોક, ચાપીય ત્રિકોણમિતિ સંબંધી અગત્યનાં સૂત્રો પણ તેમણે આપ્યાં છે. તેમણે સિદ્ધાંતગ્રંથોપયોગી વિશિષ્ટ ગણિત-ટિપ્પણીઓ પણ આપી છે.
‘યંત્રરાજોપયોગી છેદ્યક’, ‘લઘુશંકુચ્છિન્નક્ષેત્રગુણ’ – એ એમના ગણિત અંગેના સંસ્કૃત ભાષામાં લખાયેલા પણ મુદ્રિત થયા વગરના ગ્રંથો છે. તેમના બાકીના ગ્રંથો મુદ્રિત થયા છે.
રાષ્ટ્રભાષામાં એમના ‘અંકગણિત’, ‘બીજગણિત’ તેમજ ‘ફલિતવિચાર’ ગ્રંથો મુદ્રિત છે. ‘સિદ્ધાંતશિરોમણિ ગોલાધ્યાય’નો અંગ્રેજી અનુવાદ વિલિકન્સને કર્યો છે.
તેમણે આર્ચ ડીકન પ્રાટના માર્ગદર્શન હેઠળ ‘સૂર્યસિદ્ધાંત’નો અનુવાદ કર્યો છે. ઈ. સ. 1861-62માં આ ગ્રંથ મુદ્રિત થયો હતો. ભાસ્કરકૃત ‘સિદ્ધાંતશિરોમણિ’ના ‘ગણિતાધ્યાય’ અને ‘ગોલાધ્યાય’માં સંશોધન કરી ટીકા સહિત ઈ. સ. 1866માં તેમજ ‘લીલાવતી’ ઈ. સ. 1983માં મુદ્રિત થયા. ઈ. સ. 1875થી 1890 દરમિયાન પંચાંગ બનાવ્યું હતું.
તેઓ સાયન પંચાંગના હિમાયતી જણાય છે. ઈ. સ. 1863માં તેમણે સાયનગણનાની શાસ્ત્રજ્ઞતા વિશે અંગ્રેજીમાં વ્યાખ્યાન આપ્યું હતું. ઈ. સ. 1876થી કાશીના મહારાજાના આશ્રયે તેમણે લોકોના સંતોષ માટે નિરયન પંચાંગ લખ્યું હતું.
શાસ્ત્રી બાપુદેવનું પંચાંગ અંગ્રેજી ‘નાટિકલ આલ્મનાક’ના આધારે તૈયાર થયું હતું. તેમાં તેમણે ઈ. સ. 1806ના અયનાંશ 22o 01’ લીધા છે. તેઓ પુણેના ‘જ્ઞાનપ્રકાશ’(14 જૂન, 1880, અંક)માં સૂર્યસિદ્ધાંતનો રવિ લેવો એમ સ્પષ્ટ કહે છે. તેમના શિષ્યોએ શાસ્ત્રીશ્રી બાપુદેવની આ પંચાંગ બનાવવાની પરંપરા ચાલુ રાખી હતી. આમાં પ્રત્યક્ષ પંચાંગની શુદ્ધિ જળવાય છે. શ્રી લેલેએ જગદ્ગુરુ શંકરાચાર્ય પાસે સાયન પંચાંગ ગ્રાહ્ય રાખવા આજ્ઞાપત્ર તૈયાર કરાવ્યું હતું.
બટુક દલીચા