શાન્સી (Shanxi, Shansi) : ચીનના ઉત્તર ભાગમાં આવેલો પ્રાંત. ભૌગોલિક સ્થાન : તે ૩7° ઉ. અ. અને 112° પૂ. રે.ની આજુબાજુનો 1,57,200 ચોકિમી.નો વિસ્તાર આવરી લે છે. તેની ઉત્તરે ઇનર મૉંગોલિયાની સીમા, પૂર્વે હેબેઈ, દક્ષિણે હેનાન તથા પશ્ચિમે શેન્સી પ્રાંતો આવેલા છે. ચીનની દીવાલનો કેટલોક ભાગ અહીં જોવા મળે છે. તાઇયુઆન આ પ્રાંતનું પાટનગર છે, તેની વસ્તી 2૩.2 લાખ જેટલી છે, જ્યારે પ્રાંતની વસ્તી ૩,14,10,000 (1997) જેટલી છે.
ભૂપૃષ્ઠ : આ પ્રાંતનો સમગ્ર વિસ્તાર ઉચ્ચપ્રદેશીય છે. તેની ઊંચાઈ સમુદ્રસપાટીથી સ્થાનભેદે 760થી 1520 મીટર જેટલી છે. તેની બધી બાજુઓ પર પર્વતો આવેલા હોવાથી તે આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ તરીકે ઓળખાય છે. શાન્સી અને હેબેઈ-હેનાનને જુદી પાડતી તાઇહાંગ શાન હારમાળા પૂર્વ તરફ આવેલી છે. ઉત્તરે મેદાની પ્રદેશ વિસ્તરેલો છે, ત્યાં પૂર્વ-પશ્ચિમ જતી ચીનની વિશાળ દીવાલ ચાપ-સ્વરૂપે જોવા મળે છે. વુટાઇ શાન તરીકે ઓળખાતો ઈશાન તરફ આવેલો સૌથી ઊંચો ભાગ ૩,058 મીટરની ઊંચાઈ ધરાવે છે.
જળપરિવાહ : શાન્સીના પશ્ચિમ ભાગમાં ઉત્તરથી દક્ષિણ વહેતી ફેનહે નદીએ તેના માર્ગમાં અનેક કોતરોનું નિર્માણ કર્યું છે, તે હુઆંગ હે નદીની સહાયક નદી છે; વધુ પશ્ચિમ તરફ આગળ જતાં તે હુઆંગ હેને મળે છે. આ નદી શાન્સી અને શેન્સી વચ્ચે કુદરતી સીમા રચે છે. ત્યારબાદ તે વળાંક લઈને પૂર્વ તરફ વહે છે તથા શાન્સી અને હેનાન વચ્ચે સીમા રચે છે.
આબોહવા : આ પ્રાંત મૉંગોલિયાના રણવિસ્તાર પાસે આવેલો છે. તેનાં શિયાળા-ઉનાળાનાં સરેરાશ તાપમાન અનુક્રમે 29° સે. અને ૩2° સે. જેટલાં રહે છે. અહીં ૩80 મિમી. કરતાં વધુ વરસાદ પડતો નથી.
અર્થતંત્ર : આ પ્રાંતની જમીન કથ્થાઈ રંગની લોએસ પ્રકારની છે. આ પ્રાંતમાં પડતો ઓછો વરસાદ, જમીનનું ધોવાણ તથા બાષ્પીભવન જેવાં પરિબળો ખેતી માટે અવરોધક બની રહેલાં છે; તેથી અહીં અવારનવાર દુષ્કાળની પરિસ્થિતિ સર્જાય છે. હુઆંગ હે નદી પર બંધ થવાથી ધોવાણનું પ્રમાણ ઘટ્યું છે. જ્યાં ખેતી શક્ય છે ત્યાં મોટેભાગે ઘઉં, બાજરી, વાલ, કાઓલિયાંગ (જુવારને મળતું ધાન્ય) અને કપાસનું વાવેતર કરવામાં આવે છે. ફેન હે નદીના ખીણપ્રદેશમાં તાઇયુઆનના પૂર્વભાગમાં, અગ્નિ દિશામાં આવેલા ચોંગઝીના વિસ્તારમાં કોલસાનો વિપુલ જથ્થો આવેલો છે. યોંગજી નજીક સિંધવની ખાણો આવેલી છે.
ચીનનો સૌથી મોટો ગણાતો પોલાદનો એકમ તાઇયુઆન ખાતે સ્થપાયેલો છે. રાસાયણિક ખાતર, રસાયણો, કૃષિયંત્રસામગ્રી, સિમેન્ટ જેવા એકમો ડાટોંગ, પાંગકુઆના, યુસી અને ચાંગઝી હી ખાતે આવેલા છે.
રેલમાર્ગો અહીં સારી રીતે પથરાયેલા છે. તે પૈકીના કેટલાક રેલમાર્ગો ગ્રાન્ડ ટ્રંક માર્ગ સાથે સંકળાયેલા છે. તાઇયુઆન શહેર બેઇજિંગ, ટોંગગુઆન, કૅન્ટોન, ફેન તથા મૉંગોલિયાનાં જિનિગ શહેરો સાથે સંકળાયેલાં છે. તાઇયુઆન તેમજ અહીંનાં અન્ય શહેરો મહત્વના ધોરી માર્ગોથી જોડાયેલાં છે. હુઆંગ હે નદી નૌકાવહન માટે ઉપયોગી નથી. પાટનગર તાઇયુઆન ખાતે હવાઈ મથક ઊભું કરવામાં આવ્યું છે.
લોકો : આ પ્રાંતમાં હાન ચીની લોકોનું પ્રમાણ વિશેષ છે. આ ઉપરાંત મૉંગોલ અને મુસ્લિમ વસ્તી પણ છે. મંડારિન બોલીનો અહીં વધુ ઉપયોગ થાય છે. અહીંનાં બધાં જ મોટાં શહેરોમાં શિક્ષણ અને આરોગ્યકેન્દ્રોની સુવિધા પણ છે.
ઇતિહાસ : ઈ. પૂ. 2000માં ચીનાઓએ આ પ્રાંતમાં પાટનગર સ્થાપ્યું હતું. ઈ. પૂ. 221-206 દરમિયાન શીહ-હુઆંગ-ટીએ આ પ્રદેશ જીતી લીધેલો. આ ગાળા દરમિયાન તે હાન વંશના તાબામાં રહેલો. તે વખતે આ પ્રદેશ પિનચોવ રાજ્ય તરીકે ઓળખાતો હતો. 618થી 906 દરમિયાન આ રાજ્ય તાંગ વંશના રાજા હો તુંગ તાઓના શાસન હેઠળ રહેલું. 960થી 1279 સુધી અહીં સુંગ વંશના રાજા હો તુંગ રાઉતનું શાસન રહેલું. ત્યારબાદ માગોલ જાતિના લોકોએ અહીં પોતાનું પ્રભુત્વ જમાવ્યું ત્યારથી તે હો તુંગ અને શાન્સી જેવા બે વિભાગોમાં વહેંચાયું. 1૩68થી 1644ના સમયગાળા દરમિયાન મિંગ (Ming) વંશની સ્થાપના થતાં તેનું એકીકરણ કરવામાં આવેલું છે.
નીતિન કોઠારી