શાખધિરાણ સહકારી મંડળી : પરસ્પર સહકાર દ્વારા આર્થિક હિત સાધવાના હેતુથી સ્થપાયેલી મંડળી. શાખધિરાણ સહકારી મંડળી એક સ્વૈચ્છિક સંગઠન છે, જેમાં સભ્યોનું આર્થિક હિત કેન્દ્રસ્થાને હોય છે. મંડળીના સભ્યો સામાન્ય રીતે એકબીજાથી પરિચિત હોય છે, એકબીજાની જરૂરિયાતો માટે સભાન હોય છે અને એકમેકની પ્રગતિમાં રસ ધરાવતા હોય છે. મંડળીના સભ્યોમાં મંડળી પાસેથી અંગત જરૂરિયાત મુજબ નાણાં ઉછીનાં લેનાર અને ધિરાણ ન લેનાર એમ બંને પ્રકારના સભ્યો હોય છે. મંડળીના સભ્ય થવા માગતી વ્યક્તિએ મંડળીનો ઓછામાં ઓછો એક શૅર ખરીદીને મંડળીની શૅરમૂડીમાં ફાળો આપવો પડે છે. મંડળીના એક શૅરની કિંમત સામાન્ય રીતે માત્ર રૂપિયા દસ જેવી નજીવી હોય છે. તેથી વધુમાં વધુ વ્યક્તિઓ સભ્ય તરીકે મંડળીમાં દાખલ થઈ શકે છે. મંડળીના સભ્યોએ જુદી જુદી સંખ્યામાં શૅર ધરાવીને શૅરમૂડીમાં વધતો-ઓછો ફાળો આપ્યો હોય છતાં પ્રત્યેક સભ્યને શૅરની સંખ્યાના આધારે વધતી-ઓછી સંખ્યામાં મત આપવાનો અધિકાર હોતો નથી. પરંતુ પ્રત્યેક સભ્યને સમાન ધોરણે ફક્ત એક જ મત આપવાનો અધિકાર છે. આ પ્રકારની મંડળી પ્રાથમિક સહકારી શાખધિરાણ મંડળી તરીકે ઓળખાય છે. સ્થાપના માટે તેની સભ્યસંખ્યા ઓછામાં ઓછી દસ હોવી જોઈએ. પરંતુ સભ્યસંખ્યા ઉપર ટોચમર્યાદા નથી. લોકશાહી રીતરસમ એ સહકારી પ્રવૃત્તિની આગવી વિશિષ્ટતા છે. મંડળીના પ્રત્યેક સભ્યને સમાનતાના ધોરણે મંડળીની કામગીરીમાં ભાગ લેવાનો, મંડળીની સભામાં હાજર રહેવાનો, પોતાના વિચારો વ્યક્ત કરવાનો, સલાહસૂચન આપવાનો, પ્રશ્નો પૂછવાનો, મંડળીના કામકાજ વિશે માહિતી મેળવવાનો, મતદાનમાં ભાગ લેવાનો અને મંડળીની ચૂંટણીમાં ઉમેદવારી કરવાનો અધિકાર હોય છે. મંડળીની સામાન્ય સભામાં વ્યવસ્થાપક સમિતિની મુક્ત રીતે ચૂંટણી થાય છે અને ચૂંટાયેલી વ્યવસ્થાપક સમિતિ પોતાના ચૂંટાયેલા સભ્યોમાંથી પ્રમુખ અને મંત્રીની વરણી કરે છે. આ હોદેદ્દારો મંડળીના મુખ્ય વહીવટકર્તા હોય છે. મંડળીના વહીવટકર્તા અને વ્યવસ્થાપક સમિતિના અન્ય સભ્યો મંડળીના હિસાબકિતાબ વ્યવસ્થિત રાખવા માટે, તેનું અધિકૃત ઑડિટ કરાવવા માટે અને સામાન્ય સભાસદોની મંજૂરી મેળવવા માટે સંયુક્ત રીતે જવાબદાર હોય છે.

પ્રાથમિક શાખધિરાણ સહકારી મંડળી પોતાના વહીવટ માટે સભ્ય દાખલ ફી, શૅરમૂડી, સભ્યો પાસેથી મેળવેલી થાપણો અને અગાઉનાં વર્ષોના નફામાંથી બનાવેલા અનામત ભંડોળ (reserve fund) વડે નાણાં ઊભાં કરે છે. વળી જરૂર પડે ત્યારે તે રાજ્ય સહકારી બૅન્ક તથા જિલ્લા સહકારી બૅન્ક પાસેથી ધિરાણ મેળવી શકે છે. તેથી ઊલટું, તેની પાસે ફાજલ નાણાં હોય તો તે ઉપર્યુક્ત સ્તરની બંને બૅન્કોમાં, બચત સર્ટિફિકેટોમાં અને સરકારી જામીનગીરીઓમાં રોકી શકે છે.

ભારતમાં ગ્રામીણક્ષેત્રે કૃષિ અને બિનકૃષિ એમ બંને પ્રકારનાં ધિરાણો આપીને ખેડૂતો તથા અન્ય જનસમૂહને શાહુકારોના પંજામાંથી છોડાવવા માટે શાખધિરાણ સહકારી મંડળીઓએ અગત્યનો ભાગ ભજવ્યો છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે

જયંતિલાલ પો. જાની