શાસ્ત્રી, દેવર્ષિ કલાનાથ (જ. 1936, જયપુર, રાજસ્થાન) : સંસ્કૃત, હિંદી તથા અંગ્રેજી લેખક. તેમને તેમની કૃતિ ‘આખ્યાનવલ્લરી’ બદલ 2004ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો છે. તેમણે અંગ્રેજીમાં એમ.એ. અને સંસ્કૃત તથા ભાષાવિજ્ઞાનમાં સાહિત્યાચાર્યની ડિગ્રી પ્રાપ્ત કરી છે. તેઓ રાજસ્થાની, હિંદી, ગુજરાતી, બંગાળી, વ્રજ અને પ્રાકૃત ભાષાની જાણકારી ધરાવે છે. તેઓ 1957માં અંગ્રેજીના પ્રાધ્યાપક બન્યા. તે પછી રાજસ્થાન સરકારના ભાષાવિભાગમાં મદદનીશ નિયામક, નાયબ નિયામક અને નિયામક પદે તેઓ કાર્યશીલ રહ્યા અને 1994માં ત્યાંથી સેવાનિવૃત્ત થયા. તેમણે થોડો વખત રાજ્યની જુદી જુદી કૉલેજોમાં આચાર્ય તરીકે પણ કામગીરી કરી હતી.
સંસ્કૃતમાં તેમના મુખ્ય ગ્રંથોમાં ‘વિદ્વજ્જનચરિતામૃતમ્’, ‘સુધીજનવૃત્તમ્’ (ચરિત્ર); ‘કથાનકવલ્લી’ (વાર્તાસંગ્રહ); ‘આખ્યાન-વલ્લરી’, ‘સંસ્કૃત નાટ્યવલ્લરી’ (નાટ્યસંગ્રહ); ‘આધુનિક સંસ્કૃત સાહિત્યેતિહાસ’, ‘કવિતાવલ્લરી’ (કાવ્યસંગ્રહ) અને ‘જીવનસ્ય પાથેયમ્’ (નવલકથા) છે. હિંદીમાં તેમણે 11 ગ્રંથો આપ્યા છે. ‘પોએટ્રી ઑવ્ જગન્નાથ પંડિતરાજ’ તેમની અંગ્રેજીમાં લખાયેલી કૃતિ છે. તેઓ એક સફળ અનુવાદક પણ છે. તેમણે અંગ્રેજીમાંથી હિંદી અને સંસ્કૃતમાં તથા સંસ્કૃતમાંથી હિંદી અને પ્રાકૃતમાં, હિંદી અને રાજસ્થાનીમાંથી અંગ્રેજીમાં અનુવાદો કર્યા છે. તેમણે સંસ્કૃત જર્નલો ‘ભારતી’, ‘સ્વરમંગલા’, ‘વૈજયંતી’ તથા હિંદીમાં ‘આલોક’, ‘ભાષાપરિચય’, ‘શિક્ષાસંવાદ’, ‘દ્દૃક’ વગેરે સમાચારપત્રોનું સંપાદનકાર્ય સંભાળ્યું હતું. તેમને અનેક પુરસ્કારો અને સન્માનોથી વિભૂષિત કરવામાં આવ્યા છે. તેઓ મહામહિમ રાષ્ટ્રપતિ દ્વારા સંસ્કૃત વિદ્વત્તા માટે સન્માનિત થયા છે. વળી માનવ સંસાધન વિકાસ મંત્રાલય અને દિલ્હી સંસ્કૃત અકાદમી તથા રાજસ્થાન સરકારનાં સન્માનો તથા રાજસ્થાન સંસ્કૃત અકાદમીના પુરસ્કાર પણ તેમને પ્રાપ્ત થયા છે.
તેમની પુરસ્કૃત કૃતિ ‘આખ્યાનવલ્લરી’ નવલકથા, વાર્તાઓ અને નિબંધોનો સંગ્રહ છે. લાક્ષણિક ભાષા દ્વારા આ કૃતિમાં આધુનિક સમાજના પડકારો નજર સમક્ષ રાખવામાં આવ્યા છે. આ કૃતિના માધ્યમથી લેખકે સંસ્કૃત ગદ્યમાં એક નવી ભાત પાડી હોવાથી આ કૃતિ સંસ્કૃતમાં લખાયેલ ભારતીય કથાસાહિત્યનું એક ઉલ્લેખનીય નજરાણું ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા