શહેરી ભૂગોળ (urban geography) : શહેરોના સંદર્ભમાં નવી નિર્માણ પામેલી ભૂગોળની વિશિષ્ટ શાખા. શહેરો (નગરો) આજે માનવીની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક અને રાજકીય બાબતોનાં કેન્દ્ર બની રહ્યાં છે. શહેરનો વિસ્તાર જેટલો વધુ એટલું તેનું આર્થિક સામાજિક અને સાંસ્કૃતિક મહત્વ પણ વધુ. શહેરનો માનવસમાજ પરનો પ્રભાવ ત્યાં વસતા નાગરિકોના જીવનધોરણ પરથી મૂલવી શકાય છે. જે તે પ્રદેશનો સાંસ્કૃતિક વિકાસ ત્યાંનાં શહેરોમાં વસતા માનવજૂથની રુચિ પરથી જાણી શકાય. ભૂગોળવિદોને મહત્વનાં શહેરોનો અભ્યાસ કરવો જરૂરી લાગતાં ‘શહેરી ભૂગોળ’ નામની ભૂગોળ વિષયની નવી શાખા અસ્તિત્વમાં આવી છે.
છેલ્લા બે સદીઓના ગાળામાં શહેરોના અભ્યાસમાં સમાજવિજ્ઞાનીઓ વિશેષ રસ દાખવતા થયા છે, ભૂગોળવેત્તાઓનો પણ તેમાં સમાવેશ થઈ જાય છે. આથી જ તો હાર્ટશોને પૃથ્વીને ‘માનવીના ઘર’ તરીકે ઘટાવી છે. વિડાલ-દ-લા-બ્લાશ તથા જિન્સ બ્રુન્સ જેવા ફ્રેન્ચ ભૂગોળવેત્તાઓએ ભૂગોળનો અભ્યાસ માનવીને કેન્દ્રમાં રાખીને કરવાનું સૂચવ્યું છે. વીસમી સદી દરમિયાન દુનિયાના દેશોમાં ઝડપી શહેરીકરણ થવાથી શહેરોનો ભૌગોલિક અભ્યાસ કરવાનું આવશ્યક બન્યું છે. આ કારણે ભૂગોળના વિષયમાં શહેરી ભૂગોળે એક સ્વતંત્ર શાખા તરીકેનું સ્થાન પ્રાપ્ત કર્યું છે.
દુનિયાના વિવિધ દેશોમાં પ્રવર્તતી વિભિન્ન ભાષાઓમાં ‘નગર’ માટે જુદા જુદા શબ્દો ઉપયોગમાં લેવાતા આવ્યા છે : જેમ કે, Town, City (બ્રિટન), Ville, Bourgs (ફ્રાન્સ), Stadt, Flecken (જર્મની), Civitas, Polis (ગ્રીસ), Tatornt, Staden, Koping (સ્વીડન), Garad (ચેકોસ્લોવાકિયા), By (નૉર્વે) વગેરે. ડિકન્સના મંતવ્ય મુજબ ‘નગર’ની વિભાવના વિવિધ લોકો, સંસ્થાઓ, સંસ્કૃતિઓ, દેશો-પ્રદેશો, પરિસ્થિતિ તેમજ સમયની સાથે સાથે બદલાતી રહી છે. બદલાતી રહેલી આવી મુલવણીને કારણે નગર/શહેરની વ્યાખ્યા આપવી મુશ્કેલ છે. તેમ છતાં સંયુક્ત રાષ્ટ્રસંઘ અને તેના સભ્ય દેશોએ નગર શબ્દનું અર્થઘટન પાંચ વિભાગોમાં કર્યું છે :
1. ઐતિહાસિક, રાજકીય અને વહીવટી સંદર્ભને લક્ષમાં રાખીને ત્યાં વસતા સમુદાયને નગર તરીકે સ્વીકારી શકાય : દા.ત., બ્રાઝિલ, ઈક્વેડોર વગેરે.
2. અલ્પ વસ્તીનો આધાર પણ ‘નગર’ શબ્દ માટે સ્વીકારેલો છે. તેમાં વસ્તીગીચતાને ધ્યાનમાં લેવાની રહે છે; જેમ કે, 250 કે તેથી વધુ વસ્તી ધરાવતો સમુદાય; દા.ત., ડેન્માર્ક.
