શારદા : ગુજરાતના સાહિત્યિક પત્રકારત્વમાં મહત્વનું સ્થાન ધરાવતું શ્રી ગોકુળદાસ રાયચુરાના તંત્રીપદે પ્રગટ થયેલું, સાહિત્ય, કળા, સંસ્કાર અને લોકસાહિત્યના પ્રસાર માટેનું સામયિક. 1924ના એપ્રિલ માસમાં ગોકુળદાસ રાયચુરાએ રાજકોટમાંથી પ્રગટ કરેલા ‘શારદા’ના પ્રથમ અંકે સૌરાષ્ટ્રમાં આગવી સાહિત્યિક આબોહવા અને સાંસ્કૃતિક ચેતના જગાડી હતી. એનો આર્ટ પેપર પર છપાયેલો પ્રથમ અંક રંગીન ચિત્રો અને તસવીરોથી શોભતો હતો તેમજ એના પ્રત્યેક અંકમાં વિશાળ વાચનવૈવિધ્ય જોવા મળતું. ત્રિરંગી આકર્ષક મુખપૃષ્ઠ સાથે એમાં કાવ્યો, વાર્તા, ચરિત્રો, પ્રવાસવર્ણનો, લોકકથાઓ જેવી વૈવિધ્યપૂર્ણ સામગ્રી આપવામાં આવતી હતી. વળી પ્રત્યેક લેખનું શીર્ષક સુંદર ડિઝાઇન સાથે રજૂ થતું. કલાબ્ધિની કલાત્મક ચિત્રકૃતિઓ અને એસ. એમ. ડાભીનાં ઠઠ્ઠાચિત્રો એમાં આવતાં. ‘દાલચીવડા’ના ઉપનામથી સામયિકના તંત્રીશ્રી ગોકુળદાસ રાયચુરા હળવા લેખો લખતા હતા. એમાં શ્રી અંબાલાલ ભટ લિખિત ગઝલમાં ગીતાનો એક પ્રયોગ પણ કરવામાં આવ્યો હતો અને એ જ રીતે શ્રી નાનજી કાલિદાસ મહેતાની યુરોપની મુસાફરી અંગેની લેખમાળા પ્રગટ થઈ હતી. એકસો પાનાં જેટલા દળદાર એના અંકો સમૃદ્ધ વાચન ધરાવતા હતા. દર મહિનાની 15મી તારીખે પ્રકાશિત થતા આ માસિકની છૂટક નકલની કિંમત બાર આના અને વાર્ષિક લવાજમ સાડા છ રૂપિયા હતું. શ્રી ગોકુળદાસ રાયચુરા પત્રકાર અને લેખક હોવાથી સામયિકનાં મુદ્રણ અને ભાષાશુદ્ધિ પરત્વે એમની ચીવટ જોવા મળે છે. લોકસાહિત્યના પ્રસાર-પ્રચારની તંત્રીની લગનીનું આ સામયિકમાં પ્રતિબિંબ ઝિલાયું છે. એના સત્વશીલ સંશોધનાત્મક લેખો આજે પણ ધ્યાનાર્હ છે. આ સામયિકમાં નાટ્યકૃતિને પણ સ્થાન આપવામાં આવતું અને અન્ય ભાષાની નાટ્યકૃતિનો અનુવાદ પણ પ્રગટ થતો. પ્રત્યેક અંકમાં કાઠિયાવાડી દુહા અને કૌંસમાં સરળ ગુજરાતીમાં એનો અર્થ આપવામાં આવતો. પ્રસિદ્ધ નવલિકાકાર ધૂમકેતુના ખલિલ જિબ્રાનની શૈલીમાં લખાયેલાં વિચારમૌક્તિકો ‘રજકણ’ શીર્ષક હેઠળ આ માસિક પત્રમાં પ્રગટ થતાં.

સાહિત્ય અને સંસ્કારને અનુલક્ષીને પ્રકાશિત થતા આ સામયિકમાં સામાન્ય રીતે રાજકારણની ચર્ચા ન હોય, પરંતુ એ વખતના આઝાદીના આંદોલનથી કઈ રીતે અલિપ્ત રહી શકે ? આથી એમાં ગાંધીજીની પ્રશંસા કરતાં કાવ્યો કે રજવાડાંની ટીકા કરતા હળવા લેખો જોવા મળે છે.

‘શારદા’ના લોકસાહિત્યના વિશેષાંકો પણ ધ્યાન ખેંચે છે. એણે કરેલી સેવા નોંધપાત્ર છે. આ સામયિક 40 વર્ષ સુધી ચાલ્યું. એણે ગુજરાતી પત્રકારત્વમાં નવી દિશા ઉઘાડી આપવાની સાથોસાથ નવોદિતોને તક આપીને ગુજરાત-સૌરાષ્ટ્રમાં સાહિત્યસંસ્કારનું વાતાવરણ સર્જ્યું.

પ્રીતિ શાહ