શાક્ત સંપ્રદાય : શક્તિની ઉપાસનાનો પ્રાચીન ભારતીય સંપ્રદાય. વિશ્વના સર્વ દેશોમાં એક કે બીજી રીતે શક્તિની ઉપાસના આદિકાળથી થતી આવી છે. ભારતમાં પણ પ્રાચીન સમયથી આજ સુધી પરમ તત્વની શક્તિ રૂપે આરાધના સતત ચાલ્યા કરે છે. તેનો આરંભ ક્યારે થયો તે કહેવું કઠિન છે; પરંતુ કેનોપનિષદમાં ઉમા હૈમવતીની આખ્યાયિકામાં અને શ્ર્વેતાશ્વતર ઉપનિષદમાં દેવતાત્મ-શક્તિના ઉલ્લેખમાં શાક્ત સંપ્રદાયનાં બીજ ષ્ટિગોચર થાય છે. ત્રિપુરા, ત્રિપુરાતાપિની અને દેવી – એ ઉપનિષદોમાં શક્તિની વાત છે. પણ તેઓ પાછળથી રચાયેલાં છે. રામાયણમાં પ્રસંગોપાત્ત, અને મહાભારતમાં અનેક સ્થળોએ શક્તિનો મહિમા અને તેનાં દેવી તરીકેનાં કાર્યોનો નિર્દેશ અવશ્ય છે તો કેટલાંક પુરાણોમાં તેની અનેકવિધ કથાઓ, તેની આરાધના તેનાં સ્તોત્રો અને તેના આધ્યાત્મિક સંકેતોનું વિસ્તૃત આલેખન જોવા મળે છે. માર્કંડેય પુરાણનો ચંડીપાઠ આજે પણ યજ્ઞ-હોમ કે નિત્યપૂજાનો ભાગ બની રહેલ છે. શક્તિ એ શિવથી અભિન્ન એવી ઉમા છે અને તે સૌમ્ય તથા રુદ્ર એમ બંને પ્રકારની છે. સૌમ્ય રૂપે તે ભક્તોનાં સંકટ દૂર કરે છે તો રૌદ્ર રૂપ ધારણ કરી તે મહિષાસુરમર્દિની બની અસુરોનો નાશ કરે છે. વિદ્વાનો અને સાધકો સકલ વિશ્વને આ શક્તિના જ વૈશ્વિક નૃત્ય (અં. cosmic dance) તરીકે જુએ છે. મહાલક્ષ્મી, મહાસરસ્વતી, મહાકાલી અને મહાશક્તિ એમ તેનાં ચતુર્વિધ રૂપે તે સર્વેને વ્યાપી વળી છે. તેનાં અનેક નામ અને રૂપ છે. દશ મહાવિદ્યા અને અષ્ટમાતૃકા રૂપે તેનું આરાધન થાય છે. પુરાણો કહે છે તેમ, દક્ષયજ્ઞમાં યોગાગ્નિમાં સ્વયંની આહુતિ આપનાર સતીના દેહને લઈ ભમતા શિવના સ્કંધ પરથી તે અંગો જ્યાં જ્યાં પડ્યાં ત્યાં ત્યાં શક્તિપીઠોની સ્થાપના થઈ. આ શક્તિપીઠો શક્તિપૂજાનાં તીર્થસ્થાનો બની રહ્યાં છે. અંબા, અંબિકા, કાલી એવા પ્રમુખ સ્વરૂપે તે સર્વને આરાધ્યા છે તો જ્ઞાતિઓ કે કુળોમાં તે મેલડી, માતંગી, ક્ષીર ભવાની, કનકેશ્વરી, બુટમાતા એમ અનેક નામે કુળદેવી તરીકે પૂજાય છે અને તેથી દેશભરમાં તેનાં અનેક મંદિરો છે.
પરંતુ આવી વ્યાપક શક્તિપૂજાને એક વિશિષ્ટ સંપ્રદાય એટલે કે શાક્ત સંપ્રદાયનું સ્વરૂપ પ્રાપ્ત થયું અને તેનો આધાર છે – આગમો કે તંત્રો. શૈવાગમોમાં જ શક્તિના સ્વરૂપ અને તેની ઉપાસના-પદ્ધતિ નિરૂપિત છે. જે આગમોમાં શિવ પ્રધાન છે અને શક્તિ તેની સાથે ઇચ્છા કે ક્રિયા રૂપે જોડાયેલી દર્શાવાઈ છે. તે આગમો શૈવાગમો છે અને જ્યાં શક્તિનું પ્રાધાન્ય છે તે આગમો શાક્ત તંત્રો કે શાક્ત આગમો તરીકે ઓળખાયાં. આ આગમો શાક્ત તંત્રોનો આધાર બન્યાં. શક્તિ વિનાના શિવ શવ સમાન છે એમ તેઓ કહે છે.