3. ‘શહેર’, ‘નગર’ શબ્દ પ્રયોજવા માટે સ્થાનિક સ્વાયત્ત શાસનને પણ લક્ષમાં લેવું પડે; જેમ કે, ગ્રેટબ્રિટનમાં કાઉન્ટી, ભારતમાં નગરપાલિકા વગેરે.
4. ‘નગર’ શબ્દ માટે ત્યાંના લોકોની સુવિધાઓને ધ્યાનમાં લેવાની હોય છે; જેમ કે, ચિલી.
5. શહેરી વસ્તીની ઓછામાં ઓછી આવકને લક્ષમાં લેવાની રહે છે; જેમકે, ઇઝરાયલ. પરંતુ ભારતમાં ઓછામાં ઓછી વસ્તી 5,000 અથવા જે તે સ્થળની કુલ વસ્તીના 75 % પુરુષો કાર્યશીલ હોય અથવા દર ચોકિમી. દીઠ વસ્તીગીચતા 400 જેટલી હોય તો તે સ્થળનો શહેર તરીકે ઉલ્લેખ થાય.
વિષય તરીકે : અંગ્રેજી ભાષામાં ‘શહેરી’ શબ્દ માટે ‘urban’ પર્યાય લૅટિન ભાષાના ‘urbs’ ઉપરથી ઊતરી આવ્યો જણાય છે. ‘અબર્સ’નો અર્થ નગર થાય છે. આમ શહેરી ભૂગોળ એટલે શહેરોને લગતી ભૂગોળ એવો થાય. ભૂગોળની આ શાખામાં શહેરો સાથે સંકળાયેલ વિવિધ બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. આ શાખાને શહેરી વસાહતની ભૂગોળ તરીકે પણ ઓળખાવી શકાય.
શહેરી ભૂગોળ વિષયશાખાના સંદર્ભમાં જુદા જુદા ભૂગોળવેત્તાઓએ પોતપોતાના વિચારો રજૂ કર્યા છે. આર.ઈ.મરફી જણાવે છે કે શહેરી ભૂગોળ તેનાં પરાં સહિતના શહેરના વિકાસની બાબતો સાથે સંબંધ ધરાવે છે. ડેવિડ ક્લાર્કના મંતવ્ય મુજબ શહેરી ભૂગોળ એ ભૂગોળ વિષયની એક એવી શાખા છે, જેના અભ્યાસનો સંબંધ કસબા અને શહેર સાથે વ્યવસ્થાપન સ્થાપવાનો છે. આ તજ્જ્ઞો સિવાય હેરોલ્ડ કાર્ટર, આર. એમ. નૉર્ડમ, એચ. એમ. મરફી, આર. આઇ. ડિકન્સન અને જે. એચ. જૉન્સને પણ શહેરી ભૂગોળ વિશે પોતપોતાના વિચારો રજૂ કર્યા છે. આ વિદ્વાનોએ મોટેભાગે તો શહેરના આકાર અને પ્રાદેશિકતા જેવા મુદ્દાઓને કેન્દ્રમાં રાખીને છણાવટ કરી છે; પરંતુ શહેરની વસ્તી, શહેરીકરણની પ્રક્રિયા, શહેરનું માળખું તથા પર્યાવરણ જેવા મુદ્દાઓને વધુ મહત્વ આપ્યું નથી.
હેતુ : શહેરી ભૂગોળનો સૌથી મહત્વનો મુદ્દો તેના આયોજનના સંદર્ભમાં રહેલો છે. શહેરી ભૂગોળવેત્તાઓનો ઉદ્દેશ શહેરના પ્રાદેશિક વિકાસ અને આયોજન માટે ઉપયોગી સૂચનો આપવાનો છે. પ્રાદેશિક આયોજનનો મુખ્ય મુદ્દો સેવાકેન્દ્રો સ્થાપવાનો હોય છે. આવાં સેવાકેન્દ્રોનું લક્ષ્ય ત્યાં વસતા લોકોનો જીવનવિકાસ કેવી રીતે થાય તેમજ તેમને માટેની ઉપભોક્તા ચીજવસ્તુઓનું યોગ્ય વિતરણ કઈ રીતે થાય તે જોવાનું હોય છે. આ લક્ષ્યની પાછળ લોકોનું જીવન સુખમય, સમૃદ્ધિમય બને તે જ હેતુ રહેલો હોય છે.
