શાન, બેન (Shahn, Ben) (. 12 સપ્ટેમ્બર 1898, કૌનાસ, રશિયા; . 14 માર્ચ 1969, ન્યૂયૉર્ક નગર, અમેરિકા) : સામાજિક અને રાજકીય ટીકા ધરાવતાં ચિત્રો ચીતરવા માટે જાણીતા આધુનિક ચિત્રકાર. મૂળ નામ બેન્જામિન શાન. તે ‘સોશિયલ રિયાલિસ્ટ’ નામના શિલ્પકાર-ચિત્રકાર જૂથના પ્રમુખ સભ્ય હતા.

બેન શાન

કુટુંબ સાથે વતન રશિયા છોડીને 1906માં શાન ન્યૂયૉર્ક નગરમાં આવ્યા. 191૩થી 1917 સુધી દિવસે એક છાપખાનામાં નોકરી કરી અને રાતે રાત્રિશાળામાં અભ્યાસ કર્યો. 1917થી 1925 સુધી તેમણે ન્યૂયૉર્ક યુનિવર્સિટીની સિટી કૉલેજ ઑવ્ ન્યૂયૉર્ક તથા ન્યૂયૉર્ક ખાતેની નૅશનલ એકૅડેમી ઑવ્ ડિઝાઇનમાં અભ્યાસ કર્યો. 1925થી 1927 સુધી યુરોપના અનેક દેશોનો પ્રવાસ કર્યો. અમેરિકન કાયદાઓ અને બંધારણ સામે બળવો પોકારનારા અરાજકતાવાદી સાકો અને વાન્ઝેતી પર ચાલેલા મુકદ્દમાઓ પર 19૩1-૩2માં શાને એક લાંંબી ચિત્રશ્રેણી ચીતરી; જેમાં કટાક્ષપૂર્ણ રીતે અને આવેશમય રીતે તેણે આ અરાજકતાવાદીઓની તરફદારી કરી. આ ચિત્રોમાં આ બંનેને અમેરિકન સુપ્રીમ કોર્ટે મૃત્યુકરાર આપેલો. આ બે બળવાખોરોની શબપેટીઓ ઉપર પુષ્પો ચડાવતા ગ્લાનિભર્યા અને ગમગીનીભર્યા ત્રણ પુરુષોનું ચિત્ર ‘ધ પૅશન ઑવ્ સાકો ઍન્ડ વાન્ઝેતી’ શ્રેષ્ઠ ગણાયું. આ ચિત્રશ્રેણીને કારણે શાનને ખૂબ જ નામના મળી. ત્યારબાદ મજૂરનેતા ટૉમ મૂની ઉપર ચાલેલા મુકદ્દમા ઉપર 19૩૩માં તેમણે ચિત્રશ્રેણી ચીતરી. આ જ વર્ષે તે ‘ન્યૂયૉર્ક સિટી પબ્લિક વકર્સ આર્ટ પ્રૉજેક્ટ’માં જોડાયા, જેની અંતર્ગત દારૂબંધી પર પોસ્ટરો અને ચિત્રોની લાંબી શ્રેણી ચીતરી. 19૩5થી 19૩8 સુધી તેમણે ‘ફાર્મ સિક્યોરિટી એડ્મિનિસ્ટ્રેશન’ માટે ચિત્રકાર અને ફોટોગ્રાફર તરીકે ફરજ બજાવી.

બેન શાનનું શ્રેષ્ઠ ચિત્ર : ‘ધ પૅશન ઑવ્ સાકો ઍન્ડ વાન્ઝેતી’

19૩6-૩7ના મૉસ્કો ટ્રાયલ્સ તથા 19૩9ના ‘હિટલરસ્ટૅલિન નોનએગ્રેશન પૅક્ટ’ને પ્રતાપે શાન બેનનો ભ્રમ ભાંગી ગયેલો.

19૩8-૩9માં પોતાની પત્ની બર્નાર્ડા સાથે શાને ન્યૂયૉર્ક નગરની બ્રૉન્ક્સ પોસ્ટ ઑફિસ માટે લાંબી ચિત્રશ્રેણી ચીતરી, જેમાં યુ.એસ.ની ભૌગોલિક ભાતીગળતા અનુસારનું માનવજીવનનું વૈવિધ્ય નજરે પડે છે. 19૩9માં શાને બીજાં ત્રણ ચિત્રો કર્યાં, જે લોકપ્રિય થયાં : ‘સૂરા’ઝ લન્ચ’, ‘હૅન્ડબૉલ’ અને ‘વૅકેન્ટ લૉટ’. 1950 પછીનાં શાનનાં ચિત્રોમાં સામાજિક કટાક્ષની કડવાશની તીવ્રતા વધી ગયેલી જોવા મળે છે.

અમિતાભ મડિયા