શાફ્ટ સીલ : યંત્રોના હાઉસિંગમાંથી બહાર નીકળતા અને ગતિ કરતા શાફ્ટની આજુબાજુએથી ઊંજણતેલ (lubricating oil) અથવા ગૅસને બહાર નીકળતા રોકવા માટેનો યાંત્રિક ભાગ. આને ઑઇલસીલ પણ કહેવાય છે. આ ઑઇલસીલ, એન્જિનના ફ્રક કેસમાં રહેલા ઊંજણતેલને બહાર આવતું રોકવાનું કાર્ય કરે છે.
સામાન્ય પ્રકારના સીલમાં ‘ઈલાસ્ટોમર’ રિંગ મૂકેલી હોય છે. ઈલાસ્ટોમર એ રબરના જેવું સ્થિતિસ્થાપક (elastic) હોય છે. આ ઈલાસ્ટોમર શાફ્ટના હાઉસિંગમાં સખતપણે બેસાડેલું હોય છે. આ ઈલાસ્ટોમરની ઉપર સિલિંગ કરવામાં આવે છે. આ રિંગ હાઉસિંગ ઉપર સ્પ્રિંગની મદદથી દબાવી રાખવામાં આવે છે. જ્યારે આ રિંગ યોગ્ય રીતે ડિઝાઇન કરેલી હોય અને યોગ્ય રીતે બેસાડાઈ હોય ત્યારે તે 0.0025 મિમિ.ની જાડાઈ(thickness)ના ઊંજણ ઉપર બેસે છે. જ્યારે આ જાડાઈ વધી જાય ત્યારે અંદરથી ઝરણ (leakage) થાય છે. આ જાડાઈ ખૂબ પાતળી થઈ જાય ત્યારે સીલ ગરમ થઈ જાય છે. સિલિંગ રિંગ ચામડું (leather), કૃત્રિમ રબર (synthetic rubber) અને સિલિકોનમાંથી બનાવાય છે.
પ્રદીપ સુરેન્દ્ર દેસાઈ