શાદ આઝિમાબાદી (. 1846, પટણા, બિહાર; . 1927) : ઉર્દૂ કવિ. તેમનું મૂળ નામ સૈયદ અલી મહમ્મદ હતું. તેમણે તેમનું પ્રારંભિક શિક્ષણ શાહ વિલાયતહુસેન પાસે પૌરસ્ત્ય પદ્ધતિથી મેળવ્યું. ઉર્દૂના યુગપ્રવર્તક કવિઓ પૈકીના તેઓ એક હતા. 18૩1થી 1905 દરમિયાન અતિશયોક્તિભર્યા કામોત્તેજક ભાવવાળી નવતર અભિવ્યક્તિની કવિતામાં સરાહના થતી હતી. આમ છતાં શાદે નવો ચીલો પાડ્યો અને તેમનાં કાવ્યોમાં વૈવિધ્યસભર સંવેદના અને વિચારની નવીન અભિવ્યક્તિ સિદ્ધ કરી. તેમનાં કાવ્યોનું મહત્વ તેમાંની રહસ્યવાદી હકીકતો, કલ્પનાશીલતા  અને હિન્દીમિશ્ર પ્રયોગાત્મક કાવ્યબાનીને કારણે છે. તે રીતે તેઓ મીર અને ગાલિબ કરતાં આગળ હોવાનું કહેવાય છે.

તેમના મુખ્ય ગ્રંથોમાં ‘હયાત-એ-ફરિયાદ’ (1928) ચરિત્ર છે. ‘નવા-એ-વતન’ (1925) ઐતિહાસિક ગ્રંથ છે. ‘ઇન્તેખાબ-એ-કલમ-એ-શાદ’ (1909); ‘કલમ-એ-શાદ’ (192૩); ‘મૈખાના-એ-ઇલ્હામ’ (19૩8); ‘કુલ્લિયાત-એ-શાદ’ ગ્રંથ-1 (1975), ગ્રંથ-2 (1977) અને ગ્રંથ-૩ (1978) – એ તેમના ઉલ્લેખનીય કાવ્યસંગ્રહો છે. 1927 પછીના તેમના ગ્રંથો મરણોત્તર પ્રગટ થયા હોય તેમ જણાય છે.

તેઓ ખાસ કરીને ‘ગઝલ’ અને ‘મસ્નવી’ શૈલીનાં ઉર્દૂ કાવ્યોમાં મોખરાનું સ્થાન ધરાવે છે. આ ઉપરાંત તેમણે ‘મરસિયા’, ‘કતાત’, ‘રુબાયત’ અને ‘નઝ્મ’ની રચનાઓ પણ કરી છે.

બળદેવભાઈ કનીજિયા