શાખપત્ર (વાણિજ્યિક) : નિકાસકારે નિકાસ કરેલા માલ સામે લખેલી હૂંડી સ્વીકારવાની તેને ખાતરી આપતો અને તેની તરફેણમાં વિદેશી આયાતકારના બૅંકરે લખી આપેલો પત્ર. આયાતકારની સૂચનાને આધારે તેના બૅંકર નિકાસકારને એવી લેખિત જાણ કરે છે કે આયાતકારે ઠરાવેલી શરતો અને મર્યાદા અનુસાર નિશ્ચિત સમયમર્યાદામાં નિકાસ કરવામાં આવનારા માલની નિર્ધારિત રકમની ચુકવણી માટે બૅંકે નિકાસકારની તરફેણમાં શાખ ખાતું ઉઘાડેલું છે. શાખપત્રમાં વર્ણવેલી બધી શરતોનું જો નિકાસકાર ચોકસાઈપૂર્વક પાલન ન કરે તો આયાતકારની બૅંક નિર્ધારિત રકમની ચુકવણી કરવા માટે સહેજ પણ બંધાયેલી નથી. શાખપત્રની કોઈ શરત અથવા મર્યાદા સ્વીકાર્ય ન હોય અથવા તેનું પાલન કરવું અશક્ય હોય તો તેમાં સુધારો-વધારો કરવા માટે નિકાસકારે આયાતકારને તેની બૅંક મારફતે વિનંતી કરવી પડે છે. તેથી ઊલટું, બધી શરતોનું ચોકસાઈપૂર્વક પાલન થયું હોય તો નિકાસકાર તેની બૅંકમાં દસ્તાવેજો રજૂ કરે કે તુરત જ તેને નાણાંની ચુકવણી કરી દેવામાં આવે છે. આમ શાખપત્ર લખી આપનાર બૅંક પોતાના પ્રતિષ્ઠિત નામનો લાભ આયાતકારને આપે છે.

2. શાખપત્ર અંગેના વ્યવહારમાં સામાન્ય રીતે પાંચ પક્ષકારો સંકળાયેલા હોય છે : (1) શાખપત્રનો આવેદક (applicant) આયાતકાર કે જે શાખપત્ર મેળવવા માટે બૅંકને લેખિત વિનંતી કરે છે; (2) શાખપત્ર ઉદ્ઘાટક બૅંક (opening bank) અથવા નિર્ગામી બૅંક (issuing bank) કે જે નિકાસકારની હૂંડી સ્વીકારવાની ખાતરી આપતો શાખપત્ર લખી આપે છે; (૩) શાખપત્રનો હિતાધિકારી (beneficiary) નિકાસકાર, કે જે નિર્યાત કરેલા માલ અંગેના પરક્રામ્ય (negotiable) દસ્તાવેજોની નિર્દિષ્ટ બૅંકરને સોંપણી કરે ત્યારે તેને બૅંકર માલની કિંમતની તુરત જ ચુકવણી કરે છે. આમ તો નિકાસકાર કોઈ પણ બૅંકરને પરક્રામ્ય દસ્તાવેજો સોંપીને નાણાં મેળવી શકે છે, પરંતુ નિર્ગામી બૅંકે શાખપત્રમાં દસ્તાવેજોની પરક્રામ્યતા ઉપર નિયંત્રણ મૂક્યું હોય અને પોતાની શાખા અથવા પોતે નિર્દિષ્ટ કરેલા બૅંકર દ્વારા જ દસ્તાવેજો પરક્રામ્ય થઈ શકશે તેવો ઉલ્લેખ કર્યો હોય તો તે નિયંત્રિત (restricted) શાખપત્ર કહેવાય છે; (4) પરક્રામ્ય બૅંકર કે જે પરક્રામ્ય દસ્તાવેજોની સોંપણી સામે નિકાસકારને નાણાંની ચુકવણી કરે છે; અને (5) માહિતીપ્રેષક બૅંક (advising bank) કે જે નિર્યાતકારની તરફેણમાં કેવી કેવી શરતોથી નિર્ગામી બૅંકે શાખખાતું ઉઘાડ્યું છે તે અંગેની તેને ખબર આપે છે. માહિતીપ્રેષક બૅંક નિર્ગામી બૅંકની શાખા અથવા પ્રતિનિધિ હોય છે.

