શાન, હરનામ સિંઘ [જ. 15 સપ્ટેમ્બર, 192૩, ધમિયલ, રાવલપિંડી (હાલ પાકિસ્તાનમાં)] : પંજાબી પંડિત. તેમણે અંગ્રેજી અને પંજાબીમાં એમ.એ., ‘મુન્શી ફઝિલ’; ‘ગ્યાની’ તથા ડી.લિટ.ની પદવીઓ મેળવેલી. તેઓ યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશનના મુખ્ય પ્રૉજેક્ટ ઇન્વેસ્ટિગેટર; પંજાબ યુનિવર્સિટીમાં પ્રાધ્યાપક તથા ગુરુ નાનક ચૅરના અધ્યક્ષ અને પંજાબી તથા શીખ સ્ટડિઝના વડા; આકાશવાણી, નવી દિલ્હીના નિર્માતા; પંજાબ યુનિવર્સિટીના સેનેટર; 1948-58 દરમિયાન પબ્લિકેશન બ્યુરોના સંપાદક; સિનિયર લેક્ચરર; રૉયલ એશિયાટિક સોસાયટી ઑવ્ ગ્રેટ બ્રિટન ઍન્ડ આયર્લૅન્ડના ફેલો; ફૉકલોર સોસાયટી, લંડનના સભ્ય; પંજાબી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના સલાહકાર બૉર્ડના સભ્ય; પંજાબી લેખક સભા અને ચંડીગઢના અધ્યક્ષ રહ્યા.
તેમણે અત્યારસુધીમાં 20 ગ્રંથો આપ્યા છે. તેમાં અંગ્રેજીમાં ‘સેઇંગ્સ ઑવ્ ગુરુ નાનક’; ‘ગુરુ નાનક્સ મોરલ કોડ’, ‘ગુરુ નાનક્સ માસ્ટરપીસ’; ‘ઇમેજ ઑવ્ ગુરુ નાનક’; ‘ગૉડ ઍઝ નોન ટુ ગુરુ નાનક’ – એ બધા શીખ ધર્મને લગતા ગ્રંથો છે. ‘પંજાબ ઍન્ડ લાયન ઑવ્ પંજાબ’, પંજાબીમાં : ‘ગુરુ બાબા દી બાની’; ‘બાની ભગવત રવિ દાસજી કી’ બંનેનું નોંધ સાથે સંપાદન. ‘ગુરુ ગ્રંથસાહેબ દી કોશકારી’ ખાસ ઉલ્લેખનીય છે. વ્યાખ્યાન આપવાના હેતુસર તેમણે અમેરિકા, ઇંગ્લૅન્ડ, ઑસ્ટ્રેલિયા, પાકિસ્તાન, ઇજિપ્ત, ઇટાલી, જાપાન વગેરે દેશોનો પ્રવાસ ખેડ્યો છે.
તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1968માં પંજાબ સરકારનો સ્પેશિયલ ઍવૉર્ડ; સાહિત્યપ્રવર્તક કો-ઑપરેટિવ સોસાયટી, કોટ્ટયાનની સેન્ટ્રલ સિંધ સભાના સરોપા ઍન્ડ સ્પેશ્યલ ઍવૉર્ડ પ્રાપ્ત થયા છે. વળી ઑલ ઇન્ડિયા શીખ કાઉન્સિલ, નવી દિલ્હી; પંજાબી સાહિત્ય અકાદમી, લુધિયાણા અને ગુરુ ગોવિંદ સિંગ ફાઉન્ડેશન તરફથી પણ તેમને સન્માનવામાં આવ્યા છે.
બળદેવભાઈ કનીજિયા