શાળા – એક શિક્ષકવાળી : એવી શાળા જેમાં એક શિક્ષકને એક કરતાં વધારે ધોરણો એક જ ખંડમાં એકસાથે ભણાવવાં પડતાં હોય. ભારત નાનાં ગામડાંઓનો બનેલો દેશ છે. દરેક ગામમાં પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કરવી તે બંધારણીય ફરજ છે. 1થી 7 ધોરણની સાત (7) શિક્ષકવાળી અને ઓછામાં ઓછી સાત ખંડોવાળી શાળા એ પૂર્ણ પ્રાથમિક શાળા ગણાય; પરંતુ ગામની વસ્તીના પ્રમાણમાં સામાન્ય રીતે 12 %થી 15 % બાળકો પ્રાથમિક શાળામાં ભણતાં હોય છે. વિદ્યાર્થીઓની વર્ગદીઠ/ધોરણદીઠ સંખ્યાને આધારે શિક્ષકો અને ખંડો આપવામાં આવે છે. આ પરિસ્થિતિમાં ધોરણોમાં નિયમ કરતાં સંખ્યા ઓછી હોય ત્યારે શિક્ષકોનું પ્રમાણ ધોરણદીઠ અને વર્ગદીઠ જળવાતું નથી. આવા સંજોગોમાં એક શિક્ષકને એક કરતાં વધારે ધોરણો એક જ ખંડમાં એકીસાથે ભણાવવાં પડે છે.
આવી શાળાઓમાં શિક્ષકોને બીજી સામાન્ય શાળાઓની જેમ જ અભ્યાસક્રમ પૂર્ણ કરવો પડે છે; તેમજ પરીક્ષા અને વહીવટી કામગીરી સંભાળવી પડે છે. આવી શાળાઓમાં ધોરણદીઠ વિદ્યાર્થીસંખ્યા ઓછી હોય છે; પરંતુ શિક્ષકને પક્ષે મહેનત ખૂબ જ કરવાની રહે છે અને શિક્ષકે સચેત રહીને બધાં ધોરણોને સરખો ન્યાય મળે તે પ્રકારની શિક્ષણ-વ્યવસ્થા ગોઠવવી પડે છે.
ભારત માટે એક શિક્ષકવાળી શાળાનો અનુભવ માત્ર વર્તમાનકાળનો નથી, પણ આ દેશમાં ચાલી આવેલી તે ઘણી જૂની પ્રથા છે. આપણી જૂના જમાનાની ગામઠી શાળા કે ધૂળી શાળા એ આ પ્રકારની શાળાનું જ સ્વરૂપ હતી. આ પ્રથા અંગ્રેજો આવ્યા પછી પણ ચાલુ રહી હતી અને તેમાંથી ‘મૉનિટર-પ્રથા’ અંગ્રેજો અહીંથી લઈ ગયા હતા.
ગામઠી શાળાઓમાં અંગ્રેજ ગવર્નરો મનરો, થૉમસ જેવાઓએ થોડા સુધારા કર્યા છતાં તેની જ લોકકેળવણીમાં એક સાધન તરીકે તરફેણ કરી હતી. હંટર કમિશનના રિપૉર્ટમાં આવી ગામઠી શાળાઓ વિશે કહ્યું છે : આવી શાળાઓએ પોતાનું અસ્તિત્વ ગુણવત્તાને ધોરણે જ ટકાવી રાખ્યું છે. તેની સામે ઊભી કરવામાં આવેલી અન્ય શાળાઓના મુકાબલામાં આ શાળાઓ સફળ નીવડી છે ! બીજી બાજુ આઝાદીની ચળવળ જે રીતે ચાલી રહી હતી તેને કારણે લોકજાગૃતિ વધતી જતી હતી. વળી ગોખલે અને વિઠ્ઠલભાઈ પટેલના ફરજિયાત પ્રાથમિક શિક્ષણ અંગેના પ્રયાસો તેમજ ગાંધીજીના પ્રબળ નેતૃત્વને કારણે ગ્રામસમાજમાં આવી શાળાઓનું અસ્તિત્વ જળવાઈ રહ્યું હતું. અલબત્ત, રાજ્યનો આશ્રય ઓછો મળવાને કારણે આઝાદી પહેલાં આવી શાળાઓમાં સ્થિતિ સંતોષપ્રદ ન હતી.