શાખપત્રના આવેદકે – આયાતકારે શાખખાતું ઉઘડાવવા માટે ઉદ્ઘાટક બૅંક/નિર્ગામી બૅંકને આવેદનપત્ર આપવું પડે છે. આયાતકારે આયાત કરવા ઇચ્છેલા માલની બધી નાણાકીય જવાબદારી નિર્ગામી બૅંકની હોવાથી તે આયાતકારની નાણાકીય ક્ષમતાની ચકાસણી કરવા માટે આવેદનપત્રમાં પૂરેપૂરી વિગતો અને શરતો મેળવવાનો આગ્રહ રાખે છે; ઉદાહરણ તરીકે, (1) શાખની રકમ અને શાખનો પ્રકાર; (2) આયાત કરવાના માલનું વર્ણન, તેની કિંમત, રેલવે અને જહાજમાં માલ ચઢાવવા સુધીનો પરિવહન ખર્ચ/નૂર નિકાસકાર અથવા આયાતકારમાંથી કોણ ઉઠાવશે ? (૩) નિર્યાત માલ જ્યાંથી ચઢશે અને જ્યાં ઊતરશે તે બંદરો, પરિવહનનો સમય, માલ ચઢાવવાની આખર તારીખ, માલ એકસાથે અથવા છૂટક છૂટક મોકલાશે કે કેમ તે અંગેની શરતો; (4) ભરતિયું, જહાજના કપ્તાનની રસીદ, રેલવે-રસીદ આડતિયાની રસીદ, વીમાની પૉલિસી વગેરે દસ્તાવેજો; (5) હૂંડીની મુદત, હૂંડી આયાતકાર ઉપર અથવા નિર્ગામી બૅંક ઉપર લખાશે તે અંગેની સ્પષ્ટતા, માલના દસ્તાવેજો હૂંડી સ્વીકારાય ત્યારે અથવા ચૂકવાય ત્યારે સોંપવાની સ્પષ્ટતા; (6) શાખપત્ર નિકાસકારને સાદી ટપાલ, હવાઈ ટપાલ અથવા ટેલિગ્રામ મારફતે મોકલવાની સ્પષ્ટતા; (7) દસ્તાવેજો સહિતની હૂંડીના દેખાડની, પરક્રામ્યતાની, સ્વીકારની અને ચુકવણીની આખર તારીખો;  (8)  શાખપત્રનું માહિતીપ્રેષક બૅંકે અનુમોદન કરવાનું છે કે કેમ ? અનુમોદન બૅંક ચાર્જ કોણ ભોગવશે નિકાસકાર કે આયાતકાર તે અંગે સ્પષ્ટતા અને (9) માલ આયાત કરવાના લાઇસન્સની વિગત  આ આવેદનપત્ર ઉપર આવેદકે સહી અને સિક્કા કરવા પડે છે.

. વાણિજ્ય-શાખપત્રના જુદા જુદા પ્રકારો : (1) દસ્તાવેજી (documentary) અથવા શરતવિહીન (clean) શાખપત્ર: નિકાસકારે લખેલી હૂંડી સાથે કપ્તાનની રસીદ, માલના વીમાની પૉલિસી, ભરતિયું, માલ કયા દેશમાં ઉત્પન્ન થયો છે તેનું પ્રમાણપત્ર વગેરે દસ્તાવેજો જોડવા પડશે તેવી નિર્ગામી બૅંકે શાખપત્રમાં શરત રાખી હોય તો તે દસ્તાવેજી શાખપત્ર કહેવાય છે. આવી શરત રાખવાથી નિર્ગામી બૅંકને નિર્યાત કરેલા માલના માલિકીહક મળે છે અને નાણાકીય જોખમ સામે પૂરતું રક્ષણ મળે છે; પરંતુ જો આવી શરત રાખવામાં આવે નહિ તો તે ચોખ્ખું શાખપત્ર કહેવાય છે. નિકાસકાર અને આયાતકાર બંને સધ્ધર નાણાકીય આંટ ધરાવતા  હોય તો જ નિર્ગામી બૅંક આવી શરત રાખતી નથી. (2) નિશ્ચિત (fixed) અથવા આવર્તિત (revolving) શાખપત્ર : દર્શાવેલા સમયની અંદર જ દર્શાવેલી રકમ જેટલી જ હૂંડી નિકાસકાર લખી શકશે તેવી સ્પષ્ટતા નિર્ગામી બૅંકે શાખપત્રમાં કરી હોય તો તે નિશ્ચિત શાખપત્ર