શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક)

January, 2006

શહેરીકરણ (urbanisation) (ભૌગોલિક) : શહેરમાં વધતી જતી વસ્તી અને વિસ્તારની વૃદ્ધિ. શહેરના ઉદભવ અને વિકાસની પ્રક્રિયા. શહેરીકરણ એ વસ્તીવૃદ્ધિની એવી પ્રક્રિયા છે જેમાં ગામડાનું શહેરમાં રૂપાંતર થાય છે અથવા ભૌગોલિક પરિબળોની અનુકૂળતાવાળા કોઈ એક મોકાના સ્થળે તેની આજુબાજુનાં ગામડાંઓની વસ્તી સ્થળાંતર કરીને વસવાટ કરે છે. ટૂંકમાં, શહેરીકરણ એ શહેરોના ઉદ્ભવ અને વિકાસની પ્રક્રિયા છે. તેમાં ગામડાંમાંથી શહેરમાં થતી સ્થળાંતરની પ્રક્રિયાનો તેમજ શહેરમાં રહેતી વસ્તીના પ્રમાણમાં થતી રહેતી વૃદ્ધિનો સમાવેશ થાય છે. આ સાથે શહેરના કદમાં પણ વધારો થતો રહે છે.

સમાજવિદ્યામાં શહેરીકરણનો અર્થ ત્રણ સંદર્ભમાં મુકાય છે : (1) વર્તણૂકનો (behavioural) સંદર્ભ, (2) રચનાત્મક કે માળખાકીય (structural) સંદર્ભ, (3) વસ્તીવિષયક (demographic) સંદર્ભ. કેટલાક વિદ્વાનોએ શહેરીકરણની સમજ માટે મુખ્ય ત્રણ પરિમાણો (dimensions) લક્ષમાં રાખ્યાં છે : (1) નગરસમુદાયોમાં સ્થળાંતર દ્વારા થતી વસ્તીવૃદ્ધિ, (2) ગ્રામીણ સમુદાયોની વસ્તીની તુલનામાં નગરસમુદાયોમાં રહેતા લોકોનું ઉત્તરોત્તર વધતું જતું પ્રમાણ, (3) નગરો અથવા શહેરોની અસર હેઠળ ગ્રામીણ અને બિન-નગરીય સમુદાયોમાં શહેરી જીવનશૈલીનાં તત્વોનું પ્રસરણ. પ્રથમ બે શ્રેણીનાં પરિમાણો  શહેરીકરણનો સંખ્યાત્મક વ્યાપ સમજાવવામાં મદદરૂપ થાય છે; જ્યારે ત્રીજી શ્રેણીનું પરિમાણ શહેરીકરણનાં ગુણાત્મક પાસાંઓને સમજવામાં ઉપયોગી બને છે.

આ રીતે જોતાં, શહેરીકરણ એ દ્વિમાર્ગી પ્રક્રિયા ગણાય; એક તો, સમસ્ત સમાજના સંદર્ભમાં શહેરી વસ્તીની વૃદ્ધિની પ્રક્રિયા અને બીજી, ગ્રામીણ સમુદાયોમાં શહેરી જીવનશૈલીનાં તત્વોનું પ્રસરણ કરતી પ્રક્રિયા. શહેરીકરણની આ પ્રકારની તરાહ સમસ્ત સમાજના સંદર્ભમાં તેનો વ્યાપ સમજવામાં મદદરૂપ થઈ રહે છે.

એક સમયે આફ્રિકા, એશિયા અને લૅટિન અમેરિકાના સંસ્થાનવાદી યુગનાં નગરો પરાશ્રિત નગરો હતાં. આવાં નગરોનો વિકાસ તેમની આજુબાજુના ગ્રામીણ વિસ્તારોનાં આર્થિક સાધનોને રાજકીય અને આર્થિક સત્તા વડે હણી લેવા પર જ શક્ય બનેલો છે. ગ્રામીણ સમુદાયોને હણીને થયેલા નગરવિકાસને પ્રાથમિક શહેરીકરણ (primary urbanisation) તરીકે દર્શાવાય છે. આજે તો ત્રીજા વિશ્વના દેશોનાં નગરો ગ્રામીણ સમુદાયોનું અધિશેષ ઉત્પાદન હણીને ફાલીફૂલી રહ્યાં છે. આધુનિક ઔદ્યોગિક અને વિકસિત સમાજોમાં આંશિક પ્રમાણમાં શહેરીકરણ પ્રક્રિયા જોવા મળે છે. આવી પ્રક્રિયામાં નગરસમુદાયો તથા ગ્રામીણ સમુદાયો વચ્ચે પરસ્પર સંબંધ સ્થપાયેલો જોવા મળે છે. આજે નગરો આર્થિક વિકાસ અને સામાજિક પરિવર્તનના સ્રોત ગણાય છે. તે ગ્રામીણ સમુદાયોના એકમાર્ગી શોષણ પર નભતાં નથી. આંશિક શહેરીકરણના તબક્કામાં નગરોમાં થતાં તક્નીકી વિકાસ અને નવી નવી શોધો વગેરેનો લાભ ગ્રામવિસ્તારોને પણ મળે છે, પરિણામે ગ્રામવિસ્તારોમાં પણ સમૃદ્ધિ અને વિકાસ શક્ય બને છે.

