શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ

January, 2006

શાસ્ત્રી, દુર્ગાશંકર કેવળરામ (. 24 જાન્યુઆરી 1882, અમરેલી; . 29 નવેમ્બર 1952) : ગુજરાતના ઇતિહાસકાર. દુર્ગાશંકરનો જન્મ પ્રશ્ર્નોરા નાગર જ્ઞાતિમાં થયો હતો. તેમના પિતા કેવળરામ શાસ્ત્રી ગોંડલની સંસ્કૃત પાઠશાળાના શિક્ષક હતા. દુર્ગાશંકરે હાલના દસમા ધોરણ સુધીનું શિક્ષણ ગોંડલમાં લીધા બાદ, શાળાનો અભ્યાસ છોડી સંસ્કૃતનું અધ્યયન કર્યું. તેમણે પિતાના માર્ગદર્શન હેઠળ સંસ્કૃત સાહિત્યના શિષ્ટ ગ્રંથોનો અભ્યાસ કર્યો. તેમણે ગુજરાતી અને અંગ્રેજી ભાષાના પ્રમાણભૂત ગ્રંથોનું પણ અધ્યયન કર્યું. તે ભાવનગર ગયા ત્યારે કવિ મણિશંકર રત્નજી ભટ્ટના સંપર્કમાં આવ્યા અને તેમની પ્રેરણાથી ઋગ્વેદના વાચન તથા ભાષાન્તરમાં સમય આપ્યો. મુંબઈમાં ઝંડુ ફાર્મસીની સ્થાપના થઈ ત્યારે, તેમને વૈદકશાસ્ત્રમાં રસ હોવાથી, ત્યાં નોકરી સ્વીકારી, જે તેમણે જીવનભર ચાલુ રાખી.

દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી

ઝંડુ ફાર્મસીના તેમના સાથીદારો જુગતરામ, મોહનલાલ તથા ભગવાનલાલ ભટ્ટ સાહિત્યમાં રસ ધરાવતા હતા; તેથી ત્યાં તેમના અધ્યયન અને લેખનકાર્યને વેગ મળ્યો. વૈદકશાસ્ત્રના તેમના તલસ્પર્શી અધ્યયનના ફલસ્વરૂપે તેમણે ‘બાળકોનો વૈદ્ય’ (1917), ‘માધવનિદાન’ (1918) અને ‘ઝંડુ ભટ્ટનું જીવનચરિત્ર’ (1919) પુસ્તકો લખ્યાં.

મુંબઈમાં સ્થિર થયા બાદ પ્રાપ્ય સાધનો, દસ્તાવેજો અને ગ્રંથોને આધારે, ‘વૈષ્ણવ ધર્મ અને ગુજરાત પર તેની અસર’ વિષય પર ‘ફાર્બસ સભા’ની સ્પર્ધા માટે નિબંધ લખ્યો. તે પ્રથમ આવતાં તેમને રૂપિયા 500નું પારિતોષિક મળ્યું. તે ફાર્બસ સભાના સામયિકમાં છપાયો અને પછી 1918માં પુસ્તક રૂપે પ્રગટ થયો. આ પુસ્તકમાં તેમણે વૈષ્ણવ ધર્મના ઉદ્ભવ, વિકાસ, વિસ્તાર, તેની વિશિષ્ટતાઓ તથા અન્ય ધર્મોની જેમ તેની નિર્બળતાઓ, તેનું સાહિત્ય, કલા-સ્થાપત્ય વગેરેમાં પ્રદાન, ગુજરાતના માનવજીવન પર તેની અસરો વગેરેનું વિવેચન કર્યું છે. આ પુસ્તક લખવાથી દુર્ગાશંકરને ઇતિહાસકાર તરીકેની પ્રતિષ્ઠા પ્રાપ્ત થઈ.

