શાખ–નિયમન : દેશની વ્યાપારી બૅંકો દ્વારા રોકાણકારોને અપાતી શાખનું વિસ્તરણ અને સંકોચન કરવા સારુ મધ્યસ્થ બૅંક દ્વારા વખતોવખત નિર્ધારિત કરવામાં આવતા નિયમો. સાદી ભાષામાં કહીએ તો મધ્યસ્થ બૅંક દ્વારા શાખની વૃદ્ધિ અથવા સંકોચ કરવા માટે લાદવામાં આવતાં નિયમનો. જ્યારે કોઈ પણ દેશની સરકાર પોતાના મૂડીખર્ચ અથવા મહેસૂલી ખર્ચ માટે ખાધપૂરક નાણાનીતિનો ઉપયોગ કરે છે ત્યારે અત્યાર સુધીનો અનુભવ બતાવે છે કે તે દેશમાં ભાવવધારો થાય છે. જ્યારે આ પ્રમાણે ચીજવસ્તુઓ અને સેવાઓના ભાવ, વેતન દરો અને નફામાં વધારો થાય છે ત્યારે તેને અંકુશમાં લેવા માટે (1) બૅંકદર(Bank Rate)માં ફેરફાર, (2) રોકડ અનામત પ્રમાણ(Cash Reserve Ratio, – CRR)માં ફેરફાર, (૩) કાયદા દ્વારા નિર્ધારિત તરલતાનું પ્રમાણ (Statutory Liquidity Ratio – SLR) અને (4) ખુલ્લા બજારમાં જામીનગીરીઓના ખરીદ-વેચાણ (Open Market Operations) જેવા ઉપાયો અજમાવવામાં આવે છે. તેનાથી ફુગાવામાં વધારો અથવા ઘટાડો થવાથી અર્થતંત્રમાં થયેલા બિનજરૂરી દબાણને નિયંત્રિત કરી શકાય છે.
(1) બૅંકદર : દેશની મધ્યસ્થ બૅંક (Central Bank) બૅંકોની બૅંક તરીકે ઓળખાય છે. ભારતની મધ્યસ્થ બૅંકનું નામ ભારતીય રિઝર્વ બૅંક છે. તેની સ્થાપના ઈ.સ. 19૩5માં કરવામાં આવેલી છે. દેશની વ્યાપારી બકોએ નાણાક્ષેત્રમાંથી જે નાણાખત (money instruments) વટાવ (discount) કાપીને ખરીદ્યાં હોય તેમને મધ્યસ્થ બૅંક જે દરે પુનર્વટાવ(rediscount)થી ખરીદે તેને બૅંકદર કહેવાય છે. મધ્યસ્થ બૅંક પ્રસંગોપાત્ત આ દરમાં પરિવર્તન કરીને નાણાક્ષેત્રમાં કાર્યરત બધા એકમોને અને ખાસ કરીને વ્યાપારી બકોને પોતાની નાણાનીતિનો સ્પષ્ટ સંકેત આપે છે. જો તેની નાણાનીતિ અસરકારક અને વિશ્વાસપાત્ર હોય તો બૅંકદરના ફેરફારથી વ્યાપારી બકોના જુદા જુદા ધિરાણદરોમાં સાથોસાથ અથવા એકસાથે ચોક્કસ ફેરફાર થાય છે. આમ બૅંકદર શાખ-નિયમનનું એક મહત્વનું સાધન છે; પરંતુ ભારતમાં શાખ-નિયમન ઉપર બૅંકદરનો અંકુશ ઘણો મર્યાદિત છે, કારણ કે ભારતમાં હૂંડી-બજાર અલ્પવિકસિત છે તથા નાણાક્ષેત્રનાં કેટલાંક પેટાબજારો બૅંકદરના ફેરફારોથી પ્રભાવિત થતાં નથી.