શહેરી સત્તાવાળાઓએ મૂળભૂત અને માળખાગત સેવાઓ (જેવી કે આવાસો, પીવાનું પાણી, ગંદા પાણીનો નિકાલ, ઊર્જા-પુરવઠો, ઉપભોક્તા, ચીજવસ્તુઓ વગેરેને લગતી સેવાઓ) તેમજ પરિવહનનાં સાધનોની વ્યવસ્થા પૂરી પાડવાના પ્રયાસો કરવા જોઈએ. કેટલાક શહેરી વિસ્તારો રાષ્ટ્રની વસ્તીમાં થતા વધારા કરતાં બમણી ગતિએ વિસ્તરી રહ્યા છે. વિશ્વનાં પ્રત્યેક 25 શહેરો પૈકીનાં 19 શહેરો વિકાસશીલ દેશોમાં આવેલાં છે. આ શહેરો ઔદ્યોગિક પ્રદૂષણ સર્જતા કચરા જેવી સમસ્યાઓનો માંડ માંડ ઉકેલ લાવી રહ્યાં છે. આવાં શહેરોમાં વસ્તીવૃદ્ધિ થઈ રહી છે. તેમની મૂળભૂત જરૂરિયાતો જ નહિ, પણ સુવ્યવસ્થિત રાજકીય અને સામાજિક સંબંધોના તાણાવાણા ગૂંથવા માનવીય અને ભૌતિક માળખાના વિકાસ પર પણ પ્રતિકૂળ અસરો ઊભી થાય છે. વિકાસશીલ વિશ્વનાં ઘણાંખરાં શહેરો ગરીબાઈનાં સૌથી ખરાબ સ્થળો બન્યાં છે. આવા શહેરી વિસ્તારોમાં ઉમેરાતા જતા પ્રત્યેક 1,000 નવા પરિવારો પૈકીના 700 પરિવારો ઝૂંપડપટ્ટીમાં કે ગંદા વસવાટોમાં ગોઠવાય છે. સૌથી મોટાં શહેરો વસવાટ માટેનાં આકર્ષણકેન્દ્રો બની રહેતાં હોય છે. લોકો આવીને વસે તો છે, પરંતુ પોતાની મૂળભૂત જરૂરિયાતોને માંડ સંતોષી શકે છે; તોપણ નીચી ગુણવત્તાની રોજગારીમાં થતી વૃદ્ધિ આવા વધુ પડતા કદ ધરાવતા શહેરી વિસ્તારોમાં થતી રહે છે. તે વિસ્તારોના વાસ્તવિક આર્થિક કદ કરતાં ઘણા ખોટા માર્ગે તેમનું વિસ્તરણ થતું રહે છે. આજે અંદાજે 1 અબજ લોકો દુનિયાની કુલ વસ્તીના લગભગ 23 % અને વિકાસશીલ વિશ્વનાં શહેરોમાં વસતા લોકોના લગભગ 60 % લોકો છૂટીછવાઈ વસાહતોમાં વસી રહ્યા છે. આ સંદર્ભમાં વિચારતાં શહેરી વિસ્તારોની સમસ્યા પહેલેથી મોટા પાયા પરની રહી છે. હવે માત્ર માનવસંખ્યામાં થનારા વધારા માત્રથી અને તેમને માટે લગભગ તમામ પ્રાથમિક સુવિધાઓના અભાવે આ સમસ્યામાં વધારો થાય તે તદ્દન સ્વાભાવિક છે.