સ્વતંત્રતા મળ્યા બાદ રાષ્ટ્રીય સરકારે પ્રાથમિક શિક્ષણને મફત, ફરજિયાત અને સાર્વત્રિક બનાવવાનો આદર્શ બંધારણ દ્વારા સ્વીકારતાં એક શિક્ષકવાળી શાળાઓનું મહત્વ ફરીથી વધ્યું. જેમ જેમ શાળાઓમાં સંખ્યા વધતી ગઈ તેમ તેમ એક કરતાં વધારે શિક્ષકોને સ્થાન મળતું ગયું; પરંતુ આજે પણ દેશ દૂર દૂર પથરાયેલ ગામડાંમાં વહેંચાયેલો હોઈ આમ સમુદાયને સમગ્ર રીતે પહોંચવા એક શિક્ષકની શાળાઓ ચાલુ જ રહી છે. જોકે 1986ની શિક્ષણનીતિની ઑપરેશન બ્લૅક બૉર્ડ યોજના હેઠળ એક શિક્ષકવાળી શાળાઓમાં ઓછામાં ઓછા બે શિક્ષક મૂકવાનું નક્કી કરવામાં આવ્યું છે; જેથી તેને બહુશ્રેણીય શાળા પણ કહેવામાં આવે છે. આમ આજે પણ એક શિક્ષકવાળી શાળાઓનું પ્રમાણ ઘણું છે. તેમાંય 1થી 4 ધોરણવાળી શાળાઓમાં લગભગ 40 % શાળાઓ એક શિક્ષકવાળી છે.
એક શિક્ષકવાળી શાળાઓ ભૂતકાળમાં હતી, વર્તમાનમાં છે અને ભવિષ્યમાં પણ અમુક અંશે રહેવાની; કારણ કે તેની સાથે કેટલાક ભૌગોલિક, સામાજિક અને આર્થિક પ્રશ્નો સંકળાયેલા છે. આમ છતાં તેની સામે કેટલાક પ્રશ્નો અને સમસ્યાઓ પણ છે. સામાન્ય શાળામાં જે પ્રકારનો અભ્યાસક્રમ આપવામાં આવે છે તે જ અભ્યાસક્રમ એક અથવા બે શિક્ષકવાળી શાળા માટે આપવામાં આવે છે; પરિણામે કેટલીક સમસ્યાઓ ઉદ્ભવે છે.
એક જ શિક્ષકે ઘણા વર્ગોમાં, ઘણાં બાળકોને બધા જ વિષયો શીખવવાના હોવાથી અભ્યાસક્રમને પૂરતો ન્યાય આપી શકાય નહિ; એટલું જ નહિ; એક જ શિક્ષકે બધા વર્ગોમાં બધા જ વિષયો લેવાના હોવાને કારણે ઉભય પક્ષે નીરસતા આવવાનો ભય રહે છે. વળી એક શિક્ષક દ્વારા એકથી વધુ વર્ગોને શિક્ષણ આપવા માટે કોઈ ચોક્કસ પ્રકારની વ્યવસ્થા કે પદ્ધતિ નથી. એક શિક્ષકવાળી શાળામાં ભૌતિક સુવિધાઓ મર્યાદિત પ્રમાણમાં હોવાથી અધ્યયન-અધ્યાપનમાં બહુ મુશ્કેલી ઊભી થાય છે. સામાન્ય રીતે ધોરણ 12નું શિક્ષણકાર્ય વર્ગમાં મૉનિટરની દેખરેખ હેઠળ થતું હોય છે; જેને કારણે વર્ગશિક્ષણમાં કચાશ રહેવા પામે છે. સમયનો વ્યય થાય છે. વળી પ્રારંભના વર્ષમાં બાળમાનસને શિક્ષકની આવશ્યકતા વધુ રહેતી હોય છે અને ત્યારે શિક્ષકના અભાવે પાયાનું શિક્ષણ અધકચરું રહેવા પામે છે. બીજું, શિક્ષક શૈક્ષણિક રીતે પૂરો સજ્જ ન હોય અને એકીસાથે એક કરતાં વધુ વર્ગોમાં બધા જ વિષયોનો અભ્યાસ પૂરો કરવાનો હોય તો તેનું અધ્યાપન અસરકારક ન રહેતાં બાળકો નબળાં રહી જાય છે. તેને પરિણામે શિક્ષણમાં સ્થગિતતા ઊભી થાય છે. પરિણામે વ્યક્તિની શક્તિ અને રાષ્ટ્રીય સંપત્તિનો વ્યય થાય છે. વળી એક શિક્ષકવાળી શાળાનું સંચાલન અન્ય શાળાઓના સંચાલન કરતા ઘણું અઘરું હોય છે. આમાં ખાસ પ્રકારની તાલીમ પામેલા અને કર્તવ્યનિષ્ઠ શિક્ષકો હોય તો જ કામ થઈ શકે. બધે આવા નિષ્ઠાવાન શિક્ષકો મળવા મુશ્કેલ હોય છે. શાળાકીય વહીવટી કાર્યભાર પણ આવી શાળાના જે તે શિક્ષકે જ વહન કરવાનો હોઈ, શિક્ષણકાર્યમાં રુકાવટ થવાની શક્યતા રહે છે. વળી દૂરના પર્વતીય વિસ્તારો વચ્ચે કે જંગલોમાં કે પછી વાહનવ્યવહારનાં સાધનો સહેલાઈથી ન મળી શકે એવા ભાગોમાં શાળાઓ આવેલી હોઈ નિરીક્ષકો તરફથી ખાસ માર્ગદર્શન મળી શકતું નથી.