શાક્ત સંપ્રદાય કૌલ સંપ્રદાય તરીકે વિખ્યાત છે. ‘કુલ’ની ઉપાસનાને કારણે તે કૌલ છે. અભિનવગુપ્ત ‘તંત્રાલોક’માં ‘કુલ’ શબ્દને વિવિધ રીતે સમજાવે છે. તે મુજબ (1) પરમેશ્વરની સામર્થ્યોર્ધ્વ સ્વાતંત્ર્યશક્તિ તે કુલ છે. (2) શિવ અને શક્તિનો સામરસ્યરૂપ સંયોગ એટલે કુલ. (૩) સમસ્ત પદાર્થોને આલોકિત કરનારી અને જેમાં વિશ્વ ઉદય અને અસ્ત પામે છે તે પરાશક્તિ તે કુલ છે. (4) નિત્યા શક્તિને પણ કુલ કહે છે. કૌલમત અતિ પ્રાચીન અને શ્રેષ્ઠ છે એમ કહેતાં અભિનવ લખે છે કે જેમ પુષ્પમાં સુગંધ, તલમાં તેલ, દેહમાં જીવ અને જલમાં અમૃત છે તેમ સર્વ શાસ્ત્રોમાં ‘કુલ’ અનુસ્યૂત છે. પંચમુખશિવના ઊર્ધ્વમુખમાંથી ઉત્પન્ન થયો હોવાથી કૌલ માર્ગ ઊર્ધ્વામ્નાય નામે પણ ઓળખાય છે.
કૌલ સંપ્રદાયના સિદ્ધાંતોનું પ્રતિપાદન સર્વપ્રથમ સિદ્ધયોગીશ્વરી તંત્રમાં થયું હોવાનું શાક્તાચાર્યોનું મંતવ્ય છે. આ ગ્રંથ ઉપલબ્ધ નથી. તેનાં ત્રણ સંક્ષિપ્ત સંસ્કરણો થયાં હોવાનો પણ મત છે. તેમાંનાં પ્રથમ બે ઉપલબ્ધ નથી. હાલ ઉપલબ્ધ ‘માલિનીવિનયોત્તર’ નામક તંત્ર (આગમ) પર અભિનવગુપ્તે ‘માલિનીશ્ર્લોકવાર્તિક’ અને ‘પૂર્વપંચિકા’ નામની બૃહતી વ્યાખ્યા લખેલ છે. આ ઉપરાંત રુદ્રયામલ તંત્રમાં કુલાચારવિધિ અને અન્ય વિગતો આપી છે તથા કુલાર્ણવ તંત્ર તો આ સંપ્રદાયનો અધિક પ્રચલિત આગમ ગ્રંથ છે. કુલાચાર ગહન અને રહસ્યાત્મક છે. કાલાંતરે તેનાં ખોટાં અર્થઘટનને કારણે શિથિલતા આવતાં તે ટીકાપાત્ર પણ બન્યો હતો. તેથી ‘કુલાર્ણવ’ ચેતવણી આપે છે કે જેણે રાજયોગનો અભ્યાસ નથી કર્યો, જેણે ઇન્દ્રિયો પર વિજય નથી મેળવ્યો અને જેનું મન વશમાં નથી તેવા સાધકો માટે આ સાધના નથી. તેનાથી તો તેઓ નરકવાસી જ થશે. અતિ ઉચ્ચકક્ષાના સાધકો માટે જ આ ઉપાસના છે. આ માર્ગના જ્ઞાનાર્ણવતંત્રમાં શક્તિનું ‘ત્રિપુરા’ કે ‘ત્રિપુરસુંદરી’ તરીકે પ્રતિપાદન થયું છે. એ જ રીતે ‘નિત્યાષોડશિકાર્ણવ’ ગ્રંથને ત્રિપુરાશાસ્ત્રનું રહસ્ય સમજાવતો ગ્રંથ માનવામાં આવે છે. બે ટીકાઓ સાથે આ ગ્રંથ વારાણસીમાંથી ઈ. સ. 1969માં પ્રકાશિત થયો છે. જયરથ, શિવાનંદ, વિદ્યાનંદ અને અન્ય આચાર્યોના ગ્રંથો પણ છે; પરંતુ સહુથી વિશેષ વ્યાપક અને કૌલમતના સિદ્ધાંતોનો ગહન અભ્યાસ નિરૂપિત કરતા ભાસ્કરરાય(ઈ. સ. 1700-1760)ના ગ્રંથો મહત્વના છે. અભિનવગુપ્તે જાલન્ધરનિવાસી શંભુનાથ પાસેથી કૌલવિદ્યા શીખી ‘તન્ત્રાલોક’માં તેનું સવિસ્તર નિરૂપણ કર્યું છે. ભાસ્કરની ‘સૌંદર્યલહરી’ પરની ટીકા વિશેષ ધ્યાન ખેંચે છે. શ્રી શંકરાચાર્યનું ‘સૌંદર્યલહરી સ્તોત્ર’ તથા શ્રી ગૌડપાદાચાર્યનું ‘સુભગોદય સ્તોત્ર’ આ પંથનાં બહુમાન્ય સ્તોત્રો છે. જેમાં કૌલસિદ્ધાંતોનું કાવ્યમય નિરૂપણ છે. આ ઉપરાંત ગૌડપાદનું ‘વિદ્યારત્નસૂત્ર’ પણ શક્તિ-સંપ્રદાયનું રહસ્ય પ્રગટ કરતી મહત્વની કૃતિ છે. [આ ગૌડપાદ તે માંડુક્ય કારિકાના ગૌડપાદથી ભિન્ન છે એમ અધિકાંશ વિદ્વાનો માને છે.] તેને શક્તિસૂત્ર પણ કહે છે. તેના પર શંકરાચાર્યની ટીકા પણ ઉપલબ્ધ છે. ‘લલિતાસહસ્રનામ’ અને તેના પરનું ભાસ્કરાચાર્યનું ‘સૌભાગ્યભાસ્કર’ પણ આ સંપ્રદાયના મહત્વના ગ્રંથો છે. અર્વાચીન કાળમાં શક્તિમાર્ગ પર અંગ્રેજી સહિત અનેક ભાષાઓમાં અભ્યાસમૂલક સંશોધનાત્મક ગ્રંથો રચાયા છે. તેમાં ગુજરાતના ન. દે. મહેતાનો શાક્ત સંપ્રદાય વિશેનો ગ્રંથ અત્યંત ખ્યાતિ પામ્યો છે.
જોકે શાક્ત સંપ્રદાયના પ્રથમ આચાર્ય સિદ્ધગુરુ મત્સ્યેન્દ્રનાથને પરંપરાએ સ્વીકાર્યા છે અને તેમનો નાથપંથ પણ પ્રખ્યાત જ છે; પણ એમાં ગુરુશિષ્ય-પરંપરા દ્વારા જ આ મતનાં રહસ્યો અને તેની ક્રિયાઓ અપાતી હોઈ લિખિત સાહિત્ય પ્રાય: અપ્રાપ્ય જ છે. શાક્ત-સંપ્રદાયનાં ત્રણ મુખ્ય કેન્દ્ર છે : કાશ્મીર, કાંચી અને કામાખ્યા. આમાંનાં પ્રથમ બે કેન્દ્ર ‘શ્રીવિદ્યા’નાં કેન્દ્ર ગણાય છે. કામાખ્યા (આસામ) તો આજે પણ શાક્ત સંપ્રદાયનું મહત્વનું કેન્દ્ર મનાય છે. તેના પર તિબેટનાં તંત્રોનો પ્રભાવ પડ્યો છે. તેમાં થતી સાધના પણ ઉગ્ર હતી. કાશીમાં કૌલમતના દાર્શનિક પાસાના સ્પર્શને કારણે તે સૌમ્ય છે. ‘શ્રીવિદ્યા’ એ રીતે આ પંથના ઉત્તમ સિદ્ધાંતોને અનુસરે છે. તે ‘ત્રિપુરા’ પણ કહેવાય છે. તેના આદ્ય આચાર્ય દત્તાત્રેયે ‘અષ્ટાદશસાહસ્રી દત્તસંહિતા’ રચી હતી. તે દુર્બોધ હોઈ પરશુરામે છ હજાર સૂત્રોમાં તેને સંક્ષિપ્ત કરી અને એનું પણ સંક્ષિપ્ત રૂપ ‘પરશુરામ કલ્પસૂત્ર’ હારિતાયન સુમેધાએ કર્યું છે. તે ગાયકવાડ પ્રાચ્ય ગ્રંથમાલા(વડોદરા)માં પ્રકાશિત છે. અહીં ત્રિપુરારહસ્યને વિસ્તારથી સમજાવવામાં આવ્યું છે. ત્રિપુરાસિદ્ધાંત શૈવદર્શનના ત્રિકસિદ્ધાંત તથા છત્રીશ તત્વોનો સ્વીકાર કરી સાડત્રીશમું તત્ત્વાતીત તત્વ પરાશક્તિ છે તેમ સ્વીકારે છે. અહીં શિવ અને શક્તિ કામેશ્વર અને કામેશ્વરી છે. ત્રિપુરાસુન્દરી સકલાધિષ્ઠાનરૂપા, સત્યરૂપા અને સચ્ચિદાનંદરૂપા છે. તેની ઉપાસના ચન્દ્ર રૂપે થાય છે; તેની પણ ચંદ્રની જેમ સોળ કળાઓ છે. તેમાંની પંદરનો ઉદય-અસ્ત થયા કરે છે. પણ સોળમી સદા નિત્યા છે. આ ષોડશી કલાને ‘અમૃતા’ કહે છે. વળી આ સાડત્રીશમા તત્વને ‘અનુત્તર’ પણ કહે છે. એ જ ત્રિપુરા અને સોળકલાથી યુક્ત છે. વિવિધ ઉપાયો દ્વારા એ પરાશક્તિ સાથેનું સામરસ્ય સાધવું તેને જ ‘મોક્ષ’ કહે છે.