શહેરીકરણનાં સહાયક પરિબળો : પ્રાચીન યુગ અને મધ્ય યુગમાં શહેરીકરણ માટે મુખ્યત્વે ધાર્મિક અને રાજકીય પરિબળો જવાબદાર હતાં, પરંતુ અર્વાચીન યુગમાં ઔદ્યોગિક વિકાસને કારણે નવાં પરિબળો અને નવી પ્રક્રિયાઓ ઉદ્ભવ્યાં છે. શહેરીકરણ માટે સહાયક બનતાં કેટલાંક મુખ્ય પરિબળો નીચે મુજબ છે :

(1) ઔદ્યોગિકીકરણ : ઔદ્યોગિકીકરણ એટલે ઉત્પાદનમાં માનવસંચાલિત સાધનોની જગાએ યંત્રસંચાલિત સાધનોનો ઉપયોગ તથા તેમનું વિસ્તૃતીકરણ. ઔદ્યોગિકીકરણ ભૌગોલિક અને સામાજિક ગતિશીલતા માટેનું મહત્વનું પરિબળ બનતાં તે શહેરીકરણ માટેનું સહાયક પરિબળ બને છે. ઔદ્યોગિકીકરણને લીધે કેટલાંક શહેરોનો ઉદ્ભવ થયો છે. કેટલાંક શહેરો સ્વયં વિકસ્યાં છે તો કેટલાંક ગામડાંનું શહેરમાં રૂપાંતર થયું છે. મોટા કદનાં શહેરોનું મહાનગરોમાં રૂપાંતર કરવામાં ઔદ્યોગિકીકરણ અગત્યનું સહાયક પરિબળ બની રહે છે. અમદાવાદ આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. આમ ઔદ્યોગિકીકરણ અને શહેરીકરણ વચ્ચે ગાઢ સંબંધ રહેલો છે.

(2) પરિવહનનાં સાધનો : ઔદ્યોગિક ઉત્પાદનની હેરફેર માટે તેમજ લોક-અવરજવર માટે પરિવહનનાં સાધનો વધુ અનુકૂળતા પૂરી પાડે છે. સ્વતંત્રતા બાદ ભારતના મોટાભાગના વિસ્તારો રેલમાર્ગોથી સંકળાયા છે. એ જ રીતે ધોરી માર્ગો અને પાકા રસ્તાઓના વિકાસને લીધે માલસામાનની હેરફેર તેમજ મુસાફરી સરળ અને ઝડપી બની છે. વળી જળમાર્ગોના વિકાસથી આંતરિક અને બાહ્ય વ્યાપાર તથા આયાત-નિકાસવાળો વેપાર સુગમ બન્યા છે. આમ, પરિવહનથી શહેરીકરણને વેગ મળ્યો છે.

(3) અનુકૂળ ભૌગોલિક વાતાવરણ : શહેરીકરણમાં ભૌગોલિક પરિસ્થિતિની કેટલીક પ્રત્યક્ષ અને કેટલીક પરોક્ષ અસરો રહેલી છે. શહેરોમાં વસ્તીના કેન્દ્રીકરણમાં પણ ભૌગોલિક વિશિષ્ટતાઓની અસર પહોંચે છે. ગંગા નદીના ખીણપ્રદેશમાં 23 જેટલાં શહેરો વિકસ્યાં છે. પ્રદેશની ફળદ્રૂપતાએ એમાં મહત્વનો ભાગ ભજવ્યો છે. અનુકૂળ ભૌગોલિક વાતાવરણને લીધે જ કોલકાતા મોટું ઔદ્યોગિક શહેર બન્યું છે. આ રીતે જોતાં ભૌગોલિક વાતાવરણ શહેરીકરણ માટે અગત્યનું સહાયક પરિબળ ગણાય છે.

