શાન ઉચ્ચપ્રદેશ : મ્યાનમારના પૂર્વભાગમાં સ્ફટિકમય ખડકોનો સમૂહ રચતો ઉચ્ચપ્રદેશ. ભૌ. સ્થાન. 22° 00´ ઉ. અ. અને 98° 00´ પૂ. રે. આજુબાજુનો વિસ્તાર તે દક્ષિણ તરફ તેનાસરીમ વિભાગમાં વિસ્તરે છે અને ઇન્ડો-મલાયન પર્વતસંકુલનો એક ભાગ બનાવે છે. તેના દક્ષિણ તરફી વિસ્તરણ ઉપરાંત, તે શાન પ્રદેશમાં પણ વિસ્તરે છે. તેની સરેરાશ ઊંચાઈ 900 મીટર જેટલી છે. તે સાલવીન નદી-રચનાથી છેદાયેલો છે.
જેનાથી મ્યાનમાર ખ્યાતિ પામ્યું છે તે માણેક, નીલમ તેમજ અન્ય રત્નો માટે આ ઉચ્ચપ્રદેશ સ્રોત બની રહેલો છે. આ ઉપરાંત અહીં સીસું, જસત અને ચાંદીનાં ખનિજો મળે છે. મ્યાનમારનાં સાગનાં જંગલો પણ અહીં જ આવેલાં છે.
ગિરીશભાઈ પંડ્યા