શાર્લીમૅન (જ. 2 એપ્રિલ 742, આચેન, ફ્રાન્કોનિયા; અ. 28 જાન્યુઆરી 814, આચેન) : મધ્યયુગનો યુરોપનો સૌથી વધારે પ્રસિદ્ધ સમ્રાટ. તે ‘ચાર્લ્સ, ધ ગ્રેટ’ પણ કહેવાતો. તેણે રોમન સમ્રાટનો ખિતાબ ધારણ કર્યો હતો. તેના પિતા પેપિન ધ શૉર્ટ ફ્રેન્કિશ રાજ્ય(હાલનું ફ્રાન્સ અને પશ્ચિમ જર્મનીનો થોડો પ્રદેશ)ના શાસક હતા. ઈ. સ. 768માં તેના પિતા મૃત્યુ પામ્યા બાદ તેને અને તેના ભાઈ કાર્લોમનને ફ્રેન્કિશ રાજ્ય ભાગમાં મળ્યું; પરંતુ કાર્લોમન 771માં મરણ પામ્યો પછી તેને આખું રાજ્ય મળ્યું. તેમાં હાલનું બેલ્જિયમ, ફ્રાન્સ, લક્ઝમ્બર્ગ, નેધરલૅન્ડ્ઝ અને પશ્ચિમ જર્મનીનો કેટલોક પ્રદેશ હતો. તે પછી તરત જ શાર્લીમૅને રાજ્યવિસ્તાર કરવા માંડ્યો. તેણે લોમ્બાર્ડી અને બવેરિયા જીતીને તેના રાજ્યમાં જોડી દીધાં. તેણે પૂર્વ યુરોપમાં આવાર (Avars) લોકો પાસેથી જમીન અને ખજાનો મેળવ્યો. વાયવ્ય (ઉ. પ.) જર્મનીમાં રહેતા
સેક્સન લોકો સામે તે સૌથી લાંબી અને ભયંકર લડાઈ લડ્યો. આશરે 30 વર્ષ લાંબી તે લડાઈના અંતે તેમણે સેક્સનોને હરાવ્યા અને તેઓને ખ્રિસ્તી ધર્મ સ્વીકારવાની ફરજ પાડી. આ લડાઈઓ દરમિયાન તેણે હજારો સેક્સનોને મારી નાખ્યા અને અસંખ્ય લોકોને દેશપાર કર્યા. ઈ. સ. 778માં તેણે સ્પેનના મુર જાતિના મુસ્લિમો સામે લડાઈ કરી હતી. શાર્લીમૅનના લશ્કરનો સારાગોસામાં પરાજય થયો; અને પીછેહઠ કરતી વખતે પર્વતોમાં વસતા બેસ્ક (Basque) લોકોએ ઓચિંતો હુમલો કરી તેની પાછળની હરોળનો નાશ કર્યો. તે પછી તેના પુત્ર લૂઈએ સ્થાનિક ખ્રિસ્તી શાસકોની મદદથી 801માં બાર્સિલોના જીતી લીધું. ઈ. સ. 800 સુધીમાં શાર્લીમૅને તેનું રાજ્ય મધ્ય ઇટાલીથી ઉત્તરે ડેન્માર્ક અને પૂર્વ જર્મનીથી પશ્ચિમે આટલાંટિક મહાસાગર સુધી વિસ્તાર્યું હતું. તે તેના સમગ્ર શાસનકાળ દરમિયાન ખ્રિસ્તી દેવળ સાથે સહકાર અને મિત્રતાની નીતિ અનુસર્યો હતો. તેણે દેવળનું રક્ષણ કરીને રાજ્યનો વિસ્તાર કર્યો હતો. શાર્લીમૅનની વિશાળ સત્તાની કદર કરીને તથા ખ્રિસ્તી દેવળ સાથેનું તેનું જોડાણ મજબૂત કરવા પોપ લિયો ત્રીજાએ ઈ. સ. 800માં તેને રોમનોના સમ્રાટનો તાજ પહેરાવ્યો.
શાર્લીમૅનના સમયમાં યુરોપમાં નગરો, વેપાર તથા ઉદ્યોગો ભાગ્યે જ હતા. લગભગ બધા લોકો ખેતી કરતા હતા. જૂના રોમન સામ્રાજ્યના કાયદા અદૃશ્ય થઈ ગયા હતા. શાર્લીમૅને તેમાં સુધારા કરવા વફાદાર ઉમરાવોને મોટી જાગીરો આપી. તેના બદલામાં તેઓ રાજાને લશ્કર અને રાજકીય સેવા આપતા હતા. તેમાંથી ઉદ્ભવેલી સામંતશાહી પદ્ધતિ યુરોપમાં આશરે 400 વર્ષ ટકી હતી.
શાર્લીમૅને ખેતીમાં વધુ કાર્યક્ષમ પદ્ધતિઓ દાખલ કરીને અનાજનો પુરવઠો વધાર્યો. વેપાર વધારવા તેણે ચાંદીના સિક્કા પડાવ્યા અને બજારોની સ્થાપનાને ઉત્તેજન આપ્યું. તે લોકોને ન્યાય અને સારી સરકાર આપવામાં માનતો હતો. તેણે ફરમાન કર્યું કે અદાલતો નિયમિત કામ કરે અને ન્યાયાધીશો સમાજના સ્વીકૃત કાયદાઓ મુજબ ચુકાદા આપે. તેણે તેના રાજ્યને જિલ્લાઓમાં વિભાજિત કરીને વહીવટ ચલાવવા કાર્યદક્ષ અધિકારીઓ નીમ્યા.
સમયાંતરે તે તેના ઇન્સ્પેક્ટરોને તેના આદેશો સહિત જિલ્લાઓમાં મોકલતો અને સ્થાનિક પરિસ્થિતિ પર હેવાલ મેળવતો. આમ, તે સામ્રાજ્યના દૂરના પ્રદેશો ઉપર અંકુશ રાખતો. તેણે પાટનગર આચેનના તેના રાજમહેલમાં શિક્ષણ અને સંસ્કૃતિના વિકાસ માટે શાળા સ્થાપી. ‘પૅલેસ સ્કૂલ’ કહેવાતી આ શાળામાં યુરોપના શ્રેષ્ઠ અધ્યાપકો અને વિદ્યાર્થીઓ આકર્ષાયા હતા. તેના આખા સામ્રાજ્યના ખ્રિસ્તી દેવળોના પાદરીઓ તથા શાળાઓના શિક્ષકોને તેમાં ઉત્તમ તાલીમ આપવામાં આવતી હતી. શાળાઓના કેટલાક વિદ્વાનો પ્રાચીન રોમન હસ્તપ્રતો ભેગી કરીને તેની નકલો કરતા હતા. તેમણે હસ્તલેખનની નવી શૈલી વિકસાવી તે ‘કેરોલિન્જિયન મિનસ્ક્યુલ’ કહેવાતી. શાર્લીમૅનના દરબારમાં ઇંગ્લૅન્ડ, સ્પેન અને ઇટાલીથી આવેલા તથા સ્થાનિક વિદ્વાનોનો સમૂહ ભેગો થયો હતો.
મોહન વ. મેઘાણી