શાદ આરિફી (જ. 1900 લોહારુ, પંજાબમાં તત્કાલીન દેશીરાજ્ય; અ. 1964) : ઉર્દૂ કવિ. તેમનું ખરું નામ અહ્મદ અલી ખાન હતું. પિતા આરિફુલ્લાખાન પોલીસ ઇન્સ્પેક્ટર હતા. શાદની 18 વર્ષની ઉંમરે તેમના પિતાનું અવસાન થતાં રામપુર સ્ટેટમાં ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો. તેમણે શાળામાં ગયા વિના અદિબ, મુનશી અને ઉર્દૂ, ફારસી અને હિંદીની અન્ય પરીક્ષાઓ પાસ કરી. આઝાદી પહેલાં તેઓ નવાબવિરોધી ચળવળમાં જોડાયેલા, તેથી તેમને જીવનમાં નાણાકીય મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો. જીવનનિર્વાહ માટે કારખાનાંઓમાં ઓછા પગારની ક્લાર્ક, વજન ઇન્સ્પેક્ટર જેવી નોકરીમાં જોડાવું પડેલું. અઠવાડિક ‘ઇકબાલ’ના સહસંપાદક પછી રામપુર સ્ટેટ પ્રેસમાં પ્રૂફવાચક તરીકે પણ રહ્યા.
ત્યારબાદ તેઓ સુઆર તહસિલમાં તહેસિલદારના નાયબ નાઝિર નિમાયા, 1948 બાદ પોતાનાં લખાણોની રોજી પર જીવન નભાવ્યું. આદર્શવાદી અને જીદ્દીપણાને કારણે અન્ય તરફથી કોઈ પણ પ્રકારની સહાયનો અસ્વીકાર કરવાને કારણે જીવનનાં છેલ્લાં 15 વર્ષ ખૂબ જ મુશ્કેલી, ગરીબી અને ભૂખની પીડા ભોગવવી પડેલી.
1917થી જ કવિ તરીકે તેમની સાહિત્યિક કારકિર્દીનો પ્રારંભ કર્યો. શરૂમાં શફાક રામપુરી અને જલિલ માણેકપુરીનું માર્ગદર્શન મેળવ્યું. ત્યારબાદ તેમણે ગઝલ અને નઝ્મમાં પોતાની આગવી શૈલી વિકસાવી. મૂળમાં તેઓ વ્યંગ્યકાર હતા.
તેમના ઉલ્લેખનીય ગ્રંથોમાં ‘સમાજ’ (રામપુર, 1946); ‘ઇન્તિખાબ-એ-શાદ આરિફી’ (અલીગઢ, 1956) તેમના જાણીતા ગઝલ અને નઝ્મ-સંગ્રહો છે. ‘સફીના ચાહિયે’ પસંદગીની ગઝલોનો સંગ્રહ છે (1965). એક થા શાયર(1967)માં શાદના પત્રોનો સમાવેશ થાય છે. ‘નસ્રો-ગઝલ દસ્તા’ (1968); ‘અંધેર નગરી’ (1968); ‘શોખી-એ-તહરીર’ (1971) પસંદગીની નઝ્મોના સંગ્રહ ઉપરાંત ‘કુલીયાત-એ-શાદ આરિફી’(1975)નો સમાવેશ પણ થાય છે.
તેમનાં કાવ્યોમાં અભિવ્યક્તિ અને ટેક્નિકની સાહસિકતા અને સામાન્ય માનવીની ભાષાના ઉપયોગ વિશેનાં લક્ષણોની પ્રતીતિ થાય છે. અદ્યતન ઉર્દૂ કાવ્યમાં વ્યંગ્ય સાથે વિનોદવૃત્તિવાળા તેમના વાસ્તવિક પ્રદાન માટે તેઓ વિશિષ્ટ સ્થાન ધરાવે છે. તેમના 50થી વધુ શિષ્યો હતા જેમાં ખાલીલુહ રહેમાન આઝમી, મસૂદ આસર અને મુઝફ્ફર હન્ફીનો સમાવેશ થાય છે.
બળદેવભાઈ કનીજિયા