શારીરિક રાસાયણિક ક્રિયાઓ : માનવશરીરમાં થતી વિવિધ રાસાયણિક પ્રક્રિયાઓ. તેને ચયાપચય (metabolism) કહે છે. આ પ્રકારની જૈવરાસાયણિક (biochemical) પ્રક્રિયાઓમાં નાના અણુઓ એકઠા મળીને (સંઘટન) મોટા અણુઓ બનાવે છે અથવા મોટા અણુઓ વિઘટન પામીને નાના નાના અણુઓમાં ફેરવાય છે. આ પ્રક્રિયાઓને અનુક્રમે ચય (anabolism) અને અપચય (catabolism) કહે છે. તેમને સંયુક્ત રૂપે ચયાપચય કહે છે. અણુઓના સંઘટન-વિઘટન સમયે ઊર્જાનો વપરાશ કે તેનું ઉત્પાદન થાય છે. મુખ્ય રાસાયણિક પ્રક્રિયાઓ કાર્બોદિત પદાર્થો (carbohydrates), મેદદ્રવ્યો (fats), નત્રલો (proteins) સાથે સંકળાયેલી છે. જોકે તે ઉપરાંત પુર:સ્થગ્રંથિઓ (prostaglandins), પ્રજીવકો (vitamins), ઉત્સેચકો (enzymes) સંબંધિત પણ ઘણી રાસાયણિક ક્રિયાઓ થાય છે. શરીરમાંનાં પ્રતિરક્ષાગોલનત્રલો (immunoglobulin), કેન્દ્રામ્લો (nucleic acids), ચક્રીય AMP (cyclic AMP), જારણ(oxidation)ની પ્રક્રિયાઓ અમ્લક્ષારદ સંતુલન(acid-base balance)ની પ્રક્રિયાઓ, લોહવર્ણક(haem)નો ચયાપચય, કોષીય શ્વસન, મૂત્રપિંડ અને યકૃતની કાર્યક્ષમતા વગેરે સાથે સંકળાયેલી રાસાયણિક પ્રક્રિયાઓનો પણ તેમાં સમાવેશ થાય છે.

રાસાયણિક પ્રક્રિયાઓમાં ઉદ્ભવતી વિષમતાઓ વિવિધ પ્રકારના રોગો અને વિકારો સર્જે છે; જેમ કે, વધુ પડતું વજન અથવા મેદસ્વિતા (obesity), મધુપ્રમેહ, પોષકદ્રવ્યોની ઊણપ, મૂત્રપિંડની નિષ્ફળતા, યકૃત(liver)ની નિષ્ફળતા વગેરે. તેથી વિવિધ પ્રકારનાં લોહી, મૂત્ર, લાળ, પ્રસ્વેદ તથા પેશીઓની જૈવરાસાયણિક કસોટીઓ વડે જે તે રોગનું નિદાન શક્ય બને છે; જેમ કે, લોહીમાં ગ્લુકોઝની સપાટી જાણીને મધુપ્રમેહના રોગનું કે યુરિયા તથા ક્રિયેટિનિનની સપાટી જાણીને મૂત્રપિંડની નિષ્ફળતાના રોગનું નિદાન કરાય છે. શરીરમાં થતી જૈવરાસાયણિક પ્રક્રિયાઓને આધારે ક્રિયાલક્ષી ચિત્રણો (functional imaging) મેળવી શકાય છે. પોઝિટ્રૉન એમિશન ટૉમોગ્રાફી નામની અત્યાધુનિક ચિત્રણપ્રણાલી આ સિદ્ધાંત પર કામ કરી રહી છે. જૈવરાસાયણિક વિષમતાઓનો રાસાયણિક ઘટકો વડે ઉપચાર કરીને કેટલાક રોગો મટાડી શકાય છે; જેમ કે, પોષક દ્રવ્યોની ઊણપ દૂર કરવા જે તે પોષક દ્રવ્યને શરીરમાં મોં કે ઇન્જેક્શન દ્વારા પ્રવેશ અપાય છે. તેવી રીતે લોહીમાં ગ્લુકોઝ ઘટી જવાથી ઉદ્ભવતી વિષમતા ગ્લુકોઝને મોં કે નસ દ્વારા આપીને દૂર કરી શકાય છે.

શિલીન નં. શુક્લ