શ્રેણીવિહીન શાળા : એવી શાળા જેમાં વિદ્યાર્થીઓને તેમની શક્તિ અને કક્ષા મુજબ વિભિન્ન જૂથોમાં વહેંચીને ભણાવવામાં આવતા હોય. શ્રેણીવિહીન શાળા એ શિક્ષણની કોઈ પદ્ધતિ નથી, પણ વર્ગશિક્ષણની એક સરળ વ્યવસ્થા છે. શ્રેણીવિહીન શાળામાં ધોરણ 1, ધોરણ 2 જેવી કોઈ શ્રેણી હોતી નથી; પરંતુ શ્રેણી 12ના પાઠ્યક્રમને સળંગ સૂત્ર રૂપે શીખવવામાં આવે છે. બીજું, એ ઘટક-યોજના છે. એટલે તેમાં પાઠ્યક્રમને નાના નાના ઘટકોમાં વહેંચીને શીખવવામાં આવે છે. વર્ગના વિદ્યાર્થીઓના વ્યક્તિગત તફાવતો લક્ષમાં રાખી, તેમનાં તેમની શક્તિ પ્રમાણે નાનાં જૂથ રચી, આ જૂથમાં તેમની શક્તિ પ્રમાણે, તેમની ગતિએ ભણાવવામાં આવે છે. વળી વિદ્યાર્થીઓની શક્તિ અનુસાર જૂથ (ability groups) પાડવામાં આવે છે; જેથી સરખી શક્તિવાળા વિદ્યાર્થીઓ એક જૂથમાં સાથે આવે છે અને પછી તે જૂથને ઘટકશિક્ષણ આપવામાં આવે છે. વળી પ્રત્યેક ઘટકના શિક્ષણને અંતે બાળકોના જ્ઞાનનું, કૌશલ્યનું મૂલ્યાંકન કરી જૂથને તે ઘટક આવડે પછી જ આગળના ઘટક પર જવાનું હોય છે. બાળકોને ઘટકો જેમ જેમ આવડતા જાય તેમ તેમને આગળ અભ્યાસ કરવાનું પ્રોત્સાહન મળે છે અને તેમાં રસ પડે છે. આમ શ્રેણીવિહીન શાળામાં નબળા વિદ્યાર્થીઓ પોતાની ગતિએ અભ્યાસ કરી શકે છે અને હોશિયાર વિદ્યાર્થીઓ પોતાની ઝડપે પ્રગતિ સાધી શકે છે.
ભારતની પ્રાથમિક શાળાઓમાં વર્ગ-અધ્યાપન-પદ્ધતિ છે. આ પદ્ધતિમાં 30થી 50 જેટલા વિદ્યાર્થીઓને વર્ગમાં એકત્રિત કરીને ભણાવવામાં આવે છે. તેમને એક જ શિક્ષક ભણાવે છે. શિક્ષક વર્ગના 50 વિદ્યાર્થીઓને એકીસાથે ભણાવે એટલે તેનું શિક્ષણ મોટેભાગે સરાસરી વિદ્યાર્થીને ધ્યાનમાં રાખીને આપવામાં આવતું હોય છે; તેથી નબળા વિદ્યાર્થીઓ નબળા રહે છે અને હોશિયાર વિદ્યાર્થીને રસ પડતો નથી. કોઈ એક વર્ગનાં બે બાળકો સમાન નથી હોતાં. તેમની વચ્ચે વૈયક્તિક વિભિન્નતાઓ હોય છે. તેમનાં રસરુચિ અને શક્તિ ભિન્ન હોય છે. તેથી વર્ગ-અધ્યાપનકાર્ય જોઈએ તેટલું અસરકારક થતું નથી. વિદ્યાર્થી પ્રત્યે વ્યક્તિગત ધ્યાન આપી શકાતું નથી. ધોરણ 1 અને 2માં શ્રવણ, વાચન, કથન, લેખનકૌશલ્યો તથા ગણનકૌશલ્ય કેળવવાનાં હોય છે. આ બધાં કૌશલ્યો કેળવવા માટે વ્યક્તિગત માર્ગદર્શન જરૂરી બને છે; પરંતુ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં હોવાને કારણે વ્યક્તિગત ધ્યાન આપી શકાતું નથી. પરિણામે બાળકો નબળાં રહે છે અને તેમને રસ પડતો નથી. શ્રેણીવિહીન શાળામાં વર્ગ-અધ્યાપન-પદ્ધતિને બદલે વિદ્યાર્થીઓનાં તેમની શક્તિ અને કક્ષા મુજબ જૂથ પાડી જૂથમાં ભણાવવામાં આવે છે. સરખી શક્તિવાળા વિદ્યાર્થીઓને એક જ જૂથમાં મૂકવામાં આવે છે તેથી તેમનું અધ્યયન લગભગ સરખું રહે છે. દરેક જૂથ પોતાની ગતિએ પોતાની શક્તિ અનુસાર ઘટકશિક્ષણ મેળવે છે.