કૌલ સંપ્રદાયના સિદ્ધાંતો આમ પ્રત્યાભિજ્ઞાદર્શનથી અમુક અંશે ભિન્ન છે. વસ્તુત: અહીં આચારની જ પ્રધાનતા છે. તેમાં મંત્ર, તંત્ર અને યંત્ર, જપ અને અન્ય ક્રિયાઓ છે. યંત્રોમાં સહુથી મહત્વનું શ્રીયંત્ર છે. આ દિવ્ય યંત્રનું આધ્યાત્મિક અર્થઘટન અનેક ગ્રંથોમાં છે અને અનેક પીઠોમાં તેની સ્થાપના કરી વિધિપૂર્વક આરાધન થાય છે. કૌલાચાર બે પ્રકારનો છે : આંતર અને બાહ્ય. આંતરને સમયાચાર કહે છે. તેમાં બાહ્યવિધિના બદલે ધ્યાન વગેરે દ્વારા મૂલાધાર-સ્થિત કુંડલિનીને જાગ્રત કરી ક્રમશ: ચક્રભેદન દ્વારા સહસ્રાર ચક્રમાં સદાશિવ સાથે તેનો સંયોગ સાધવાનો હોય છે. આ માર્ગ વધારે આદર પામ્યો છે. પરંતુ કૌલ માર્ગમાં બાહ્ય વિધિમાં મદ્ય, માંસ, મત્સ્ય, મુદ્રા અને મૈથુન – એ પાંચ મકાર-તત્વોનો પૂજા રૂપે સ્વીકાર કરવામાં આવ્યો છે. તેના સ્થૂળ અર્થને ગ્રહણ કરી કરવામાં આવતી પૂજાના કારણે આ સંપ્રદાયમાં શિથિલતા આવી અને તેને જ વામમાર્ગ કહી તેની નિંદા કરવામાં આવી. તેનાથી દૂર રહેવાનું જ ઇષ્ટ મનાયું. સમય-માર્ગમાં આ પાંચ પદાર્થોના બદલે નિર્દોષ પ્રતીકાત્મક પદાર્થો ઉપયોગમાં લેવાયા. જ્યારે વામમાર્ગમાં એમ ન થયું. કુલાર્ણવતંત્રે તો મદ્યમાંસાદિનો પ્રયોગ કરવાનો નિષેધ જ કર્યો છે અને વળી પાંચ મકારથી નિર્દિષ્ટ પદાર્થોનો રૂપકાત્મક અર્થ લેવાનો છે એમ પણ કહેવામાં આવ્યું છે. તદનુસાર મદ્ય એટલે સહસ્રાર કમળમાંથી સ્રવતી અમૃતધારા, માંસ એટલે પાપ-પુણ્યરૂપી પશુઓનો જ્ઞાનરૂપ ખડ્ગથી વધ કરી બ્રહ્મમાં લીન થવું તે, મત્સ્ય એટલે ઈડા અને પિંગલા નાડીઓમાંથી પસાર થતા શ્વાસ તથા પ્રશ્વાસ મુદ્રા એટલે અસતના સંગથી પ્રાપ્ત થતા બંધનનું મુદ્રણ એટલે કે તેનો ત્યાગ અને મૈથુન એટલે કે સહસ્રારમાં શિવ અને શક્તિનું મિલન. આમ પંચ મકાર એ યોગ-ઉપાસના જ છે. પણ વામમાર્ગીઓ તો સ્થૂલ અર્થને વળગી રહ્યા, તેથી લોકાધાર ક્ષીણ થતાં અંતે આ માર્ગનો પ્રચાર અટકી ગયો ને થોડા લોકો પૂરતો મર્યાદિત થઈ ગયો.
વસંત પરીખ