સામાજિક વિજ્ઞાનો સાથે સંબંધ :
શહેર અને શહેરીકરણનો અભ્યાસ ભૂગોળ ઉપરાંત અર્થશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, ઇતિહાસ, વસ્તીશાસ્ત્ર, રાજ્યશાસ્ત્ર વગેરે વિષયો સાથે પણ સંકળાયેલો છે. આ વિષયોમાં શહેરનું સ્થાન, ઇતિહાસ, સામાજિક માળખું, આર્થિક આધાર, શહેરી પ્રશાસન, શિલ્પ વગેરે બાબતોનો અભ્યાસ પોતાના દૃદૃષ્ટિકોણથી થાય છે.
વિવિધ વિષયોના સંબંધની તુલનામાં શહેરોને તેની ભૂગોળ સાથે ઘનિષ્ઠ સંબંધ રહેલો છે અને તેમાં પણ સર્વાધિક સંબંધ તો વસાહતની ભૂગોળ સાથે રહેલો છે. શહેરી ભૂગોળ એક સ્વતંત્ર વિષયશાખા તરીકે અસ્તિત્વમાં આવી તે પહેલાં વસાહતની ભૂગોળમાં તેનો અભ્યાસ આવરી લેવામાં આવતો હતો. આ ઉપરાંત વસ્તીવિષયક ભૂગોળમાં શહેરની વસ્તી, ગીચતા, વૃદ્ધિ, શહેરોનું વિતરણ, શહેરીકરણની પ્રવૃત્તિઓ સંકળાયેલાં હોવાથી શહેરી ભૂગોળનો ગાઢ સંબંધ વસ્તીવિષયક ભૂગોળ સાથે રહેલો છે. એ જ રીતે શહેરનો ઉદભવ, વિકાસ, પરિવર્તનનાં કારણો વગેરે જેવાં પરિબળો શહેરી ભૂગોળને ઐતિહાસિક ભૂગોળની નજીક લાવે છે. પ્રદેશનાં આર્થિક પરિબળો અને તત્વોનો અભ્યાસ આર્થિક અને શહેરી ભૂગોળ સાથે નજીકનો સંબંધ ધરાવે છે. શહેરી વિસ્તારોમાં સામાજિક જૂથો, સામાજિક ક્ષેત્રો, મિશ્ર વસ્તી, વિભિન્ન આવક ધરાવતાં ક્ષેત્રો, સાંસ્કૃતિક કેન્દ્રો વગેરેનો અભ્યાસ સામાજિક ભૂગોળ, સાંસ્કૃતિક ભૂગોળ અને શહેરી ભૂગોળનો સમન્વય સાધે છે. આ સિવાય વ્યાપારનાં ક્ષેત્રો, શહેરોની સ્થિતિ, પરિવહનની સગવડ વગેરેનો અભ્યાસ પરિવહન-ભૂગોળ અને શહેરી ભૂગોળમાં થાય છે. આમ વસાહતની ભૂગોળ અને શહેરી ભૂગોળ જેવા બે વિષયો પરસ્પર સંકળાય છે.
શહેરોનો અભ્યાસ : ભૂગોળની અન્ય વિષયશાખાઓને સાંકળી લઈને ઓગણીસમી સદીમાં શહેરોનો અભ્યાસ કરવાનું શરૂ થયું; પરંતુ ભૂગોળની એક વિશિષ્ટ શાખા તરીકે તેનો સ્વીકાર વીસમી સદીમાં થયો. ઓગણીસમી સદીમાં સ્ટુઅર્ટ, વૉન થ્યુનેન, કોલ, ટપ્પન વગેરે જેવા વિદ્વાનોએ નગરોના સંદર્ભમાં અભ્યાસ કર્યો. 1899માં વેબરે ‘નગર’ના સંદર્ભમાં તથા 1907માં જર્મન વિદ્વાન હૈસર્ટે પ્રથમ વાર શહેરી ભૂગોળ પર પોતપોતાનાં મંતવ્યો રજૂ કરતાં પુસ્તકો પ્રગટ કર્યાં. 1909માં અમેરિકાના માર્ક જેફરસને, 1911માં ફ્રાન્સના રાઉલ બ્લેન્ચોર્ડ શહેર પર પુસ્તક લખીને 1915માં પેટ્રિક ગિડિસે ‘Cities in Evolution’ લખીને શહેરી વિસ્તારોની ભરપૂર માહિતી આપી.
