શારીરિક શિક્ષણ : શરીરનાં વિવિધ તંત્રો તથા પાંચ કર્મેન્દ્રિયોને પૂરી ક્ષમતાથી કામ કરે તે રીતે તૈયાર કરવા જે શિક્ષણ અપાય છે તે. શારીરિક શિક્ષણનો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. પ્રાચીન શિક્ષણશાસ્ત્રીઓએ એ સ્વીકાર્યું કે ‘શરીરમાદ્યં ખલુ ધર્મસાધનમ્’ – ધર્મ એટલે જીવન જીવવાની શ્રેષ્ઠ પદ્ધતિ, તે માટેનું પ્રથમ સાધન શરીર છે. સ્વસ્થ શરીરમાં સ્વસ્થ મન વિકસે છે. ભારતીય પરંપરામાં શરીરને આત્માનું ઘર માન્યું છે. તેની પૂરી કાળજી લેવાય તે આવશ્યક માન્યું છે. વિદ્યાર્થીના માનસિક, નૈતિક, વ્યાવસાયિક અને આધ્યાત્મિક વિકાસનું પહેલું ચરણ સ્વસ્થ અને સક્ષમ શરીર છે. કેવળ વ્યક્તિ માટે જ નહિ, સમાજ તથા રાષ્ટ્ર માટે પણ સ્વસ્થ શરીરવાળા જનો વિના રાષ્ટ્રરક્ષા અસંભવ છે. આધુનિક સમયમાં પણ સ્વામી દયાનંદ સરસ્વતી, સ્વામી વિવેકાનંદ, શ્રી અરવિંદ, ગાંધીજી આદિ સમાજનેતાઓએ શારીરિક શિક્ષણ ઉપર ઉચિત ભાર મૂક્યો છે. શારીરિક શિક્ષણ વ્યક્તિત્વના સર્વાંગી વિકાસનું એક અંગ છે. તેથી તેનો ભિન્ન રૂપે વિચાર કરાતો નથી. તે જ રીતે અન્ય પ્રકારનાં શિક્ષણોનો વિચાર શારીરિક શિક્ષણની અવગણના કરીને શક્ય નથી. વ્યાયામ તથા રમતગમત રૂપે વ્યક્ત થતા શારીરિક શિક્ષણથી વ્યક્તિમાં સ્ફૂર્તિ, બળ, નિર્ણયશક્તિ, સંતુલન, સાહસ, સતર્કતા, નેતૃત્વ, સહકાર ભાવના, ખેલદિલી, શિસ્તપાલન આદિ અનેક સદ્ગુણોનો વિકાસ થાય છે.

ભારતીય પરંપરામાં શરીરને બે રૂપે જોવા આવે છે : અન્નમય કોશ રૂપે અને પ્રાણમય કોશ રૂપે. શારીરિક શિક્ષણમાં આ બંને સ્વરૂપોનો વિચાર કરવામાં આવ્યો છે. શારીરિક વિકાસમાં શરીરને હૃષ્ટપુષ્ટ, સુડોળ, સુંદર અને નીરોગી બનાવવાનો ઉદ્દેશ છે; તેથી તેની ક્ષમતાઓ ખીલે છે. શરીરનાં બધાં તંત્રો પ્રણાલીબદ્ધ અને સામંજસ્યપૂર્ણ કાર્ય કરે તેનું મહત્વ છે. શરીરમાં દોષ કે ક્ષતિ ન પ્રવેશે તેનું ધ્યાન રાખવામાં આવે છે. ક્ષતિ તથા વિકૃતિને દૂર કરવાનો આગ્રહ રાખવામાં આવે છે.

શારીરિક વિકાસનાં આવશ્યક અંગો ભોજન, શૌચ, વિશ્રાંતિ, વ્યાયામ અને સદ્વિચાર તથા નિયમપાલન છે. ભોજન એટલે સંતુલિત, સાત્ત્વિક, ઉચિત માત્રામાં, ઉચિત સમયે લેવાતો આહાર અને તેની ક્રિયા. તેમાં પ્રવાહી તથા પાણીને સ્થાન છે. શૌચમાં સ્નાન, મળમૂત્રત્યાગ, નખ-દાંત આદિની શુદ્ધિ, સ્વચ્છ વસ્ત્ર તથા સ્વચ્છ નિવાસ પર ધ્યાન અપાય છે. શરીરની સ્વાભાવિક સ્થિતિ નિદ્રા છે. પણ આહારાદિ માટે પ્રવૃત્તિ કરવા નિદ્રામાં વિરામ પાડી જાગૃતિની સ્થિતિમાં રહેવું પડે છે; પરંતુ ઋત એટલે કે પ્રકૃતિના નિયમ અનુસાર સૂર્યાસ્ત એ વિશ્રામના સમયના આરંભનો સંકેત છે. રાત્રિ વિશ્રામ માટે છે. તેમાં કેવળ નિશાચર જીવો જ અપવાદ છે. પક્ષીઓ વૃક્ષાદિ પર રાત પડતાં ‘સૂઈ’ જાય છે. દિવસ દરમિયાન પરિશ્રમથી થયેલી ક્ષતિ રાત્રિની નિદ્રાની વિશ્રાંતિના સમયમાં ભરપાઈ થાય છે. માટે વિશ્રામ વિના અવિરત પરિશ્રમ શરીરના સ્વાસ્થ્ય માટે બાધક છે.

