શાદક્ષરદેવ (17મી સદી) : વીરશૈવ ધર્મના કન્નડ પંડિત અને પ્રતિભાશાળી કવિ. તેમના જન્મ કે મૃત્યુ વિશે કોઈ વિગત ઉપલબ્ધ નથી. મૈસૂરના સુવિખ્યાત રાજા ચિક્કદેવરાયના રાજ્ય દરમિયાન ચમ્પૂસ્વરૂપને પુનર્જીવન આપવામાં તેમણે નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તેમને યુવાનવયે મહંતપદ મળ્યું અને તેઓ થાલંદુરુ મઠના વડા બન્યા હતા. તેમણે કન્નડ અને સંસ્કૃત ગ્રંથો આપ્યા છે.

કન્નડમાં ‘રાજશેખરવિલાસ’; ‘શાબરશંકરવિલાસ’ અને ‘વૃષભેન્દ્રવિજય’ ચમ્પૂ-સ્વરૂપના ઉલ્લેખનીય ગ્રંથો છે. સંસ્કૃતમાં ‘કવિકરનરસાયણ’; ‘ભક્તવીર ભદ્રોદહરાના’ અને ‘નીલાંબિકાસ્તોત્ર’નો સમાવેશ થાય છે. ‘રાજશેખરવિલાસ’માં પંચાક્ષરી મંત્રની શક્તિને મહિમાન્વિત કરવાનો ઉદ્દેશ છે. તેમાં તમિળ મૂળની લોકપ્રિય ભક્તિપૂર્ણકથા સત્યેન્દ્ર ચોલાની વાર્તા વણવી છે. પ્રેમ, માનવોચિત અને દિવ્યભાવવાળા આ કાવ્ય માટે ગુબ્બી મલ્લનારયા ‘ભાવચિંતરત્ન’નો આધાર લેવામાં આવ્યાનું કહેવાય છે.

‘શાબરશંકરવિલાસ’ ભગવાન શિવની એક કથાનું પાંચ સર્ગમાં નિરૂપણ કરતો ગ્રંથ છે. અર્જુનની ભક્તિની કસોટી કરવા ભગવાન શિવ શિકારી વેશમાં અર્જુનને ભારે સંઘર્ષ બાદ પશુપતાસ્ત્ર નામનું આયુધ બક્ષે છે.

‘વૃષભેન્દ્રવિજય’ 42 સર્ગ અને 4,000 પદોનું બનેલું અસાધારણ મહાકાવ્ય છે. તેમાં તેમની વિદ્વત્તા અને કવિત્વશક્તિ પરિપક્વ કક્ષાએ પહોંચ્યાની પ્રતીતિ કરાવે છે. તેમનાં બધાં કાવ્યોમાં આ કૃતિ શ્રેષ્ઠ ગણાય છે. તેમનાં સંસ્કૃત કાવ્યો પણ વીરશૈવ ધર્મમાં ધાર્મિક રીતે એટલાં જ લોકપ્રિય છે.

બળદેવભાઈ કનીજિયા