શામ, કૃષ્ણદાસ (સોળમી સદી) : કોંકણી અને મરાઠી કવિ. તેઓ સેક્સ્ટી (Saxty) (ગોવા)માં કેલોસીના વતની હતા, કેલોસી ગોવામાં સારસ્વત બ્રાહ્મણોનું કેન્દ્ર હતું. ચાતુર્માસ દરમિયાન ભક્તોને રામાયણ, મહાભારત, શ્રીમદભાગવતની કથા મંદિરોમાં સંભળાવવાનો રિવાજ હતો. આ રિવાજને કારણે મહાકાવ્યો અને પુરાણોનાં કોંકણી ભાષામાં ઘણાં ભાષાંતરોને ઉત્તેજન મળ્યું.

શામ કૃષ્ણદાસે પુરાણોની કથા વાંચવા-સમજાવવાની કળા સિદ્ધહસ્ત કરી હતી. મિશનરીઓએ આવા કેટલાક ગ્રંથો માટે રોમન લિપિ અપનાવીને લિપ્યંતર કર્યું. પોર્ટુગલમાં બ્રાગ ખાતે સાર્વજનિક લાઇબ્રેરીમાં રામાયણ અને મહાભારતની વિસ્તૃત કથાઓ રોમન લિપિમાં છે તે પ્રાચીન પાણ્ડુલિપિમાં સચવાઈ છે. આ જ પાણ્ડુલિપિવાળાં મહાકાવ્યોનો મરાઠી અનુવાદ કૃષ્ણદાસે કર્યો. રામાયણ અને મહાભારતની તેમની કોંકણી ગદ્યરચના તેની રસાળતા અને દુનિયાદારીની વ્યવહારદક્ષતા અને સંસ્કારિતાની દ્યોતક છે. તે બંને કોંકણીના પહેલા મહત્વના સાહિત્યગ્રંથો છે.

કોંકણી લોકોએ સારી એવી સંખ્યામાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યો તે પહેલાં ઘણું ગદ્યસાહિત્ય કોંકણીમાં હતું. તેમાં મુખ્યત્વે પુરાણોના તથા વીરભદ્રચરિતમ્ અને પરશુરામચરિતમ્ જેવા ગ્રંથોના અનુવાદોનો સમાવેશ થાય છે. તેની કથાઓ ચાતુર્માસમાં કહી સંભળાવવામાં આવતી. શામના ગ્રંથોમાં વપરાયેલી માન્ય ભાષા કોંકણી છે. બ્રાગ પ્રાચીન પાણ્ડુલિપિમાં ‘અશ્વમેધ’ શ્રેણીનો પ્રારંભ દર્શાવે છે કે આ ગદ્યકાર (શામ) મહાન કથાકાર હતા.

બળદેવભાઈ કનીજિયા