દુર્ગાશંકરે 1925માં ‘શૈવ ધર્મનો ઇતિહાસ’ પણ લખ્યો. તેમાં શૈવ ધર્મના ઉદય, ગુજરાતમાં તેનો ફેલાવો, તેનાં વિશિષ્ટ લક્ષણો, તેની ઊણપો, ગુજરાતના લોકજીવન પર તેનો પ્રભાવ, સાહિત્ય, કલા-સ્થાપત્યમાં તેનો ફાળો વગેરેની છણાવટ કરી છે. તેમણે ‘પુરાણવિવેચન’ નામે ગ્રંથ આપ્યો છે; જે 1931માં અમદાવાદમાં ગુજરાત વિદ્યાસભાએ પ્રગટ કર્યો. તેમાં તેમણે પુરાણોમાંથી મળતા ઇતિહાસની ચર્ચા કરી છે. આ ગ્રંથમાં તેમણે પુરાણોનો સમય, તેમાંની વંશાવળીઓ, તેમાંનાં સ્થળનામો, ઐતિહાસિક માહિતી વગેરેનું વિવેચન કર્યું છે.

‘ગુજરાતનાં ધાર્મિક સ્થળો’(1928)નું પુસ્તક ગુજરાતનાં મુખ્ય યાત્રાધામોના ઉદ્ભવ, વિકાસ, તેનું ધાર્મિક તથા ઐતિહાસિક મહત્વ વગેરેની ઉપયોગી માહિતી પૂરી પાડે છે.

‘પશ્ર્નોરા જ્ઞાતિનું દિગ્દર્શન’ નામના (1922) ગ્રંથમાંથી તે જ્ઞાતિના ઉદય સહિત ગુજરાતનાં સામાજિક, રાજકીય, ધાર્મિક અને સાંસ્કૃતિક જીવનમાં તેના પ્રદાનની માહિતી ઉપલબ્ધ થાય છે.

દુર્ગાશંકરે 1934માં મેરુતુંગ કૃત ‘પ્રબંધચિંતામણિ’ ગ્રંથનું વિસ્તૃત નોંધો સાથે સંપાદન કર્યું. તેમાંથી ગુજરાતના સોલંકી-વાઘેલા સમયનો ઇતિહાસ મળે છે. દુર્ગાશંકરે તે ગ્રંથમાંની અતિશયોક્તિઓ, દંતકથાઓ વગેરેને બાકાત રાખીને તથા ગ્રંથની હકીકતોને શુદ્ધ કરીને તેનું સંપાદન કર્યું છે.

‘ગુજરાતનો મધ્યકાલીન રાજપૂત ઇતિહાસ’ (1937, 1939) બે ભાગમાં લખાયેલ છે. તે તેમનું અભ્યાસપૂર્ણ, સંશોધનાત્મક અને જાણીતું પુસ્તક છે. તેમાં ગુજરાતના સોલંકી-વાઘેલા સમયનો વિસ્તૃત રાજકીય ઇતિહાસ, તે અગાઉના રાજવંશો, તે સમયની સામાજિક, આર્થિક અને ધાર્મિક સ્થિતિ, સાંસ્કૃતિક વિકાસ વગેરે આપવામાં આવેલ છે. આ ગ્રંથ લખવા માટે તેમણે અભિલેખો, સિક્કાઓ, અવશેષો, દસ્તાવેજો, પ્રબંધો વગેરેનો ઉપયોગ કર્યો છે.

દુર્ગાશંકરે 1945માં લખેલ ભારતના જાણીતા ગુજરાતી પુરાતત્વવિદ ભગવાનલાલ ઇન્દ્રજીના જીવનચરિત્રમાં તેમની સંશોધનની દૃદૃષ્ટિ જણાય છે. તેમાંથી ભગવાનલાલની પુરાતત્વવિદ તરીકેની શોધખોળોની માહિતી મળે છે. પંડિત ભગવાનલાલે નાસિકથી નેપાળ સુધી તથા દ્વારકાથી ઢાકા સુધીના પ્રદેશોમાંથી જે અવશેષો, અભિલેખો, સિક્કાઓ વગેરે મેળવ્યા તથા તેના વિશે વિવરણ કરતા લેખો લખ્યા તેની સિલસિલાબંધ માહિતી આ પુસ્તકમાંથી મળે છે.

