શાર્પવિલ : દક્ષિણ આફ્રિકાના વેરીનિગિંગ શહેરનું પરું, જે રંગભેદની નાબૂદીની શ્યામ પ્રજાની લડતનું આરંભબિંદુ બન્યું. દક્ષિણ આફ્રિકા તેની રંગભેદની નીતિઓ માટે કુખ્યાત હતું, જેમાં શ્યામ પ્રજાજનોને ગોરાઓના વસવાટના વિસ્તારોમાં દાખલ થવા માટે ઓળખપત્રો આપવામાં આવતાં. આવાં ઓળખપત્રો વિના આ વિસ્તારોમાં તેમનો પ્રવેશ વર્જ્ય હતો. આ હડહડતા અન્યાય વિરુદ્ધ આંદોલન કરવા માટે, રંગભેદની નાબૂદી માટે દક્ષિણ આફ્રિકામાં બૃહદ આફ્રિકન રાષ્ટ્રવાદી કૉંગ્રેસે અહિંસક આંદોલન કરવાનો નિર્ણય કરેલો.
આ નિર્ણય અનુસાર, 21 માર્ચ, 1960ના રોજ આ અંગેના સૌપ્રથમ પ્રયોગનો આરંભ શાર્પવિલથી થયો. ઉપર્યુક્ત ઓળખપત્રોની નાબૂદીની માંગ કરતું આંદોલન આરંભાયું અને 20,000 નાગરિકોએ અહીં એકત્ર થઈ પોલીસમથક તરફ કૂચ શરૂ કરી. ત્યાં તેમણે તેમનાં ઓળખપત્રો પરત કર્યાં અને તે સાથે દેખાવો યોજ્યા. દેખાવકારોએ પોલીસો અને તેમનાં સશસ્ત્ર વાહનો પર પથ્થરમારો કર્યો એટલે પોલીસોએ તુરત ગોળીબાર શરૂ કર્યો. આંદોલન હિંસક બનવા લાગ્યું, જેમાં 67 શ્યામ પ્રજાજનો અવસાન પામ્યા, 186 ઘવાયા અને 48 મહિલા તથા બાળકો પણ તેનો ભોગ બન્યાં. શાર્પવિલ ખાતેનું રંગભેદ-નાબૂદી માટેનું આ સૌપ્રથમ આંદોલન હિંસક બન્યું. આ ઘટનાના અહેવાલથી દક્ષિણ આફ્રિકાની રંગભેદની નીતિની આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભારે ટીકા કરવામાં આવી. એથી બૃહદ આફ્રિકીવાદને વેગ સાંપડ્યો અને શાર્પવિલ તે માટે જાણીતું બન્યું.
રક્ષા મ. વ્યાસ