શારદા (નદી) : હિમાલયમાંથી નીકળીને ભારત-નેપાળની પશ્ચિમ સરહદ પર દક્ષિણ-અગ્નિ દિશા તરફ વહેતી નદી. 480 કિમી.નો વહનમાર્ગ પસાર કર્યા પછી તે ઘાઘરા નદીને મળે છે. તેના ઉપરવાસમાં તે કાલી નદીના નામથી ઓળખાય છે. બર્મદેવ મંડી ખાતે તે ગંગાના મેદાનમાં પ્રવેશે છે જ્યાં શારદા આડબંધ આવેલો છે. તેની ઉપર તરફ તે પહોળી બને છે. અહીંથી હેઠવાસ તરફ તે શારદા નદીના નામથી ઓળખાય છે. તેની સહાયક નદીઓમાં ધૌલીગંગા, ગૌરીગંગા અને સરજુ નદીઓનો સમાવેશ થાય છે. બનવાસા નજીકનો શારદા આડબંધ, 19૩0માં પૂરી કરવામાં આવેલી શારદા નહેર (28° 59´ ઉ. અ. અને 80° 07´ પૂ. રે.) માટેનો સ્રોત બની રહેલો છે. આશરે 8 લાખ હેક્ટર ભૂમિને જળસિંચાઈ પૂરી પાડતી આ નહેર ઉત્તર ભારતની લાંબી સિંચાઈ નહેરો પૈકીની એક ગણાય છે.

ગિરીશભાઈ પંડ્યા