શારદા અશોકવર્ધન, એન. (. 28 જુલાઈ 19૩8, વિજયનગરમ્, આંધ્રપ્રદેશ) : તેલુગુ કવયિત્રી-લેખિકા. તેમણે બી.એ.ની ડિગ્રી મેળવ્યા બાદ હોમ-સાયન્સમાં ડિપ્લોમા કર્યો. તેઓ સરકારી નોકરીમાં જોડાયાં. આંધ્ર પ્રદેશ સરકારના માહિતી અને જાહેર સંપર્ક ખાતાનાં સંયુક્ત નિયામકપદેથી તેઓ સેવાનિવૃત્ત થયાં. તેઓ સેન્ટ્રલ ફિલ્મ સેન્સર બૉર્ડનાં સભ્ય; જવાહર બાલભવનનાં નિયામક; આંધ્રપ્રદેશ સાહિત્ય અકાદમી, હૈદરાબાદનાં સભ્ય રહ્યાં હતાં.

તેમણે અત્યાર સુધીમાં તેલુગુમાં 54 ગ્રંથો આપ્યા છે. ‘કુંતીપુત્રિકા’ (1998); ‘ગજ્જેઘલ્લુ મંટુન્ટે’ (1997); ‘વેન્નેલા વેટા’ તેમની લોકપ્રિય નવલકથાઓ છે. ‘કાલમ કડલિલો’ (1987); ‘આકાશરા ચિત્રાલુ’ (1996) તેમના કાવ્યસંગ્રહો છે. ‘મબ્બુનેરા’ (1996); ‘ઓ મહાત્મા ઓ મહર્ષિ’ અને ‘મનસુન્નરા મનિષી’ તેમના નાટ્યસંગ્રહો છે. ‘શારદાલોચનમ્’ નિબંધસંગ્રહ છે.

તેમને આંધ્રપ્રદેશ સરકાર તરફથી નાન્દી ઍવૉર્ડ; તેલુગુ યુનિવર્સિટી તરફથી 1991માં પ્રતિભા ધર્મદયા ઍવૉર્ડ; પ્રિયદર્શિની અકાદમી તરફથી બેસ્ટ વાચન કવિતા ઍવૉર્ડ; મદ્રાસ કસ્તૂરી જૂથ તરફથી ‘ગૃહલક્ષ્મી કંકણમ્’ તરીકે સન્માન પ્રાપ્ત થયાં હતાં. વળી નીલકંઠ આર્ટ થિયેટર તરફથી ‘સાહિતી શિરોમણિ’નો ખિતાબ પણ તેમને આપવામાં આવ્યો હતો.

બળદેવભાઈ કનીજિયા