(4) રાજકીય પરિબળ : ભારતમાં કેટલાંક શહેરો તેમના રાજકીય મહત્વને લીધે વિકાસ પામ્યાં છે. રાજ્યની રાજધાનીનાં મથકો, જિલ્લા/તાલુકામથકો, વહીવટી અને ન્યાયવિષયક મહત્વ ધરાવતાં મથકો વિસ્તર્યાં છે. આવાં સ્થળો ધીમે ધીમે વેપાર, વાણિજ્ય, ઉદ્યોગ, શિક્ષણ વગેરે ક્ષેત્રે પણ મહત્વ ધારણ કરતાં જાય છે. પરિણામે નજીકનાં ગામડાંની વસ્તી ત્યાં સ્થળાંતર કરીને વસવાટ કરવા પ્રેરાય છે. ભારત સ્વતંત્ર થતાં શરણાર્થીઓના પુનર્વસવાટ માટે રાજ્ય તરફથી કેટલાંક નવાં શહેરોનું નિર્માણ જરૂરી બનેલું. ફરીદાબાદ, ચંડીગઢ, ગાંધીધામ જેવાં આયોજિત નગરો તેનાં દૃષ્ટાંતો છે. બીજી બાજુ લશ્કરી છાવણીઓને કારણે પઠાણકોટ, ખડકવાસલા જેવાં શહેરો નિર્માણ પામ્યાં છે. આ રીતે રાજકીય પરિબળ પણ શહેરીકરણ માટે જવાબદાર લેખાય છે.

(5) શિક્ષણ :  પ્રાચીન અને મધ્ય યુગમાં કેટલાંક શહેરો તેમનાં પ્રસિદ્ધ શિક્ષણકેન્દ્રોને લીધે વિકાસ પામેલાં. તક્ષશિલા, નાલંદા, બનારસ, મથુરા વગેરે તેનાં ઉદાહરણો છે. આજના સમયમાં શિક્ષણના વિકાસે શહેરીકરણની પ્રક્રિયાને વેગ આપવામાં મહત્વનો ફાળો આપ્યો છે. વલ્લભવિદ્યાનગર, રૂરકી વગેરે સ્થળોએ સ્થપાયેલી યુનિવર્સિટીઓને લીધે તે સ્થળો શહેરો તરીકે વિકાસ પામ્યાં છે.

(6) સ્થળાંતર : ભારતનાં ગામડાં વસ્તીવૃદ્ધિમાં આગળ પડતાં હોવાથી લોકો ખેતી પર નભી શકતાં નથી. એક બાજુ શહેરોની આકર્ષણશક્તિ વધી છે, તો બીજી તરફ ગામડાંઓમાં ખેતી હેઠળ રહેલી જમીન પરનું ભારણ વધતું જાય છે. આથી ગ્રામજનો રોજગારી માટે શહેરોમાં સ્થળાંતર કરે છે. આમ, ગામડાંમાંથી શહેરોમાં થતું વસ્તીનું સ્થળાંતર શહેરીકરણનો મુખ્ય સ્રોત છે.

(7) ધર્મ : ભારતમાં ઘણાં શહેરોના ઉદ્ભવ પાછળ ધર્મે અગત્યનો ભાગ ભજવ્યો છે. બનારસ, ગયા, પ્રયાગ, હરદ્વાર, દ્વારકા, મથુરા, ડાકોર, નાથદ્વારા વગેરેના ઉદ્ભવ પાછળ ધર્મની ભૂમિકા જ રહેલી છે. આવાં ધાર્મિક મહત્વ ધરાવતાં શહેરોમાં યાત્રાળુઓની જરૂરિયાતો પૂરી પાડવા નાના-મોટા વેપારીઓ વસવાટ કરવા લાગ્યા છે. આવાં શહેરો ક્રમશ: અન્ય પ્રવૃત્તિઓ માટેનાં કેન્દ્રો બની રહે છે.

(8) વેપારવાણિજ્ય : પ્રત્યેક રાજ્યમાં વેપાર-વાણિજ્યનું મહત્વ ધરાવતાં શહેરો મળી આવે છે. આવાં કેન્દ્રો શરૂઆતમાં ગામડાં જેવાં જ હોય છે, પરંતુ વેપાર-વાણિજ્યને લીધે તે ક્રમશ: શહેરોમાં રૂપાંતર પામતાં જાય છે. આજુબાજુથી પણ લોકો ત્યાં આવી વસવા પ્રેરાય છે. હાપુર, વલસાડ, ઊંઝા વગેરે તેનાં દૃષ્ટાંતો ગણાય.

