શાસ્ત્રી, ગંગાધર : પેશવા અને વડોદરાના ગાયકવાડ વચ્ચે ખંડણીની તથા અન્ય રકમોની બાબતમાં ઉકેલ લાવવા વડોદરાથી પુણે મોકલવામાં આવેલ મુત્સદ્દી. તેમણે પહેલાં પેશવાની ઑફિસમાં હોશિયાર કારકુન તરીકે પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. ઈ. સ. 1802માં બ્રિટિશ રેસિડેન્સી વડોદરામાં શરૂ થઈ ત્યારે તેઓ વડોદરા આવ્યા, રેસિડેન્સીમાં દેશી સહાયકની નોકરી લીધી. વડોદરામાં બનતી ઘટનાઓ, રેસિડેન્ટ વિરુદ્ધની બાબતો જાણી, તે માહિતી રેસિડેન્ટને જણાવતા. તેથી તેઓ વડોદરાના રાજકુટુંબના સભ્યો, દીવાન તથા અન્ય લોકોમાં ટીકાપાત્ર બન્યા હતા.
પેશવાની ગાયકવાડ પાસે વાર્ષિક રૂપિયા 24 લાખની ખંડણી અને ઉત્તરાધિકારી-પદ માટેની નજરાણાની રકમ ઘણાં વરસોથી લેવાની બાકી હતી. 1753થી ગણતાં તે રકમ ત્રણ કરોડ જેટલી થઈ હતી. પેશવા આ રકમ ઝડપથી વસૂલ કરવા ઉત્સુક હતો. વડોદરાના ફત્તેસિંહરાવે મુંબઈ સરકારની મંજૂરી લઈને આ કામનો ઉકેલ લાવવા ગંગાધર શાસ્ત્રીને બ્રિટિશ બાંયધરી અને રક્ષણ હેઠળ પુણે મોકલ્યા. તે પહેલાં શાસ્ત્રીની નોકરી વડોદરા રેસિડેન્સીમાંથી ગાયકવાડ સરકારમાં મુતાલિક-પદે વાર્ષિક રૂ. 6,000ના પગારમાંથી તબદીલ કરવામાં આવી. 1813માં પુણે આવીને શાસ્ત્રીએ પેશવાના પ્રતિનિધિ ત્ર્યંબકજી ડેંગળે સાથે મંત્રણા કરી. શાસ્ત્રીને લાગ્યું કે તેમની મધ્યસ્થી પેશવાને પસંદ ન હતી; તેથી તેમણે વડોદરા પાછા જવાનું નક્કી કર્યું અને પુણેના બ્રિટિશ રેસિડેન્ટે પણ એવી સલાહ આપી. એમ થાય તો પેશવા એની લેણી રકમ અને ગાયકવાડ પરનો અધિકાર પણ ગુમાવે. તેથી પેશવાના પ્રતિનિધિએ હવે સૌજન્ય બતાવી વિવેકથી મંત્રણા કરવા માંડી. ગાયકવાડ વાર્ષિક 7 લાખ રૂપિયાની ઊપજવાળો પ્રદેશ પેશવાને આપે અને ગાયકવાડ કાયમ માટે પેશવાના બંધનમાંથી મુક્ત થઈ શકે એવી દરખાસ્ત ત્ર્યંબકજીએ મૂકી. શાસ્ત્રીએ તેને આવકારી અને મંજૂરી માટે વડોદરા મોકલી. પુણેના રેસિડેન્ટ એલ્ફિન્સ્ટને શાસ્ત્રીને મંજૂરી આવતાં સુધી રોકાઈ જવા કહ્યું. આ દરમિયાન પેશવાની ભ્રામક વાતો તથા વ્યવહારથી શાસ્ત્રી અંજાઈ ગયા.
વડોદરાના ફત્તેસિંહરાવે પેશવાને 7 લાખ રૂપિયાની ઊપજવાળો પ્રદેશ આપવાનો ઇનકાર કર્યો. તેથી શાસ્ત્રીએ પેશવાથી છૂટા પડી જવા વિચાર્યું. શાસ્ત્રીના પુત્રનાં લગ્ન પેશવાની સાળી સાથે થવાનાં હતાં, તેની શાસ્ત્રીએ ના પાડી. પેશવા જેવા મરાઠા રાજ્યના વડાનું આ રીતે થયેલું અપમાન ત્ર્યંબકજીથી સહન થયું નહિ; તેથી તેમણે યાત્રાએ ગયેલા ગંગાધર શાસ્ત્રીની પંઢરપુરમાં હત્યા કરાવી.
એલ્ફિન્સ્ટને આ અંગે કડક વલણ અપનાવી તપાસ કરી. તેને જણાયું કે ત્ર્યંબકજી અને પેશવા તેમાં સંડોવાયેલા હતા. અંગ્રેજ ફોજે ત્ર્યંબકજીને કેદ કર્યો અને ગોવિંદરાવ બંધુજી તથા ભગવંતરાવ ગાયકવાડ શરણે આવ્યા. તેઓને થાણાના ગઢમાં રાખ્યા.
શાસ્ત્રીની હત્યાથી વડોદરા રાજ્યને લાભ થયો. ગાયકવાડનું પેશવા પ્રત્યેનું દેવું પૂર્ણપણે રદ થયું. ગોવિંદરાવ અને ભગવંતરાવને વડોદરા રાજ્યને સોંપવામાં આવ્યા.
શિવપ્રસાદ રાજગોર