શાશ્વત તિથિપત્ર (perpetual calendar) : ઘણા લાંબા સમય સુધી ઉપયોગમાં લઈ શકાય તેવું તિથિપત્ર. દર વર્ષે પ્રસિદ્ધ થતા નવાં તિથિપત્રોથી તો સૌ પરિચિત છે; પરંતુ જો એવું તિથિપત્ર રચી શકાય કે જે સૈકાઓ સુધી વાપરી શકાય તો તે ભારે અનુકૂળતા રહે. આ પ્રકારના તિથિપત્રની રચના યુ.એસ.ની સ્મિથ્સોનિયન સંસ્થાએ કરી છે અને તે ‘Smithsonian Tables, 1954’માં પ્રકાશિત કરેલ છે. આ તિથિપત્ર જુલિયન-ગ્રેગૉરિયન પદ્ધતિ અનુસારનું છે, જે હાલ વિશ્વભરમાં સામાન્ય સ્વીકૃતિ પામેલ છે. જુલિયન-ગ્રેગૉરિયન તિથિપત્ર એટલે મૂળમાં B.C. 46માં જુલિયસ સીઝરના ફરમાન દ્વારા અપનાવાયેલ તિથિપત્ર; જેમાં 1582માં પોપ ગ્રેગરીએ સુધારો કર્યો હતો. સ્મિથ્સોનિયન કોઠામાં અપાયેલ શાશ્વત તિથિપત્ર દ્વારા જુલિયન-ગ્રેગૉરિયન તિથિપત્રોની શરૂઆતથી માંડીને વર્ષ 2,500 સુધીના કોઈ પણ વર્ષ માટે કોઈ પણ મહિનાની શરૂઆત કયા દિવસથી થશે, તે સહેલાઈથી જાણી શકાય છે.

આ તિથિપત્રમાં બે અલગ કોષ્ટકો આપેલ છે. અંગ્રેજી મૂળાક્ષરોના પ્રથમ સાત અક્ષરો A, B, C, D, E, F અને Gમાંથી જે વર્ષ માટેનું તિથિપત્ર જાણવું હોય તે વર્ષને અનુરૂપ અક્ષર પ્રથમ કોષ્ટકમાંથી શોધી કાઢવાનો. માનો કે કોઈને 2005ના વર્ષ માટેનું તિથિપત્ર જોઈએ છે, તો ઉપર્યુક્ત કોષ્ટકમાં જોતાં જણાશે કે 2005ને માટેનો અક્ષર B છે.

હવે આ વર્ષનો કોઈ નિશ્ચિત મહિનો કયા વારથી શરૂ થશે તે જાણવું છે તો તે બીજા કોષ્ટકમાંથી જાણી શકાશે. આ કોષ્ટક સાત સ્તંભો (columns) અને સાત હરોળ (rows) દ્વારા રચાતી શ્રેણિક(matrix)ના પ્રકારનું છે. સાત સ્તંભો, અઠવાડિયાના સાત વાર, વ્યુત્ક્રમમાં એટલે કે રવિ, શનિ, શુક્ર, ગુરુ, બુધ, મંગળ અને સોમ – એ રીતે ગોઠવેલ છે. વર્ષના બાર મહિનાઓને સાત જોડકાં રૂપે હરોળમાં ગોઠવેલ છે. [(Jan., Oct.), (Feb., March, Nov.), (April, July), (May), (June), (Aug.), (Sept., Dec.) એ રીતે]. હવે 2005ના જે મહિનાનું તિથિપત્ર જાણવું હોય તેમાં તે મહિનાની હરોળમાં B અક્ષર કયા વારના સ્તંભમાં આવે છે તે શોધી કાઢવાનું. મહિનાની શરૂઆત આ વારથી થશે ! આ તિથિપત્રનો સંદર્ભ લેતાં જણાશે કે ઑગસ્ટ માસની હરોળમાં B સોમવારના સ્તંભમાં આવેલ જણાશે એટલે 2005નો ઑગસ્ટ માસ સોમવારે શરૂ થાય છે ! આ ‘શાશ્વત તિથિપત્ર’ કહેવાય. 2,500 પછીનાં વર્ષો માટે પણ આ રીતે તિથિપત્ર રચી શકાય છે.

જેમાં દરેક વર્ષના કોઈ પણ મહિનાની શરૂઆત જે દિવસે થતી હોય તે દર્શાવતાં અન્ય પ્રકારનાં તિથિપત્રો પણ રચી શકાય છે; પરંતુ તે માટે કાં તો વર્ષમાં મહિનાઓની સંખ્યા બદલવી પડે નહિ તો મહિનામાં દિવસોની વહેંચણી બદલવી પડે અને તે જુલિયન-ગ્રેગૉરિયન પ્રકારનાં ન હોય. આવાં તિથિપત્રો ‘વૈશ્ર્વિક તિથિપત્ર’ (universal calendar) કહેવાય. કોઈ પણ વૈશ્ર્વિક તિથિપત્ર હજી સુધી વ્યવહારમાં સ્વીકારાયેલ નથી; ફક્ત સૂચવાયેલ છે.

જ્યોતીન્દ્ર ન. દેસાઈ