શાંતનુ : ભીષ્મપિતામહના પિતા, ગંગા અને સત્યવતીના પતિ તેમજ વિચિત્રવીર્ય અને ચિત્રાંગદના પિતા. હસ્તિનાપુરના રાજા શાંતનુની વીરતા પર વારી ગયેલ ગંગાએ એનું પત્નીત્વ સ્વીકાર્યું પણ સાથે શરત કરી કે એમનાથી ગંગાને જે સંતાન જન્મે તેને ગંગામાં જળસમાધિ આપવી. શાંતનુએ આ શરત સ્વીકારી અને એ મુજબ સાત સંતાનોને ગંગામાં પધરાવ્યાં. શાંતનુની વિનંતીથી આઠમા બાળકને યથાવત્ રાખતાં ગંગા તેમને છોડી ગઈ. આ આઠમું બાળક તે દેવવ્રત, જેઓ ભીષ્મ તરીકે પંકાયા. તેઓ પોતે પૂર્વજન્મમાં વસુ હતા અને શાપને કારણે પૃથ્વી પર અવતાર લીધો હતો. રાજા શાંતનુને એક ધીવર (માછીમાર) કન્યા સત્યવતી પર મોહ થયો અને તેની સાથે લગ્ન કરવાની ઇચ્છા કરી. સત્યવતીએ શરત કરી કે સત્યવતીને જે સંતાન જન્મે તે હસ્તિનાપુરની રાજગાદી પર બેસે. શાંતનુએ આ શરતનો અસ્વીકાર કર્યો. ભીષ્મને પિતાની ઇચ્છાની જાણ થતાં ભીષ્મે સત્યવતી પાસે જઈને પ્રતિજ્ઞા કરી કે પોતે આજીવન બ્રહ્મચારી રહેશે. ભીષ્મની પ્રતિજ્ઞાએ શાંતનુની મનોવાંછા પૂરી થઈ. શાંતનુને સત્યવતીથી વિચિત્રવીર્ય અને ચિત્રાંગદ નામે બે રાજપુત્રો જન્મ્યા, જેમનાથી આગળ જતાં કૌરવ અને પાંડવ વંશ પ્રગટ્યા.
પ્રવીણચંદ્ર પરીખ