શાખ (credit) : ધંધાદારી ભાષામાં શાખ એટલે સુપ્રતિષ્ઠા, આંટ, આબરૂ અથવા પત. વિવિધ પ્રકારના વ્યાપાર-ધંધામાં એવી સ્વૈચ્છિક ગોઠવણ ઉત્પન્ન થઈ હોય છે કે જેને પરિણામે એક વેપારી બીજાને એની શાખ પર માલ આપે. શાખ પર માલ પૂરો પાડી શકાય અથવા સેવા પણ પૂરી પાડી શકાય. સ્ટ્રાઉડ્સની જ્યુડિસિયલ ડિક્ષનરી પ્રમાણે રોકડાં નાણાં ઉછીનાં આપવા અથવા અન્ય કોઈ નાણાકીય ગોઠવણી કરી આપવી તે પણ શાખનો એક પ્રકાર છે.
શાખ પર માલ ધીરવો અથવા સેવા પૂરી પાડવી એટલે એવા વિશ્વાસ પર માલ કે સેવા પૂરાં પાડવાં કે એ લેનાર વ્યક્તિ વચન આપ્યા પ્રમાણે એનાં નાણાં સમયસર ચૂકવી આપશે. ઉધાર મેળવનાર વ્યક્તિ એણે ખરીદેલા માલનાં નાણાં સમયસર ચૂકવવાને શક્તિમાન છે એવી તેને માલ ધીરનારાઓની ખાતરી એ ઉધાર લેનારની શાખ, આંટ, પત કે સુપ્રતિષ્ઠા કહેવાય. માલ લેનારની સધ્ધરતા (creditworthiness) અને વચનબદ્ધતા શાખ ઉત્પન્ન થવા માટેનાં મુખ્ય કારણો છે. આ સધ્ધરતાનો અંદાજ ધંધો કરનાર એટલે માલ વેચનારનો પોતાનો અંગત અંદાજ (personal estimation) હોય છે, એ માટે કોઈ સર્વસામાન્ય (general) ધોરણો (standards) અથવા નિયમો સ્થાપિત થઈ શકતાં નથી.
શાખના વિવિધ પ્રકારો હોય છે; જેવા કે :
(1) વેપારી શાખ (commercial, mercantile or trade credit),
(2) લાંબા ગાળાની અથવા ટૂંકા ગાળાની શાખ (long term credit or short term credit),
(૩) વ્યક્તિજોગ શાખ (personal credit),
(4) ચાલુ શાખ (running credit or current credit),
(5) અસાધારણકાલીન શાખ (emergency credit),
(6) વચગાળાની શાખ (intermediate credit),
(7) સાર્વજનિક અથવા સરકારી શાખ (public credit),
(8) ઉપભોક્તા શાખ (consumer credit),
(9) દસ્તાવેજી શાખ (documentary credit),
(10) વિદેશી શાખ (external credit),
(11) હપતાવાર શાખ (instalment credit),
(12) રુક્કાપર શાખ (paper credit),
(1૩) રદ કરી શકાય તેવી કે વિકલ્પી શાખ (revocable credit) વગેરે.
શાખને આધારે કરેલા સોદાઓમાં માલ કે સેવાની કિંમત તુરત જ ચૂકવી આપવાની હોતી નથી પરંતુ ભવિષ્યમાં કિંમત ચૂકવવા માટે વચન અપાય છે. આવી વિલંબિત ચુકવણી પર વ્યાજ ચૂકવવું પડે છે, જે સંબંધિત ધંધાની પ્રણાલિકા પર આધાર રાખે છે; દાખલા તરીકે, કાપડ બજારમાં વેચાણબિલ પર એવી શરત છાપેલી હોય છે કે જો માલની કિંમત માસ એકમાં ચુકવાય નહિ તો રામ નવ લેખે (@ 9 %) વ્યાજ ચૂકવવું પડશે.
અમુક વ્યક્તિ કે પેઢી તેના ધંધા કે વ્યવસાયમાં સધ્ધર છે કે નહિ તેની માહિતી મર્કેન્ટાઇલ ક્રૅડિટ એજન્સીઓ અમુક શુલ્ક કે ફી લઈને આપતી હોય છે. આવી માહિતી આપતા કાર્યાલયને ક્રૅડિટ બ્યૂરો નામથી ઓળખવામાં આવે છે. આવાં કાર્યાલયો અથવા એજન્સીઓ મારફત કોઈ વ્યક્તિ કે પેઢીની શાખ વિશેની માહિતી ફી લઈને ગ્રાહકને પૂરી પાડવામાં આવે છે અને આવી માહિતી પર આધાર રાખીને માહિતી મેળવનાર એવી વ્યક્તિ સાથે વ્યવહાર કરે અને પેલી માહિતી ખોટી ઠરવાથી તે નુકસાનમાં ઊતરે, તો એ માટે અપકૃત્યના કાયદા (Law of Tort) હેઠળ દાવો કરી વળતર (compensation) મેળવી શકાય છે.
શાખ પર માલ ખરીદનારને માલમાંનો માલિકીહક (title) તુરત જ પ્રાપ્ત થાય છે અને માલ વેચનાર એના માલની વણચૂકવાયેલી કિંમત પૂરતો, માલ ખરીદનારનો અંગત લેણદાર (personal creditor) બને છે.
વર્તમાન સમયમાં મોજશોખની અનેક વસ્તુઓ શાખ પર મળી રહે છે, પરંતુ આ શાખ ધંધાની શાખથી અલગ પડે છે. ધંધાને કારણે ઉત્પન્ન થયેલી શાખ એ લાંબા સમયના વ્યક્તિગત સ્વચ્છ વ્યવહારમાંથી ઉત્પન્ન થાય છે. ત્યારે ચીજવસ્તુઓ શાખ પર મેળવવા માટે શાખ પર લેનાર સાથે એક નિશ્ચિત પ્રકારનો કરાર (જેને ભાડાખરીદ સમજૂતીનો કરાર hire purchase agreement) કરવામાં આવે છે, જેને કારણે તેને તે વસ્તુ શાખ પર આપવામાં આવે છે.
શાખ એ ધંધાની સુપ્રતિષ્ઠા(goodwill)થી અમુક પ્રકારે અલગ પડે છે. શાખનો સંબંધ જે તે વ્યક્તિ સાથે છે ત્યારે ધંધાની પ્રતિષ્ઠાનો સંબંધ જે તે ધંધાના પ્રચલિત થયેલા નામ સાથે અને તેની રીતરસમ સાથે હોય છે. ધંધાની પ્રતિષ્ઠા એ વેચાણનો વિષય (subject of sale) બની શકે છે, ત્યારે શાખ એ વ્યક્તિગત હોવાથી એનું વેચાણ (sale) કે નામાંતરણ (assignment) થઈ શકતું નથી.
બૅંકો પણ એના ગ્રાહકોને અમુક શરતોથી શાખપત્ર (ક્રૅડિટ કાર્ડ) કાઢી આપે છે.
ભાનુપ્રસાદ મ. ગાંધી