કહેવાય છે. આ પ્રકારનું શાખપત્ર સમય પૂરો થયા પછી અથવા દર્શાવેલી રકમની હૂંડીઓ લખાઈ ગયા પછી કાયદેસર રહેતું નથી; પરંતુ દર્શાવેલા સમય દરમિયાન દર્શાવેલી રકમની મર્યાદામાં રહીને નિકાસ કરેલી લખેલી એક અથવા વધારે હૂંડીઓ ચૂકવાઈ ગઈ હોય, પરંતુ શાખપત્રનો સમય પૂરો થયો ન હોય તો નિકાસકાર દર્શાવેલી મૂળ રકમની મર્યાદામાં રહીને નવેસરથી ફરી વાર હૂંડીઓ લખે તો તે પણ સ્વીકારવામાં આવશે તેવી સ્પષ્ટતા નિર્ગામી બકે શાખપત્રમાં કરી હોય તો તે આવર્તિત  શાખપત્ર કહેવાય છે. આ પ્રકારના શાખપત્રનો સમય પૂરો થયો હોય નહિ ત્યાં સુધી દર્શાવેલી મૂળ રકમની મર્યાદામાં એકથી વધારે વાર હૂંડીઓ લખી શકાય તેવું લવચીક (flexible) શાખપત્ર હોવાથી વારંવાર નવું શાખપત્ર કાઢવાની જરૂર રહેતી નથી. (૩) રદ થવા પાત્ર (revocable) અથવા અફર (irrevocable) શાખપત્ર : શાખપત્ર રદ થવા પાત્ર છે અથવા અફર છે તે અંગે નિર્ગામી બૅંકે શાખપત્રમાં સ્પષ્ટતા કરવી પડે છે. જો શાખપત્ર રદ થવા પાત્ર હોય તો નિર્ગામી બૅંક નિકાસકારને કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા વગર શાખપત્ર રદ કરવાનો અથવા સુધારવાનો હક પોતાની પાસે અનામત રાખે છે અને તેની અને નિકાસકારની વચ્ચે કોઈ પણ પ્રકારની કાયદેસરની જવાબદારી ઊભી થતી નથી. આવી પરિસ્થિતિમાં નિકાસકારનાં નાણાંની વાસ્તવિક સલામતી જળવાતી નથી; પરંતુ જો શાખપત્ર અફર હોય તો નિર્ગામી  બૅંક નિકાસકારની હૂંડી સ્વીકારવાની સંપૂર્ણ જવાબદારી સ્વીકારે છે, વળી તે નિકાસકારની અને પરક્રામ્ય બૅંકરની સંમતિ વિના શાખપત્ર રદ કરી શકતી નથી અથવા તેમાં સુધારા-વધારા પણ કરી શકતી નથી. ‘દસ્તાવેજી શાખપત્રના એકસરખા રીતરિવાજ અને વ્યવહાર(Uniform Custom and Practice of Documentary Credits)’ની નિયામાવલી અનુસાર શાખપત્રમાં તેની મુદત માટે સ્પષ્ટતા કરી હોય, પરંતુ તે રદબાતલ થવાપાત્ર કે અફર છે તે અંગે સ્પષ્ટતા કરી ન હોય તો તેને રદ થવા પાત્ર શાખપત્ર માનવામાં આવે છે; આમ છતાં નિર્ગામી બૅંકે પરક્રામ્ય બૅંકર અને માહિતીપ્રેષક બૅંકને તો સૂચના આપવી જ પડે છે, કારણ કે જો આવી સૂચના મળ્યા અગાઉ તેમણે નિકાસકારની હૂંડીની ચુકવણી કરી દીધી હોય તો નિર્ગામી બકે તેમને ચુકવણીનાં નાણાં મજરે આપવાં પડે છે. (4) અનુમોદિત (confirmed) અથવા અપુષ્ટ (unconfirmed) શાખપત્ર : જો નિર્ગામી બૅંકની વિનંતીથી નિકાસકારના દેશમાં કામ કરતી માહિતીપ્રેષક બૅંક શાખપત્ર અફર છે તેવું અનુમોદન કરી આપે તો તે અફર અને અનુમોદિત શાખપત્ર કહેવાય છે તેમજ માહિતીપ્રેષક બૅંક