સામાન્ય રીતે પારંપરિક દિનચર્યામાં શરીરને પૂરતો વ્યાયામ મળી રહે તેવી વ્યવસ્થા હતી. કહેવાતી આધુનિક વિકાસની પ્રક્રિયામાં જીવન અનિયમિત અને અવ્યવસ્થિત બની ગયું છે. ઘણી પ્રવૃત્તિઓ એવી છે, જેમાં શરીરને સમતોલ વ્યાયામ નથી મળતો; ઉદા., સંગણક-સંચાલનમાં આંખો પર વધારે પડતો શ્રમ પડે છે, જ્યારે પગને કશો વ્યાયામ મળતો નથી. બધા સ્નાયુઓને વ્યાયામ મળે અને તે રીતે પૂરતું પોષણ અને પ્રાણવાયુ પહોંચે તે હેતુથી યોગશિક્ષણ પર ભાર મુકાયો હતો. યોગનાં આસનો એવી રીતે નિશ્ચિત કરાયાં છે કે જેથી ઇષ્ટ સ્નાયુ કે તંત્રને નવું જીવન – નવું યૌવન મળે.

સારી ટેવો, સારા વિચારો અને નિયમિતતાનું મહત્વ ઓછું નથી. આ ટેવો શરીરનાં તંત્રોને ઓછામાં ઓછી ઊર્જાથી વધારેમાં વધારે ઉપયુક્ત પ્રવૃત્તિ કરવામાં દોરે છે. ઊર્જા વેડફાતી નથી. સારી ટેવો સ્વાસ્થ્યને સમૃદ્ધ બનાવે છે.

પ્રાણિક વિકાસમાં પાંચ પ્રાણોનો સિદ્ધાંત અપનાવાયો છે. નાભિથી નીચેનાં અંગોમાં અપાનવાયુનો સંચાર થઈ મળમૂત્રનો નિકાલ થાય છે. હૃદયથી નાભિ સુધી સમાનવાયુ પાચન આદિ તંત્રોને ગતિમાન રાખે છે. મુખથી હૃદય સુધી પ્રાણવાયુ ફરે છે અને વાચા, રુધિરાભિસરણ, ગ્રસન, પ્રસ્વેદન, તાપનિયમન આદિ કાર્યોનું સંચાલન કરે છે. કંઠથી મથાળા સુધી ઉદાનવાયુ શરીરના સ્નાયુ-સંચાલન, ગાયન, શ્રવણ, દૃષ્ટિ આદિ કાર્યોનું સંચાલન કરે છે. વ્યાનવાયુ શરીરમાં સર્વત્ર પ્રસરી નાડીઓને તાલબદ્ધ ગતિ આપે છે. આ ઉપરાંત, પાંચ ઉપપ્રાણની વાત પણ કરી છે. પ્રાણિક વિકાસ ઇંદ્રિયોને બળ આપે છે તથા તેમની ક્ષમતા સુધારે છે. પ્રાણિક વિકાસમાં અવાંછનીય મૂળ પ્રવૃત્તિઓ, ક્રોધ, લોભ, ઈર્ષા આદિનું ઉપયોગી – લાભદાયી આવેગોમાં રૂપાંતર થાય છે. એ રીતે તે સ્વાસ્થ્ય અને ક્ષમતા સુધારે છે. આમ એકત્ર રૂપે ચારિત્ર્ય અને શીલ વિકાસ પામે છે.

પ્રાચીન સમાજમાં શરીરને ભોગનું સાધન માન્યું નથી. તે ભગવત્-પ્રાપ્તિનું સાધન છે. તેને આઠ ચક્રો અને નવ દ્વારોવાળી દેવપુરી કહી છે.

