શાન્ત્યાચાર્ય (સમય 11મી સદી) : જૈન ધર્મના આચાર્ય અને ટીકાલેખક. વિદ્વાન. ચાન્દ્રકુલ  થારાપદ્રગચ્છના આચાર્ય વિજયસિંહના શિષ્ય. ગૃહસ્થાશ્રમમાં તેઓ રાધનપુર નજીક ઉન્નાતાયુ(ઉણગામ)ના નિવાસી શ્રેષ્ઠી ધનદેવના પુત્ર હતા. તેમની માતાનું નામ ધનશ્રી હતું. ગૃહસ્થ જીવનમાં તેમનું નામ ભીમ હતું. તેમણે નાની ઉંમરમાં જ આચાર્ય વિજયસિંહસૂરિ પાસે દીક્ષા લઈ લીધી હતી. દીક્ષા ગ્રહણ કર્યા બાદ તેમનું નામ શાન્તિ રાખવામાં આવ્યું. આચાર્ય સર્વદેવ અને અભયદેવ પાસેથી તેમણે વિવિધ પ્રકારની શિક્ષા પ્રાપ્ત કરી. તેઓ ટૂંક સમયમાં જ સંસ્કૃત, પ્રાકૃત, ન્યાય અને આગમ ગ્રંથોના વિશારદ બન્યા. તેમની યોગ્યતાને લક્ષમાં લઈ તેમને ગચ્છાચાર્યના પદ ઉપર પ્રતિષ્ઠિત કર્યા. તેમણે રાજા ભીમની સભામાં 84 વિદ્વાનોની સાથે શાસ્ત્રાર્થ કરી વિજય મેળવ્યો હતો. તેમના પ્રકાંડ પાંડિત્યથી પ્રભાવિત થઈ પાટણના રાજા ભીમે તેમને ‘ઇન્દ્રકવીન્દ્ર’ અને ‘વાદી ચક્રવર્તી’ની ઉપાધિથી અલંકૃત કર્યા.

તેઓ પ્રમાણશાસ્ત્રના અનન્ય વિદ્વાન હતા. તેમની પાસે બત્રીસ વિદ્વાન શિષ્યોએ ન્યાયનું શિક્ષણ મેળવેલું.

સાહિત્યરચના : મહાકવિ ધનપાલની ‘તિલકમંજરી’ પર તેમણે સમીક્ષાત્મક ટિપ્પણ લખ્યું. ટીકા-સાહિત્યમાં તેમની ‘ઉત્તરાધ્યયનસૂત્ર’ ઉપર લખેલી ‘શિષ્યહિતા’ ટીકા અત્યન્ત પ્રૌઢ છે. તેમાં પાઠાન્તરો અને અર્થાન્તરોની ચર્ચા છે. તેને ‘પાઇયટીકા’ પણ કહે છે. મૂલપાઠ અને નિર્યુક્તિ બંનેની વ્યાખ્યા કરતી આ ટીકા 18,000 શ્ર્લોકપ્રમાણ છે. આ ટીકાગ્રંથમાં આચાર્યે ભર્તૃહરિના એક શ્ર્લોકને પણ ઉદ્ધૃત કર્યો છે. નાગાર્જુન, સિદ્ધસેન, શિવશર્મા, હારિલવાચક, ગન્ધહસ્તિ વગેરે પૂર્વવર્તી વિદ્વાનોનો પણ તેમણે પોતાની ટીકામાં ઉલ્લેખ કર્યો છે.

તેમની વિદ્વત્તા અને વાદશક્તિથી પ્રસન્ન થઈ રાજા ભોજે તેમને ‘વાદિવેતાલ’ની પદવીથી વિભૂષિત કર્યા હતા. રાજા ભોજે ઈ. સ. 1011થી 1045 સુધી શાસન કર્યું હતું. ‘પાઇઅલચ્છીનામમાલા’ના કર્તા ‘ધનપાલ’ શાન્તિસૂરિના સમવયસ્ક હતા. આ પ્રમાણોથી શાન્તિસૂરિનો સમય 11મી સદી ઠરે છે.

શાન્તિસૂરિ પોતાના અંતિમ સમયમાં ગિરનારમાં રહ્યા હતા. ત્યાં તેમણે 25 દિવસ અનશન કર્યા અને દેહત્યાગ કર્યો.

રૂપેન્દ્રકુમાર પગારિયા

અનુ. ગીતા મહેતા