અનુમોદક બૅંક પણ કહેવાય છે. નિકાસકારીની હૂંડી સ્વીકારવાની અને નાણાં ચુકવવાની જવાબદારી નિર્ગામી બૅંક ઉપરાંત અનુમોદક બૅંકે પણ સ્વીકારી હોય છે, તેથી તથા પક્ષકારોની જવાબદારીમાં તેમની બધાંની સંમતિ વિના સુધારાવધારા થઈ શકતા નથી. તેથી અનુમોદિત શાખપત્ર નિકાસકારને સંપૂર્ણ સુરક્ષા આપે છે. અનુમોદન કરવામાં આવ્યું હોય નહિ તેવો શાખપત્ર અપુષ્ટ શાખપત્ર કહેવાય છે અને તેવા શાખપત્ર માટે માહિતીપ્રેષક બૅંકની કોઈ નાણાકીય જવાબદારી થતી નથી. (5) ઉપાય-ઉપલબ્ધ (with recourse) શાખપત્ર અને ઉપાયરહિત (without recourse) શાખપત્ર : જેના ઉપર હૂંડી લખવામાં આવી હોય તેવો આયાતકાર જો હૂંડી ધારણ કરનાર બૅંકરને નાણાંની ચુકવણી કરવામાં નિષ્ફળ જાય તો હૂંડી લખનાર નિકાસકાર હૂંડીધારકને ચુકવણી કરશે તેવી શરતવાળા શાખપત્રને ઉપાય-ઉપલબ્ધ શાખપત્ર કહેવાય છે; પરંતુ તેવી શરત ન હોય તો ઉપાયરહિત શાખપત્ર કહેવાય છે. ઉપાય-ઉપલબ્ધ શાખપત્રમાંથી પ્રસંગોપાત્ત, ઉદ્ભવતી જવાબદારી ટાળવા માટે નિકાસકાર આયાતકાર પાસેથી ઉપાયરહિત શાખપત્ર જ મેળવવાનો આગ્રહ રાખે છે. જો આ પ્રકારના ઉપાયરહિત શાખપત્રના આધારે લખવામાં આવેલી હૂંડીની ચુકવણી કરવામાં આયાતકાર નિષ્ફળ જાય તો તેવી પરિસ્થિતિમાં હૂંડી ધારણ કરનાર બૅંકર (હૂંડી સાથે દસ્તાવેજો જોડેલા હોય તો) નિર્યાત કરવામાં આવેલા માલના દસ્તાવેજોનો ઉપયોગ કરીને માલ વેચી નાખે છે અને પોતાનાં નાણાં વસૂલ કરે છે તથા (6) હાથબદલાપાત્ર (transferable) શાખપત્ર અને હાથબદલો ન થઈ શકે તેવા (non-transferable) શાખપત્ર : સામાન્ય રીતે શાખપત્રનો મૂળ હિતાધિકારી (beneficiary/નિકાસકાર જ હૂંડી લખી શકે છે, પરંતુ હૂંડી લખવાનો અધિકાર હસ્તાંતર કરી શકાશે તેવી શરત શાખપત્રમાં દર્શાવી હોય તો તે હાથબદલાપાત્ર શાખપત્ર કહેવાય છે : કેટલીક વાર નિકાસકાર પોતે નિર્યાત થનારા માલનો માલિક ન હોય, પરંતુ ફક્ત વચેટિયો હોય તો તે આયાતકારને વિનંતી કરીને હાથબદલાપાત્ર શાખપત્ર મેળવવાની વ્યવસ્થા કરે છે. આ પ્રકારના શાખપત્રનો મૂળ હિતાધિકારી સામાન્ય રીતે શાખનું એક જ વાર હસ્તાંતરણ કરી શકે છે; પરંતુ માલ ત્રુટક ત્રુટક નિર્યાત થવાનો હોય તો શાખપત્રમાં દર્શાવેલી કુલ શાખથી વધારે નહિ તેટલી શાખનું ત્રુટક ત્રુટક હસ્તાંતરણ કરી શકે છે; શાખપત્રમાં દર્શાવેલી બધી શરતોને અનુરૂપ જ હસ્તાંતરણ કરી શકે છે અને તે પોતાના દેશના નિવાસીને જ હસ્તાંતરણ કરી શકે છે. આમ છતાં શાખપત્રમાં અનુમતિ આપવામાં આવી હોય તો વિદેશના નિવાસીને પણ હસ્તાંતરણ કરી શકે છે.

જયંતિલાલ પો. જાની