શહેરી ભૂગોળની સર્વપ્રથમ સામાન્ય વ્યાખ્યા આપવાનું શ્રેય એમ. અરુસો(1924)ને ફાળે જાય છે. 1938માં મેમ્ફૉર્ડે ‘શહેરોની સંસ્કૃતિ’, ‘શહેરી વિકાસ’ અને ‘ઇતિહાસમાં નગર’ જેવા મહત્વપૂર્ણ ગ્રંથો પ્રગટ કર્યા. બીજા વિશ્વયુદ્ધ પહેલાં દક્ષિણ અમેરિકા, એશિયા અને આફ્રિકાનાં અનેક શહેરોનો અભ્યાસ ક્રેસી, સ્પેન્સ, ટ્રિવાર્થા, સ્પેટ, ડૉબી, પ્રેસ્ટન, ચેટર્જી જેવા વિદ્વાનોએ કર્યો. સામાન્ય શહેરી ભૂગોળના સંદર્ભમાં 1949માં ગ્રિફિથ ટેલરે ‘Urban Georgraphy’ નામનું મહત્વનું પુસ્તક પ્રગટ કર્યું. 1957માં હોસરે ‘Urbanisation in Asia and Far East’, 1959માં મેયર અને કોહને ‘Reading in Urban Geography’, 1972માં કાર્ટરે ‘The Study of Urban Geography’ પુસ્તકો પ્રકાશિત કર્યાં. 1978માં કિંગ અને ગોબેજે ‘Cities, Space and Behaviour – The Elements of Urban Geography’ પુસ્તક પ્રગટ કરીને નૂતન આધુનિક પ્રવૃત્તિઓ સ્પષ્ટ કરી. 1982માં ડેવિડ ક્લાર્કે ‘Urban Geography’ અને 1995માં પી. કિવેલે ‘Land and The City : Patterns and Process of Urban Change’ પુસ્તક પ્રગટ કર્યું. ઉપર્યુક્ત પુસ્તકોમાં શહેરી આયોજન, શહેરી પ્રણાલી તથા વિભિન્ન નગરો ઉપર સંશોધન રજૂ કરવામાં આવેલું છે.
ભારતમાં શહેરી અધ્યયનનો વિકાસ : ભારતમાં શહેરોનો સર્વપ્રથમ અભ્યાસ વીસમી સદીમાં શરૂ થયો. 1925માં શહેરોના અભ્યાસમાં ભૌગોલિક દૃદૃષ્ટિબિંદુઓને પહેલી વાર સ્થાન અપાયું. શહેરી ભૂગોળના લેખોના પ્રકાશનનો પ્રારંભ 1937માં ચેન્નાઈ ખાતે થયો, જેમાં એ. એલ. સુંદરમ્, આર. ડૉન, એન. સુબ્રહ્મણ્યમ્, જ્યૉર્જ કુરિયન જેવા ભૂગોળવેત્તાઓએ મહત્વનો ફાળો આપ્યો છે. આ સમયગાળામાં સી. ડી. દેશપાંડે, વી. એલ. એસ. પ્રકાશરાવે નગર-આયોજનના સંદર્ભમાં ‘મુંબઈ રાજ્ય અને નગરો’ જેવા ઘણા લેખો પ્રગટ કર્યા.