(2) રોકડ–અનામત–પ્રમાણ (સી.આર.આર.) : ભારતીય રિઝર્વ બૅંક અધિનિયમ 19૩4ની જોગવાઈઓ હેઠળ પ્રત્યેક વ્યાપારી બકે સી.આર.આર. પ્રમાણે ઠરાવેલી રોકડ રકમ રિઝર્વ બૅંકમાં ‘અનામત થાપણ’ તરીકે મૂકવી પડે છે. આ થાપણ કાનૂની રોકડ અનામત (statutory cash reserve) તરીકે ઓળખાય છે. પ્રારંભનાં વર્ષોમાં સી.આર.આર. સંબંધિત વ્યાપારી બૅંકની તત્કાલ ઉપાડી શકાય તેવી થાપણો(demand deposits)નો 5 % અને બાંધી મુદતની થાપણો (time deposits)ના 2 %નો દર ઠરાવેલો હતો, પરંતુ ભારત સરકારે સંબંધિત અધિનિયમમાં સુધારો કરવાથી સી.આર.આર. ૩ %થી 15 %ના દરની વચમાં ઠરાવવાની સત્તા રિઝર્વ બૅંકને આપવામાં આવી છે. આ દરમાં વધારો અથવા ઘટાડો કરવાથી વ્યાપારી બકો દ્વારા પૂરી પાડવામાં આવતી શાખમાં અનુક્રમે ઘટાડો અથવા વધારો થાય છે. રિઝર્વ બકે આ સત્તાનો અવારનવાર ઉપયોગ કરેલો છે. સપ્ટેમ્બર, 197૩ પછી જ્યારે ગંભીર પરિસ્થિતિ ઊભી થઈ હતી ત્યારે રિઝર્વ બકે સી.આર.આર. 15 %ના મહત્તમ દર જેટલો જાહેર કર્યો હતો.
(૩) કાયદા દ્વારા નિર્ધારિત તરલતાનું પ્રમાણ (એસ.એલ.આર) : બકિંગ નિયંત્રણ અધિનિયમ (Banking Regulation Act) 1949ની કલમ 24ની જોગવાઈ અનુસાર દરેક વ્યાપારી બકે તત્કાલ ઉપાડી શકાય તેવી થાપણો અને બાંધી મુદતની થાપણો જેવી તેની બધી જ જવાબદારીઓના 25 %થી ઓછી નહિ તેટલી રકમ રોકડાં નાણાં, સોનું અને બોજા રહિત માન્ય જામીનગીરીઓ જેવી તરલ અસ્કામતોમાં જાળવી રાખવી ફરજિયાત છે; તેથી આ રકમ કાયદા દ્વારા નિર્ધારિત તરલતાના પ્રમાણ (એસ.એલ.આર.) તરીકે ઓળખાય છે. વ્યાપારી બકે રિઝર્વ બૅંકમાં સી.આર.આર. તરીકે મૂકવા પડતાં રોકડાં નાણાં ઉપરાંત આ પ્રકારની તરલ અસ્કામતો રાખવી પડે છે, કારણ કે સુઢ અને સંગીન બૅન્કિંગ વ્યવસાય માટે એસ.એલ.આર.ની જાળવણી એ પાયાની જરૂરિયાત છે; તેથી ભારત સરકારે રિઝર્વ બૅંકને એસ.એલ.આર.નો દર બદલવાની કાનૂની સત્તા આપી છે. આ સત્તાનો ઉપયોગ કરીને રિઝર્વ બૅંક એસ.એલ.આર.માં સંજોગો અનુસાર અવારનવાર ફેરફાર કરે છે. એસ.એલ.આર.નાં વધારાનાં બે પરિણામો આવે છે : (ક) ઊંચો એસ.એલ.આર. વ્યાપારી બકોને વધારે પ્રમાણમાં તરલ અસ્કામતો રાખવાની ફરજ પાડે છે, પરિણામે તેમની ધિરાણ આપવાની ક્ષમતા ઘટે છે અને ફુગાવાવિરોધી પ્રભાવ પડે છે; તથા (ખ) ઊંચો એસ.એલ.આર. વ્યાપારી બકોના ભંડોળને ઔદ્યોગિક/વ્યાપારી ધિરાણના બદલે સરકારી અને અન્ય માન્ય જામીનગીરીઓમાં રોકાણની દિશામાં વાળે છે, તેથી સરકારને તેના ખર્ચને પહોંચી વળવા માટે જરૂરી ભંડોળ સહેલાઈથી મળી રહે છે.