આમ શહેરીકરણની પ્રક્રિયા સાથે વિવિધ પરિબળો સંબંધ ધરાવે છે, જે પૈકીનાં કેટલાંક પરિબળો શહેરીકરણમાં સહાયક બને છે; કેટલાંક ઉદાહરણો નીચે મુજબ છે :

1. ધાર્મિક શહેર : જગન્નાથપુરી, બનારસ

2. રાજકીય/વહીવટી શહેર : દિલ્હી, ગાંધીનગર

3. વ્યાવસાયિક શહેર : વલસાડ

4. ખાણ-ખનિજ સંબંધી શહેર : ધનબાદ

5. ઔદ્યોગિક શહેર : જમશેદપુર, રૂરકેલા

6. સ્વાસ્થ્યપ્રદ શહેર : પંચગની, પંચમઢી

7. કેળવણીપ્રધાન શહેર : વલ્લભવિદ્યાનગર, શારદાગ્રામ

8. બંદર : કંડલા, મુંબઈ

9. રેલમથક : ચિત્તરંજન, દિલ્હી

10. છાવણીમથક : જામનગર, પઠાણકોટ

11. પ્રવાસન-મથક : ચંડીગઢ, મનાલી

શહેરીકરણની સમસ્યાઓ : સ્વતંત્ર ભારતમાં જેમ જેમ ઔદ્યોગિક વિકાસ તેમજ ઝડપી વસ્તીવૃદ્ધિ થતી ગઈ તેમ તેમ શહેરોની સામાજિક અને આર્થિક પરિસ્થિતિ પણ કથળતી ગઈ. તેમાંથી કેટલાક પડકારરૂપ ગંભીર પ્રશ્નો ઊભા થતા ગયા; જેમ કે, શહેરવાસીઓના સામાજિક સંબંધોમાં રહેલી અપરિચિતતા, સામાજિક-સાંસ્કૃતિક મૂલ્યો પ્રત્યે નિષ્ઠાનો અભાવ, જીવનધોરણમાં આર્થિક સ્પર્ધા,  પરંપરાગત સાધનોની પકડનો અભાવ, રોજબરોજની સુવિધા માટે સંઘર્ષભર્યું જીવન વગેરે બાબતોએ શહેરી સમસ્યાઓને સ્ફોટક સ્વરૂપ આપવામાં મહત્વનો ભાગ ભજવેલો છે.

શહેરીકરણની સમસ્યાઓને બે વિભાગોમાં વર્ગીકૃત કરી શકાય : (1) શહેરવાસીઓનાં જીવન, મિલકત અને નૈતિક મૂલ્યો માટે નુકસાનકારક હોય એવી સમસ્યાઓ. (2) શહેરવાસીઓની સ્વાસ્થ્ય-સુખાકારી અને ઉમદા જીવનશૈલી માટે ભયરૂપ સમસ્યાઓ. પ્રથમ વિભાગમાં હિંસાત્મક ગુનાઓ, બાળ-ગુનેગારો, ઘરફોડ ચોરીઓ, વેશ્યાવૃત્તિ, ભિક્ષાવૃત્તિ, બળાત્કાર, જુગાર, દારૂ ગાળવાનો ધંધો, મદ્યપાન, વાહનોની ઉઠાંતરી વગેરે બાબતોનો સમાવેશ થાય છે. બીજા વિભાગમાં આધુનિકીકરણ અને ઉમદા જીવનશૈલી માટે શહેરીકરણમાં  અવરોધ નિર્માણ કરતી હોય એવી બાબતોનો સમાવેશ થાય છે.

સાંપ્રત ભારતમાં શહેરીકરણના પ્રવર્તમાન પ્રવાહોને લીધે સર્જાયેલી પડકારરૂપ કેટલીક ગંભીર સમસ્યાઓ આ પ્રમાણે છે : (1) કાયદો અને વ્યવસ્થાની સમસ્યા; (2) ઝૂંપડપટ્ટી અને ગંદા વસવાટોની સમસ્યા; (3) સામૂહિક સંઘર્ષ અને (4) પ્રદૂષણ.

ભારતનાં મોટાભાગનાં શહેરોમાં વસ્તીવૃદ્ધિને કારણે કાયદા અને વ્યવસ્થાની ઘણી વિસંગતતા સર્જાઈ છે. શહેરોમાં જીવન અને મિલકત-વિરુદ્ધના ગુનાઓ એક સામાન્ય બાબત બની રહી છે. આપઘાત અને શ્વેત ગુનાઓ(white collar crimes)નું પ્રમાણ પણ વધતું જતું જોવા મળે છે. કાયદા સામે છટકબારી શોધવાની એક આગવી કળા ઊભી થઈ છે, આ કારણે સમાજમાં નૈતિક મૂલ્યોમાં ન પુરાય એવી ખોટ પડવા માંડી છે.