દુર્ગાશંકરે ‘ઐતિહાસિક સંશોધન’ નામનો તેમનો ગ્રંથ 1948માં પ્રગટ કર્યો. તેમાં ઇતિહાસનો હેતુ, ઇતિહાસમાં સંશોધન, ગુજરાતના ઇતિહાસના કૂટ પ્રશ્ર્નો વગેરે વિશે આવશ્યક વિગતો રજૂ કરતા લેખોનો સંગ્રહ કરવામાં આવ્યો છે. આ ગ્રંથમાં શાસ્ત્રીએ મધ્યકાલીન ગુજરાતના વિવિધ પ્રવાહો અને તેને લગતી સંશોધન કરવા જેવી સમસ્યાઓ સૂચવી છે.

દુર્ગાશંકરના અવસાન બાદ, ‘આપણી સંસ્કૃતિનાં કેટલાંક વહેણો’ શીર્ષક હેઠળ, તેમના બાકીના લેખો 1953માં પ્રકાશિત કરવામાં આવ્યા. તેમાંના ‘ઐતિહાસિક દૃદૃષ્ટિ’ અને ‘ગુજરાતી ઐતિહાસિક સાહિત્ય’ નોંધપાત્ર નિબંધો છે. દુર્ગાશંકરે બૉમ્બે યુનિવર્સિટીમાં ઠક્કર વસનજી માધવજી વ્યાખ્યાનમાળામાં ‘ભારતીય સંસ્કારો અને તેમનું ગુજરાતમાં અવતરણ’ નામે આપેલાં પ્રવચનોનો પણ આ કૃતિમાં સમાવેશ થયો છે.

દુર્ગાશંકર ગુજરાતના પ્રથમ અગ્રણી ઇતિહાસકાર છે. તેમણે સોલંકી-વાઘેલા કાળને લગતા પ્રબંધ સાહિત્યનો સૌપ્રથમ વાર સંશોધક અને ઇતિહાસકારની દૃષ્ટિથી અભ્યાસ કરી, તેની ઐતિહાસિક હકીકતોને દંતકથાઓથી જુદી પાડીને પોતાનાં લખાણોમાં સાવચેતીપૂર્વક ઉપયોગ કર્યો. તેઓ ઇતિહાસલેખનમાં પરલક્ષીપણાને મહત્વનું ગણતા. ગુજરાતમાં ક્રમબદ્ધ ઇતિહાસલેખનની શરૂઆત તેમણે કરી એ તેમનું મહત્વનું પ્રદાન છે. પોતે પસંદ કરેલા મુદ્દા કે વિષયનું તે ખૂબ ઊંડાણ અને વિસ્તારથી વિવેચન કરતા. ભારતીય ઇતિહાસના સંદર્ભમાં ગુજરાતના ઇતિહાસનું અધ્યયન કરવાનો તેમનો દૃઢ ખ્યાલ હતો. ઐતિહાસિકતા વિરુદ્ધની તથા અતિશયોક્તિભરી કે અયોગ્ય રજૂઆત કરતી દંતકથાનો દુર્ગાશંકર પોતાના લખાણમાં ઉપયોગ કરતા નહિ.

દુર્ગાશંકર પ્રણાલિકાગત ઇતિહાસલેખનને બદલે પુરાવાના કે દસ્તાવેજોના આધારે ગંભીર પ્રકારના ઇતિહાસલેખનના પુરસ્કર્તા હતા. ધાર્મિક કે દુન્યવી પરંપરાને ચકાસ્યા વિના સ્વીકારવા તે તૈયાર થતા નહિ. ઇતિહાસલેખન માટે દસ્તાવેજો કે પુરાવા ભેગા કરવા, તેનું પૃથક્કરણ અને તેની યોગ્ય રજૂઆતનો તેઓ આગ્રહ રાખતા. તેમણે ઇતિહાસલેખનમાં શુદ્ધતાનો આગ્રહ રાખ્યો હતો.

જયકુમાર ર. શુક્લ