પરદેશી આક્રમકોએ મુખ્ય લક્ષ્ય ભારતીય સંસ્કૃતિનો નાશ કરવાનું રાખ્યું. તેમણે વિદ્યાપીઠોનો ધ્વંસ કર્યો; ધર્મશાસ્ત્રો સળગાવી દીધાં અને આચાર્યોની હત્યા કરી. સમાજ રક્ષાત્મક સ્થિતિમાં મુકાઈ ગયો. અંગ્રેજી ખ્રિસ્તી શાસને હિંસાત્મક લાગે તેવી પ્રત્યક્ષ રીતે નહિ, પણ શિક્ષણાત્મક લાગે તેવી પરોક્ષ રીતે સંસ્કૃતિ-વિનાશની નીતિ આગળ વધારી. તેમણે પશ્ચિમ ઢબની આધુનિક સુધારાવાદી કેળવણીના નામે પ્રજાને પોતાની સંસ્કૃતિથી વિમુખ કરી, તેને ધિક્કારતી કે ઉતારી પાડતી કરી અને તેને પશ્ચિમનું જ બધું શ્રેષ્ઠ છે એવું ઠસાવ્યું. બ્રિટિશ શાસને તેની રીતે શારીરિક શિક્ષણ માટે શિક્ષકો તૈયાર કરવા માટે 1920માં ચેન્નાઈ(ત્યારે મદ્રાસ)માં કૉલેજની સ્થાપના કરી. સ્વતંત્રતા પછી જે નેતાઓ શાસનમાં આવ્યા તેમણે પશ્ચિમને અને વિશેષે અંગ્રેજીને શ્રેષ્ઠ સ્વીકારી તેનું અનુકરણ કરવામાં ધન્યતા માની. તેમણે યોગ આદિની અવગણના કરી અને પશ્ચિમી પદ્ધતિનાં કેલેસ્થેનિક, જિમ્નેસ્ટિક અને સ્પૉર્ટ્સ આદિના પ્રશિક્ષણ માટે અભ્યાસક્રમો બનાવ્યા. 1957માં ગ્વાલિયરમાં દેશની સર્વોચ્ચ શરીરશિક્ષણ વિદ્યાપીઠ  લક્ષ્મીબાઈ નૅશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑવ્ ફિઝિકલ એજ્યુકેશનની સ્થાપના કરી. 1995માં તેને ડિમ્ડ યુનિવર્સિટી રૂપે સ્વીકૃતિ અપાઈ. આ સંસ્થા શારીરિક શિક્ષણક્ષેત્રે પ્રમાણપત્ર અભ્યાસક્રમથી માંડીને ડી. લિટ. સુધીના અભ્યાસ-સંશોધન માટે સુવિધા ધરાવે છે.

ભારતનાં અન્ય રાજ્યોની જેમ ગુજરાતમાં પણ શારીરિક શિક્ષણ-ક્ષેત્રે ઘણી પ્રગતિ થઈ છે; જેમાં છોટુભાઈ અને અંબુભાઈ પુરાણી બંધુઓ, માણેકરાવ, સયાજીરાવ ગાયકવાડ, જુમ્માદાદા જેવા લોકોનો મોટો ફાળો છે. આજે ગુજરાતમાં પણ સરકાર દ્વારા અનુદાન પ્રાપ્ત કરતી તથા સ્વનિર્ભર શારીરિક શિક્ષણની તાલીમ આપતી ઘણી સંસ્થાઓ કાર્યરત છે તથા પ્રમાણપત્ર-અભ્યાસક્રમથી પીએચ.ડી. સુધીની સુવિધાઓ છે. શાળાઓ તથા કૉલેજોમાં શારીરિક શિક્ષણને પણ અન્ય વિષયોની જેમ માન્યતા આપી છે. ગુજરાત એસ.એસ.સી. બૉર્ડ તો અન્ય વિષયોની જેમ શારીરિક શિક્ષણ વિષયની પરીક્ષા પણ લે છે. આમ છતાં શાળાઓ તથા કૉલેજોમાં મેદાન, રમતગમતનાં સાધનોની કમી તથા અમુક અંશે સમાજમાં શારીરિક શિક્ષણના વિષય પ્રત્યેની ઉદાસીનતાને કારણે અન્ય વિષયોની જેમ શારીરિક શિક્ષણનો વિષય વિકાસ પામી શક્યો નથી. પરંતુ આ અંગેના પ્રયત્નો ચાલુ છે તથા ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગરે તો અન્ય વિષયોની જેમ ધોરણ 5થી 12 સુધીનાં ‘શારીરિક અને સ્વાસ્થ્ય શિક્ષણ’નાં પાઠ્યપુસ્તકો પણ પ્રકાશિત કર્યાં છે. આ રીતે ગુજરાત રાજ્યમાં શારીરિક શિક્ષણનો વિષય વિકાસ પામતો રહ્યો છે.

પ્રભુદયાલ શર્મા

બંસીધર શુક્લ