(4) ખુલ્લા બજારમાં જામીનગીરીઓનાં ખરીદ–વેચાણ : સુવિકસિત અર્થતંત્રવાળા નાણાબજારમાં મધ્યસ્થ બૅંક જામીનગીરીઓની લે-વેચ કરીને વ્યાપારી બૅંકોનાં નાણાભંડોળ અને પરિણામે તેમની ઔદ્યોગિક/વ્યાપારી ધિરાણની ક્ષમતા ઉપર અસર પાડતી હોય છે. ભારતમાં રિઝર્વ બૅંકે ઘણાં વર્ષો સુધી આ સત્તાનો ઉપયોગ કર્યો ન હતો, પરંતુ 1991 પછી જ્યારે ભારતમાં વિપુલ પ્રમાણમાં વિદેશી ભંડોળો આવવાથી વ્યાપારી બૅંકો સમક્ષ અતિશય તરલતાની સમસ્યા ઊભી થઈ ત્યારે રિઝર્વ બૅંકે મોટા પાયા ઉપર ખુલ્લા બજારનાં ખરીદ-વેચાણ શરૂ કર્યાં હતાં. રિઝર્વ બૅંક જ્યારે બજારમાં સરકારી જમીનગીરીઓ વેચે છે ત્યારે વ્યાપારી બૅંકોનું નાણાભંડોળ આંશિક પાછું ખેંચાય છે અને તેમની ધિરાણક્ષમતા ઘટે છે. તેથી ઊલટું, જ્યારે તે સરકારી જામીનગીરીઓ ખરીદે છે ત્યારે વ્યાપારી બૅંકોનું નાણાભંડોળ વધે છે અને તેમની ધિરાણક્ષમતા પણ વધે છે. અનુભવથી એવું જણાયું છે કે રિઝર્વ બૅંક સરકારી જમીનગીરીઓની લે-વેચ તેમનું બજાર ટકાવી રાખવા માટે કરતી નથી; પરંતુ પોતાની સુનિશ્ચિત નાણાનીતિના ભાગ તરીકે તેનો ઉપયોગ કરે છે.
ભારતીય રિઝર્વ બૅંક, આ ઉપરાંત, બૅંકિંગ નિયંત્રણ અધિનિયમ 1949ની કલમ 21 હેઠળ વ્યાપારી બૅંકોને આદેશો આપવાની સત્તાઓ ધરાવે છે. તેમાં (1) ધિરાણ આપી શકાય અથવા ન આપી શકાય તેવા હેતુ, (2) ધિરાણની સુરક્ષિત જાળવણી માટે ધિરાણ સામેની જામીનગીરીનો ગાળો, (૩) ઋણ લેનારને ઋણ આપવાની મહત્તમ રકમ, (4) પેઢી કે કંપનીની નાણાકીય આંટ માટે બૅંક દ્વારા આપવામાં આવતી બાંયધરીની મહત્તમ રકમ અને (5) ધિરાણ માટેનો વ્યાજનો દર તેમજ આનુષંગિક શરતો અંગે આદેશો આપવાની સત્તાનો સમાવેશ થાય છે. 1956-57 પછી રિઝર્વ બૅંકે આ સત્તાઓનો ભરપૂર ઉપયોગ કરેલો છે. ઉદાહરણ તરીકે, 1964-65માં અનાજ, તેલીબિયાં અને વનસ્પતિ-તેલની અછત ઊભી થઈ હતી ત્યારે આ વસ્તુઓ ઉપર વ્યાપારી બૅંકો દ્વારા કરવામાં આવતા ધિરાણ માટે લઘુતમ ગાળો કડકાઈપૂર્વક જાળવી રાખવાનો આદેશ આપ્યો હતો. તેવી રીતે જાન્યુઆરી 1970 પછી જો રાષ્ટ્રીયકૃત બૅંકે કંપનીના એક લાખથી વધારે કિંમતના શૅર ખરીદવા હોય તો તેણે રિઝર્વ બૅંકની પૂર્વ પરવાનગી લેવી લડશે તેવો આદેશ કર્યો છે.
જયન્તિલાલ પો. જાની