ભારતનાં મોટાભાગનાં મહાનગરોમાં ઝૂંપડપટ્ટી તથા ગંદા વસવાટોની સમસ્યા એક સામાન્ય બાબત બની રહી છે. મુંબઈની ધારાવી ઝૂંપડપટ્ટી એશિયાની સૌથી મોટી ઝૂંપડપટ્ટી છે. આવાં સ્થળોમાં રહેતા લોકોની મૂળભૂત જાહેર સુવિધાઓ (જેવી કે પાણી, ગટર, સંડાસ, વીજળી, આવાસની પૂરતી જગા, માર્ગો અને અવરજવરનાં સાધનો વગેરે)નાં અભાવ અથવા અછત કાયમી સમસ્યારૂપ છે.

છેલ્લાં પચીસ વર્ષથી ભારતનાં ઔદ્યોગિક કેન્દ્રો અને મહાનગરોમાં થતાં રહેલાં અવિરત સ્થળાંતરને કારણે વસ્તીનો ધસારો ઉત્તરોત્તર વધતો રહ્યો છે. પરિણામે ભારતનાં શહેરોમાં ધર્મ, પ્રાંતીયતા, જ્ઞાતિ, ભાષા જેવાં કારણોને લીધે સામૂહિક સંઘર્ષો થતા રહ્યા છે; જે દેશના વિકાસમાં અવરોધરૂપ બને છે. વિશ્વના અન્ય દેશોમાં પણ આવા સંઘર્ષો થયા હોવાનાં અનેક ઉદાહરણો છે.

ભારતમાં શહેરીકરણ અને ઔદ્યોગિકીકરણના આધુનિક પ્રવાહોને કારણે માનવજીવનની સુખાકારી અને સ્વાસ્થ્યને ભયમાં મૂકે એવી એક ગંભીર સમસ્યા વાતાવરણના પ્રદૂષણની છે. આ ઉપરાંત પાણી અને અવાજનું પ્રદૂષણ પણ વધતું જોવા મળે છે. આ કારણે લોકોના સ્વાસ્થ્ય પર વિપરીત અસર થતી જોવા મળે છે.

ભારતમાં શહેરીકરણ : ભારતમાં શહેરીકરણના ઇતિહાસની તવારીખ ઈ. પૂ. 2500 વર્ષ સુધી લઈ જઈ શકાય તેમ છે. પુરાતત્વવિદોએ કરેલાં સંશોધનોને આધારે જાણવા મળે છે કે સિંધુખીણ સંસ્કૃતિમાં મોહેં-જો-દડો તેમજ હરપ્પા જેવાં પ્રાચીન અને આયોજિત નગરોનું અસ્તિત્વ હતું. કચ્છમાં ધોળાવીરા, સૌરાષ્ટ્રમાં હાલાર અને અમદાવાદ જિલ્લામાં લોથલ જેવાં નગરો વિશે જે પુરાવા ઉપલબ્ધ થયેલા છે તે પણ મહત્વના નગર-સંસ્થાનની સાબિતી આપે છે. ઈ. પૂ. આશરે 1400ના ગાળામાં આર્યો જ્યારે ભારતમાં આવ્યા ત્યારે તેમણે અહીં અસ્તિત્વ ધરાવતાં નગરોનો નાશ કર્યો; તેથી જ વૈદિક યુગમાંના શહેરી જીવન વિશેની માહિતી ઉપલબ્ધ થતી નથી.

વૈદિક યુગ પછીના ભારતમાં નગરીય વિકાસના ક્ષેત્રે રાજકીય પરિબળનું મહત્વ વધી ગયું. તે વખતે ભારત નાનાં-મોટાં અનેક રજવાડાંઓમાં વહેંચાયેલું હોવાથી દરેક રજવાડાનું કે રાજ્યનું રાજધાનીનું અલગ નગર ઊભું થયું. આવાં પ્રાચીન નગરોમાં કાશી, પ્રયાગ, અયોધ્યા, હરદ્વાર…. વગેરેનો ઉલ્લેખ કરી શકાય. તે પછી મૌર્યકાળમાં શહેરોની સંખ્યામાં વધારો થયો  તેમાં નાલંદા, મેરઠ, પાટલીપુત્ર, સારનાથ, વારાણસી વગેરેને ગણાવી શકાય.