ભારત સ્વતંત્ર થયું તે પહેલાં કોલકાતા પણ શહેરોના અભ્યાસનું કેન્દ્ર બન્યું હતું. અહીંથી ભૂગોળ અંગેના સંશોધનલેખો પ્રગટ થવા લાગ્યા હતા; જેમાં એસ. ઘોષ, મીરા ગુહા, એ. બી. ચેટર્જી, એન. આર. કાર, એ. કે. સેન, આર. એલ. સિંગ, ઉજાગર સિંહ, એ. એસ. જૌહરી અને ઇનાયત એહમદનો ફાળો મહત્વપૂર્ણ રહેલો. બનારસના અભ્યાસ માટે આર. એલ. સિંગ, હૈદરાબાદ-સિકંદરાબાદ જેવાં જોડકાં શહેરો માટે શાહ મંજૂર આલમે સઘન પ્રયત્નો કર્યા. આ ઉપરાંત, કાજી અહમદ, આર. પી. મિશ્રા, ઉજાગર સિંહ, જી. એસ. ઘોષાલ અને અમૃતલાલે પણ તાજેતરમાં શહેરી ભૂગોળ વિશે લેખો પ્રગટ કર્યા છે; આટલું જ નહિ, વિદેશી ભૂગોળવેત્તાઓએ પણ ભારતનાં શહેરો પર તલસ્પર્શી અભ્યાસ કરીને શહેરી ભૂગોળના સંદર્ભમાં મહત્વનું યોગદાન આપ્યું છે, તેમાં હોસેલિટ્ઝ, જૉન બ્રુશ, હર્ટ, ટર્નર, કે. ડેવિસ, આલ્બર્ટ મેયર, બ્રીજ, મેરીફિલ્ડ, સ્મેલ્સ, બેરી, સિડની, સ્પેટ અને જિન્સબર્ગ વધુ જાણીતા છે. શહેરી ભૂગોળના અભ્યાસમાં આવરી લેતા મુદ્દાઓ :
1. શહેરનું સ્થાન : શહેરનું સ્થાન નક્કી કરતી વખતે સમતળભૂમિ, જળપુરવઠો, અનુકૂળ આબોહવા/વાતાવરણ, પ્રાકૃતિક સંપદા તથા માનવીય / કુદરતી આફતો સામે સુરક્ષા જેવી બાબતોને મહત્વ અપાય છે. આ મુદ્દાઓને આધારે નગરોના નીચે મુજબના પ્રકારો પાડ્યા છે : (i) મેદાની નગર, (ii) પર્વતીય નગર, (iii) ઉચ્ચપ્રદેશીય નગર, (iv) અંતર્દેશીય નગર, (v) નદીકાંઠાનું નગર, (vi) સમુદ્રકાંઠાનું નગર, (vii) સુરક્ષાત્મક નગર, (viii) સીમાંત નગર, (ix) આરોગ્યપ્રદ નગર. આ ઉપરાંત વ્યાપારિક, ધાર્મિક, વહીવટી, શૈક્ષણિક નગરોનો પણ સમાવેશ કરી શકાય.
2. નગરોનો ઉદ્ભવવિકાસ : ઇતિહાસવિદો અને ભૂગોળવિદો દ્વારા નગરોના ઉદ્ભવ માટે હજી એકમત સધાયો નથી; તેમ છતાં પણ એક અનુમાન મુજબ ઈ. પૂ. 4000 વર્ષ પહેલાં સર્વપ્રથમ નગરો અસ્તિત્વમાં આવ્યાં હશે એમ મનાય છે. દુનિયામાં શહેરી વિકાસના ઇતિહાસને નીચે જણાવેલ સમયગાળામાં વિભાજિત કરવામાં આવેલ છે : (1) પ્રાગ્ઐતિહાસિક કાળ, (2) પ્રાચીન કાળ, (3) મધ્ય કાળ, (4) પુનર્જાગૃતિ કાળ, (5) આધુનિક કાળ.
3. શહેરીકરણની પ્રવૃત્તિઓ : શહેરીકરણને કારણે ઔદ્યોગિક અને આર્થિક વિકાસ થઈ શકે છે. શહેરીકરણને લીધે શહેરનો વિસ્તાર ક્રમશ: વધતો જાય છે, સાથે સાથે વસ્તીવૃદ્ધિ પણ થતી રહે છે. ભારતમાં શહેરીકરણનો પ્રારંભ વીસમી સદીમાં થયો છે.
આ ઉપરાંત બૃહદ શહેરી વિસ્તાર, મૅગાપોલિસ, શહેરોનો સંરચનાત્મક વિકાસ, શહેરી ભૂમિનો ઉપયોગ, શહેરોનું કાર્યાત્મક વર્ગીકરણ, શહેરોનો આકાર, શહેરીકરણથી પ્રભાવિત થયેલા ગ્રામવિસ્તારો, શહેરોની સમસ્યાઓ તેમજ નગર-આયોજન કઈ રીતે લાભદાયી બની શકે એવા બધા મુદ્દાઓને શહેરી ભૂગોળમાં આવરી લેવાય છે.
નીતિન કોઠારી