શ્રેણીવિહીન શાળાની ત્રણ લાક્ષણિકતાઓ છે : (1) જૂથરચના, (2) જૂથ પુનર્રચના અને (3) ઘટકશિક્ષણ.
શ્રેણીવિહીન શાળામાં વર્ગ-અધ્યાપન-પદ્ધતિને બદલે વિદ્યાર્થીઓની શક્તિ અને કક્ષા મુજબ જૂથ પાડીને જૂથમાં ભણાવવામાં આવે છે. વર્ગના વિદ્યાર્થીઓમાં તેમની શક્તિ અને આવડત મુજબ જૂથ પાડવામાં આવે છે. સરખી શક્તિવાળા વિદ્યાર્થીઓને એક જ જૂથમાં મૂકવામાં આવે છે. તેથી તેમનું અધ્યયન એકસરખું બને છે. શિક્ષક વર્ષની શરૂઆતમાં વર્ગના વિદ્યાર્થીઓને ઓળખી તેમનાં તેમની શક્તિ મુજબ ચારેક જૂથ પાડે છે. પહેલું જૂથ હોશિયાર વિદ્યાર્થીઓનું હોય છે, જેઓ થોડી પૂર્વભૂમિકા લઈને આવતા હોય તેવું બને છે. તેથી ઓછી શક્તિવાળા અને આવડતવાળા વિદ્યાર્થીઓનું બીજું જૂથ બને છે. તેથી ઓછી શક્તિવાળા વિદ્યાર્થીઓનું ત્રીજું જૂથ થાય છે. જે વિદ્યાર્થીઓ કોઈ પણ પૂર્વભૂમિકા વગર આવતા હોય અને જેમને પેન કે ચોપડી પણ પકડતાં ન આવડતાં હોય તેવા વિદ્યાર્થીઓનું ચોથું જૂથ બને છે. આમ વિદ્યાર્થીઓની શક્તિ અને તેમની પૂર્વભૂમિકા પ્રમાણે ચારેક જૂથ પાડવામાં આવે છે. સરખી શક્તિવાળા વિદ્યાર્થીઓને એક જ જૂથમાં મૂકવામાં આવે છે. જૂથ પડી ગયા પછી શિક્ષક જૂથવાર અધ્યાપનકાર્ય કરે છે. એક જ વર્ગમાં ચાર જૂથનાં વિદ્યાર્થીઓને અલગ અલગ બેસાડવામાં આવે છે. જ્યારે શિક્ષક એક જૂથને ભણાવતા હોય ત્યારે બાકીના ત્રણ કે ચાર જૂથને તેમની કક્ષાને અનુરૂપ જૂથપ્રવૃત્તિ આપવામાં આવે છે. શિક્ષક આ પ્રમાણે પહેલા અને બીજા વર્ષમાં જુદા જુદા વિષયના ઘટકો વિદ્યાર્થીઓને સમજાવી ક્રમશ: આગળ વધે છે.