મુસ્લિમ યુગના ઉદયની સાથે નગરોના વિકાસમાં નવો વળાંક આવ્યો. મુસ્લિમ શાસકોએ ભારતનાં મુખ્ય ધાર્મિક અને રાજકીય દૃદૃષ્ટિએ મહત્વનાં નગરો પર આક્રમણ કરી, લૂંટ ચલાવી તેમનો ધ્વંસ કર્યો. આના શ્રેષ્ઠ ઉદાહરણ તરીકે સોમનાથને લઈ શકાય. બીજી બાજુ પોતાનાં વહીવટી કાર્યો કરવા અને લશ્કરી સૈનિકોને વસાવવા નવાં નગરો ઊભાં કર્યાં. દિલ્હી, આગ્રા અને દોલતાબાદ આનાં ઉદાહરણો છે. આ ઉપરાંત સૂરત, ખંભાત વગેરે બંદરીય શહેરોનો વિકાસ થયો.

બ્રિટિશ યુગ પહેલાંના ભારતમાં જુદા જુદા વંશના રાજાઓએ વિવિધ તબક્કે જે જે રાજધાનીનાં નગરો વસાવ્યાં ત્યાં તેમણે સ્થાપત્ય, કલાકારીગરી, કેળવણી, સંગીત, સાહિત્ય અને ધર્મને પ્રોત્સાહન આપ્યું. તેથી જ તો આવી રાજધાનીઓનાં નગરોની બાંધણીમાં – સ્થાપત્યમાં અને આયોજનમાં જુદી જુદી સંસ્કૃતિનાં તત્વો તરી આવે છે.

બ્રિટિશ અમલ દરમિયાન ઔદ્યોગિકીકરણ, પરિવહનનાં સાધનોનો વિકાસ, શિક્ષણ-વિકાસ જેવાં પરિબળોને કારણે શહેરીકરણની પ્રક્રિયાને વેગ મળ્યો. બ્રિટિશ શાસન વખતે જ વસ્તી-ગણતરીનો પ્રારંભ થયો – પરિણામે શહેરીકરણનું પ્રમાણ જાણી શકાયું; જેમ કે, 1872માં શહેરી વસ્તી અને ગ્રામીણ વસ્તીની ટકાવારી અનુક્રમે 8.72 અને 91.28 હતી. 1941માં તે અનુક્રમે 13.85 અને 86.15 થઈ હતી. અર્થાx શહેરી વસ્તીમાં 5 % જેટલી વૃદ્ધિ થવા પામેલી. બીજી રીતે જોતાં ગ્રામીણ વસ્તી 5 % ઘટી હતી. આ ઘટના ગ્રામીણ વસ્તીનું શહેરોમાં થયેલું સ્થળાંતર સૂચવે છે. 1901માં શહેરી વસ્તી 25.85 મિલિયન અને શહેરોની સંખ્યા 1,917 હતી. 1941માં તે અનુક્રમે 44.15 મિલિયન અને 2,424 હતી; અર્થાx 1901થી 1941ના ચાર દાયકામાં શહેરી વસ્તીમાં 8.32 % જેટલી વૃદ્ધિ થઈ હતી. એ જ ગાળામાં 507 જેટલાં શહેરોનો વધારો થયો હતો.

બ્રિટિશ શાસનકાળ દરમિયાન ઔદ્યોગિક વિકાસ તથા પરિવહનનાં સાધનોનો વિકાસ થયો હોવાથી નવાં શહેરો તો અસ્તિત્વમાં આવ્યાં, પરંતુ બીજી બાજુ ગૃહઉદ્યોગો ઓછા થતા ગયા, જળમાર્ગો ઘટતા ગયા, તેથી કેટલાંક શહેરો ક્ષીણ થવા લાગ્યાં. સ્વાતંત્ર્ય પૂર્વેના ભારતમાં શહેરીકરણની પ્રક્રિયા જોતાં જણાય છે કે કેટલાંક શહેરો ક્ષીણ તો થયાં, જ્યારે બીજાં કેટલાંક શહેરોનું નિર્માણ પણ થયું. એકંદરે શહેરી વસ્તી ઉત્તરોત્તર વધતી ગઈ, તે સાથે શહેરોનાં કદ, ઘનતા અને સંખ્યામાં વૃદ્ધિ થવા પામી.

