શાલીહાસ, રમેશચંદ્ર (. 25 જુલાઈ 1925, સિરસા, હરિયાણા) : હિંદી અને સંસ્કૃત કવિ તથા પંડિત. તેમણે પંજાબ યુનિવર્સિટીમાંથી ‘શાસ્ત્રી’ (1943); ‘સાહિત્યરત્ન’ (1969); ‘આયુર્વેદરત્ન’ (1970, પ્રયાગ)ની પદવીઓ પ્રાપ્ત કરી હતી. તેમણે અધ્યાપન સાથે લેખનકાર્ય આરંભ્યું. લુપ્ત સરસ્વતી અભિયાનના જિલ્લા-સંગઠક (ઑર્ગેનાઇઝર) તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેઓ હિંદી સાહિત્ય સંમેલનના જિલ્લા પ્રમુખ; મુંબઈની વિશ્વ સંસ્કૃત પરિષદના જિલ્લા-સંગઠક (ઑર્ગેનાઇઝર) રહ્યા.

તેમણે અત્યાર સુધીમાં હિંદીમાં 10થી વધુ ગ્રંથો આપ્યા છે. તેમાં ‘શ્યામગીતાંજલી’ (1954) ભક્તિકાવ્ય છે. ‘શ્રીશ્યામહિમ્ન:સ્તવ’ (1954), ‘સત્યસપ્તકમ્’ (1957) બંને સંસ્કૃત કાવ્યરચનાઓ છે. ‘ભૃગુ-યોગાવલી’ (1952) હિંદી અનુવાદ સાથે છે; જ્યારે ‘સસુરાલ’ હિંદીમાં વ્યંગ્યાત્મક રુબાઈ છે (1975). ‘હરિયાણા કે હિંદીસેવી’ (1967) રેખાચિત્રો છે.

તેમને આ માટે હરિયાણા સાહિત્ય અકાદમી, કુરુક્ષેત્ર યુનિવર્સિટી, નૅશનલ કાઉન્સિલ ઑવ્ એજ્યુકેશનલ રિસર્ચ ઍન્ડ ટ્રેનિંગ તથા અન્ય તરફથી હિંદી તથા સંસ્કૃતમાં અનેક ઇનામો પ્રાપ્ત થયાં છે. દિવ્ય જ્યોતિ, સિમલા તરફથી 1970માં ‘કવિરત્ન’ના ખિતાબથી તથા વિવિધ સાહિત્યિક સંસ્થાઓ દ્વારા તેમને સન્માનિત કરવામાં આવેલા.

બળદેવભાઈ કનીજિયા