વર્ષની શરૂઆતમાં શિક્ષકે વિદ્યાર્થીઓનાં જૂથ પોતાનાં જ્ઞાન અને અનુભવને આધારે પાડ્યાં હોય છે. ઘણી વાર એવું બને કે સામાન્ય અનુભવે કોઈ એક વિદ્યાર્થી હોશિયાર લાગે પણ ઘટકમાં તેની ગતિ મંદ હોય અને હોશિયાર જૂથ સાથે અભ્યાસમાં કદમ મિલાવી શકે નહિ તેવા કિસ્સામાં શિક્ષકને અનુભવથી એમ લાગે કે આ વિદ્યાર્થીને પહેલા જૂથમાં મૂક્યો છે પણ તે બીજા કે ત્રીજા જૂથ માટે યોગ્ય છે, તો યોગ્ય લાગે ત્યારે જૂથની ફેરબદલી કરી શકે છે. તે પ્રમાણે કોઈ એક વિદ્યાર્થી શરૂઆતના તબક્કે શિક્ષકને નબળો લાગ્યો હોય અને તેને નબળા જૂથમાં મૂક્યો હોય તો તેને હોશિયાર જૂથમાં મૂકીને આગળ વધારી શકે છે. આમ જૂથની રચના કાયમી હોતી નથી. વિદ્યાર્થીની પ્રગતિ મુજબ તેની પુનર્રચના કરી શકાય છે.
શ્રેણીવિહીન શાળામાં દરેક વિષયના પાઠ્યક્રમને નાના નાના ઘટકોમાં વહેંચવામાં આવે છે. પ્રત્યેક ઘટક ખૂબ નાનો હોય છે. શિક્ષક આ ઘટક પ્રમાણે દરેક જૂથને ભણાવે છે. જૂથના દરેક વિદ્યાર્થીને એક ઘટક ન આવડે ત્યાં સુધી શિક્ષક આગળનો ઘટક શીખવતા નથી. ઘટકનું સતત મૂલ્યાંકન પણ થતું રહે છે. વર્ષને અંતે શક્ય છે કે હોશિયાર જૂથના વિદ્યાર્થીઓ પહેલા વર્ષના બધા ઘટકો પૂરા કરીને બીજા વર્ષના થોડાક ઘટકોનો અભ્યાસ કરતા હોય. નબળા જૂથના વિદ્યાર્થીઓને વર્ષના અંતે ગુજરાતી અને ગણિતના કેટલાક ઘટકો શીખવાના બાકી રહી જતા હોય. બીજા વર્ષમાં આ જૂથ બાકી રહેલા ઘટકો પૂરા કરીને પછી જ બીજા વર્ષના ઘટકોનું શિક્ષણ શરૂ કરે છે. શૈક્ષણિક વર્ષને અંતે પાસ-નાપાસની પરીક્ષા જેવું કશું જ હોતું નથી. પરંતુ વિદ્યાર્થીનું સતત મૂલ્યાંકન થતું રહે છે. તેની પ્રગતિ સતત જોવાતી રહે છે.
આમ, શ્રેણીવિહીન શાળામાં વિદ્યાર્થીનો સતત વિકાસ શક્ય બને છે. નબળા વિદ્યાર્થીઓને તેમની ગતિએ આગળ વધવાની તક મળે છે અને પોતાનો અભ્યાસક્રમ પૂરો કરી શકે છે. હોશિયાર વિદ્યાર્થીઓને વિશેષ પ્રગતિ કરવામાં પ્રોત્સાહન મળે છે. અભ્યાસક્રમમાં ઘટકો નાના હોવાથી દરરોજ પોતે કંઈક શીખ્યો છે, પોતાને કાંઈક આવડ્યું છે એવું વિદ્યાર્થીને લાગે છે. વિશેષ અધ્યયન માટે તે પ્રેરણારૂપ બને છે. આથી તેને અભ્યાસમાં રસ પડે છે અને તેથી તે શાળા છોડી જતો નથી. તેથી સ્થગિતતા અને અપવ્યયનું પ્રમાણ ઘટે છે. પરીક્ષામાં નાપાસ થવાનો પ્રશ્ન રહેતો નથી. ઘટકમાં જ આગળ વધવાનું હોય છે. નાપાસ થવાથી વિદ્યાર્થી નાસીપાસ થાય તેવી શક્યતા રહેતી નથી. જૂથકાર્ય દ્વારા એ સમજપૂર્વકનું જ્ઞાન મેળવે છે તેમજ કૌશલ્યો અને સહકારની ભાવના પણ કેળવાય છે.
પ્રાથમિક શિક્ષણમાં અને ખાસ કરીને પહેલા-બીજા ધોરણમાં શૈક્ષણિક અપવ્યયનું અને સ્થગિતતાનું પ્રમાણ ઘટાડવા માટે આ પ્રકારની શ્રેણીવિહીન શાળાઓ ઉપયોગી હોય છે.
આરતી કસ્વેકર