શાર્દાં, જ્યાં બાપ્તિસ્ત સિમ્યોં

January, 2006

શાર્દાં, જ્યાં બાપ્તિસ્ત સિમ્યોં (. 2 નવેમ્બર 1699, પૅરિસ, ફ્રાન્સ; . 6 ડિસેમ્બર 1779, પૅરિસ) : વાસ્તવવાદી શૈલીમાં પદાર્થચિત્રો અને સાદાં ઘરગથ્થુ જીવનનાં ચિત્રો ચીતરવા માટે જાણીતા ફ્રેન્ચ ચિત્રકાર. કલાની તાલીમ તેમણે ક્યાં લીધી તે અંગે માહિતી ઉપલબ્ધ નથી. 1724માં અકાદમી દે સેઇન્ટ લુકમાં તેઓ ચિત્રકાર તરીકે સામેલ થયા. 1728માં ફ્રાન્સની ‘રૉયલ એકૅડેમી ફૉર પેઇન્ટિંગ ઍન્ડ સ્કલ્પ્ચર’ના પણ તેઓ સભાસદ ચિત્રકાર બન્યા. 1731માં માર્ગેરિતા સેઇન્ટાર્ડ સાથે તેમણે લગ્ન કર્યું. એ પછી રસોડાનાં વાસણો અને ખાદ્ય પદાર્થોના તેમજ શાંત સાદાસીધાં ગૃહસ્થજીવનનાં ચિત્રો ચીતરનાર ચિત્રકાર તરીકેની ખ્યાતિ તેમને મળવી શરૂ થઈ. પોતાના કામમાં વ્યસ્ત હોય તેવા અને કામથી થાકીને પોરો ખાતાં સ્ત્રીપુરુષોનાં તેમણે કરેલાં આલેખનો તુરત જ લોકપ્રિય બન્યાં. 1735માં શાર્દાંની પત્ની અવસાન પામી અને એ વખતે તેમની જણસોની જે યાદી બનાવવામાં આવેલી એ એટલી તો સમૃદ્ધ હતી કે તે પરથી અનુમાન કરવામાં આવે છે કે ત્યાં સુધીમાં ચિત્રોના વેચાણ દ્વારા શાર્દાં સારી એવી સંપત્તિ ભેગી કરી શક્યા હોવા જોઈએ અને તેમનાં ચિત્રો સારી એવી કિંમતે વેચાતાં હોવાં જોઈએ. 1740માં તેમણે માર્ગેરિતા પૂગે સાથે પુનર્લગ્ન કર્યું. ફ્રાન્સના રાજા લૂઈ પંદરમાએ પણ ઊંચી કિંમતે તેમનાં ચિત્રો ખરીદવાં શરૂ કર્યાં. 1737માં શાર્દાંની મુલાકાત ફિલસૂફ અને વિશ્વકોશકાર દેનિસ દિદેરો સાથે થઈ. એમનાં ચિત્રોથી પ્રભાવિત થઈને દિદેરોએ એમને ‘ગ્રાન્ડ મૅજિશિયન’ કહીને નવાજ્યા.

1767માં શાર્દાંના ચિત્રકાર પુત્રે વેનિસમાં આપઘાત કર્યો. વળી, હવે ફ્રાન્સમાં ઐતિહાસિક પ્રસંગોનાં ચિત્રોની ફૅશને એટલું જોર પકડ્યું કે ઘરગથ્થુ જીવન અને રસોડાની સામગ્રીને વિષય બનાવતાં શાર્દાંનાં ચિત્રોની સામે જોવા પણ કોઈ તૈયાર નહોતું. તેથી તેમનાં ચિત્રોનું વેચાણ પણ નહિવત્ થઈ ગયું. આ બે કારણોને લીધે તેમની વૃદ્ધાવસ્થા પર વિષાદ છવાઈ ગયો. એ જીવતેજીવ ફ્રાન્સમાં ભુલાઈ ગયા. શાંત અને સાદાસીધા ઘરગથ્થુ જીવનનું કાવ્યાત્મક આલેખન કરવા માટે શાર્દાંનું મહત્વ છે.

અમિતાભ મડિયા