શાદાહ, આન્ટુન (. 1904, બ્રાઝિલ; . 9 જુલાઈ 1949, બૈરૂત) : સીરિયાના રાજકીય ક્રાંતિકાર. મૂળ પોતાના વતનની પણ પાડોશી દેશોએ હડપ કરેલી જમીનને પાછી મેળવવા માટેની ચળવળના તેઓ પ્રણેતા હતા. વીસમી સદીની શરૂઆતમાં પિતા લૅટિન અમેરિકામાં સ્થળાંતર કરી ગયેલા. તેમણે શરૂ કરેલા સમાચારપત્રમાં આન્ટુન ધારદાર લખાણ લખતા. 1920માં કિશોરવયમાં દમાસ્કસના સમાચારપત્ર ‘અલ-આયામ’ માટે કાર્ય કરેલું. જોકે ત્યાંથી બૈરૂત જઈને ત્યાંની યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ વચ્ચે રાજકીય બાબતો વિશે સક્રિય ચર્ચા કરતા. 16 નવેમ્બર 19૩2ના રોજ તેમણે એક છૂપા મંડળની સ્થાપના કરી. 19૩5 સુધીમાં આ મંડળના સભ્યોની સંખ્યા હજારોની થઈ હતી. આ મંડળની કેટલીક શાખાઓ સીરિયામાં પણ કાર્યાન્વિત થઈ હતી. 19૩5ના ડિસેમ્બરમાં આ સંગઠનને ખુલ્લેઆમ ‘સિરિયન નૅશનાલિસ્ટ પાર્ટી’ તરીકે જાહેર કરવામાં આવ્યું અને ટૂંક સમયમાં જ તેનું પ્રથમ અધિવેશન મળ્યું. ત્યારપછી ફ્રાન્સના સત્તાધીશોએ સીરિયા પર પોતાની વગ વાપરીને આન્ટુનને કારાવાસની સજા કરી હતી.

આરબ યુવકો માટેનું આ સૌપ્રથમ રાજકીય સંગઠન ઊભું કરવાનો યશ શાદાહને જાય છે, આ પક્ષમાં જોડાનાર માટે શિસ્ત, સંઘર્ષ અને સ્વદેશસેવાના સિદ્ધાંતોનું પાલન કરવું ફરજિયાત હતું. ફ્રાન્સની સત્તાનો વિરોધ અને તેની સામે અસંતોષની લાગણી અભિવ્યક્ત કરવાની વાત મુખ્ય હતી.

કારાવાસની સજા ભોગવીને બહાર આવતા શાદાહનું નામ સીરિયામાં ખૂબ જાણીતું બન્યું. 19૩8માં તેમણે ઇટાલી અને જર્મનીની મુલાકાત લીધી. દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થાય તે પહેલાં તેઓ દક્ષિણ અમેરિકા ગયા. 1947માં બૈરૂતમાં પરત આવ્યા પછી સિરિયા માટેની જેહાદ પ્રબળ વેગથી ચાલુ કરી અને પોતાના પક્ષને ‘સિરિયન સ્પેશિયલ નૅશનાલિસ્ટ પાર્ટી’ નામ આપ્યું. 1949ના જૂનમાં આ પક્ષના અનુયાયીઓને, અન્ય પક્ષના અનુયાયીઓએ હિંસાત્મક હુમલા કર્યા તેથી સશસ્ત્ર હિંસા આચરવી પડી હતી. પણ તેથી શાદાહને સીરિયામાંથી ભાગી જવું પડ્યું. આખરે સિરિયન સત્તાધીશોએ તેમને લૅબેનૉન સરકારને સોંપી દીધા. બૈરૂતમાં રાજદ્રોહના આરોપ બદલ લશ્કરી કોર્ટમાં માત્ર 24 કલાક તેમનો કેસ ચલાવી તેમને ફાંસીની સજા કરવામાં આવી હતી.

વિ. પ્ર. ત્રિવેદી