સ્વાતંત્ર્યોતર ભારતમાં શહેરીકરણને વેગ મળ્યો. શહેરી સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો થયો. આથી ગ્રામીણ વસ્તીની ટકાવારીમાં ઉત્તરોત્તર ઘટાડો થયો. 1951માં શહેરી વસ્તી 6 કરોડથી વધુ હતી; કુલ વસ્તીમાં શહેરી વસ્તીની ટકાવારી 17.3 % હતી. 1991માં શહેરી વસ્તી 21 કરોડથી વધુ થઈ અને શહેરી વસ્તીની ટકાવારી 25.7 જેટલી હતી. શહેરોની સંખ્યા જોઈએ તો, 1971, 1981માં અનુક્રમે 2,590 અને 3,378 હતી; જ્યારે 1991માં નાનાં શહેરોની સંખ્યા ઘટી જતાં 3,768 થઈ હતી.

ભારતનાં મહાનગરોની સંખ્યામાં તેમજ તેમનાં કદમાં પણ નોંધપાત્ર વધારો થતો રહ્યો છે. 1951માં 10 લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરો-(મહાનગરો)ની સંખ્યા 5 હતી, તે 1991માં વધીને 23 થઈ છે.

ગુજરાતમાં શહેરીકરણ : ગુજરાતમાં આવેલાં નગરો(શહેરો)નો ઇતિહાસ ઘણો પ્રાચીન છે. સિંધુ ખીણ સંસ્કૃતિનાં લોથલ, સુરકોટડા અને કચ્છમાં રાપર પાસે મળી આવેલ ધોળાવીરાનાં પ્રાચીન નગરોના અવશેષો તેની સાબિતીરૂપ ગણાય. જૂના સમયમાં દ્વારકા, ભરૂચ, પાટણ, વલભીપુર અને ખંભાત મહત્વનાં નગરો હતાં. મધ્યયુગમાં અમદાવાદ, ચાંપાનેર અને બીજાં નાનાં નગરોએ મહત્વનું સ્થાન પ્રાપ્ત કર્યું હતું. બ્રિટિશ યુગમાં પણ અનેક શહેરો નિર્માણ પામ્યાં. તે ઉપરાંત હાલમાં ગાંધીનગર, વલ્લભવિદ્યાનગર, ફર્ટિલાઇઝરનગર તેમજ બીજાં અનેક નગરો અસ્તિત્વમાં આવ્યાં છે.

આજે ગુજરાતે દેશમાં ઔદ્યોગિકીકરણના અને શહેરીકરણના ક્ષેત્રે  આગવું સ્થાન મેળવ્યું છે. 2004 મુજબ ગુજરાતમાંનો શહેરી વિસ્તાર 1,42,46,000 ચોકિમી. જેટલો છે. ભારતનાં બીજાં રાજ્યોની જેમ ગુજરાતમાં પણ પ્રત્યેક દાયકામાં નગરસમુદાયોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો નોંધાતો આવ્યો છે. 1901માં ગુજરાતમાં નાનાંમોટાં કુલ 165 કેન્દ્રો નગરસમુદાય શ્રેણીમાં આવતાં હતાં, તેની સંખ્યા 2001માં વધીને 267 નગરોની થઈ છે. જોકે ભારતના બીજા પ્રદેશોની જેમ ગુજરાતમાં પણ કુલ નગરોની સંખ્યામાં મોટાં નગરોની સંખ્યા ઓછી છે; જેમ કે ભારતમાં એક લાખથી વધુ વસ્તી ધરાવતાં શહેરોની સંખ્યા માત્ર 1,22,291 છે. જ્યારે ગુજરાતમાં 264 (1991) છે.

ભારતના બીજા પ્રદેશોની જેમ ગુજરાતમાં પણ શહેરીકરણના પ્રવાહો ઉત્તરોત્તર વ્યાપક સ્વરૂપ ધારણ કરતા જાય છે અને શહેરી વસ્તીમાં સતત વધારો નોંધાતો જાય છે. દક્ષિણ ગુજરાતમાં ડાંગ જિલ્લાને બાકાત કરતાં મોટાભાગના જિલ્લાઓનો ઔદ્યોગિક વિકાસ થયો હોવાથી ગુજરાતની કુલ વસ્તીનો લગભગ પાંચમો ભાગ દક્ષિણ ગુજરાતનાં નગરોમાં વસે છે. સૌથી ઓછું શહેરીકરણ કચ્છમાં જોવા મળે છે, તેથી ત્યાં શહેરી વસ્તીનું પ્રમાણ અત્યંત ઓછું છે.

ગુજરાતે ઔદ્યોગિક ક્ષેત્રે જે પ્રગતિ હાંસલ કરી છે તેને લીધે ગુજરાતમાંથી તેમજ ગુજરાત બહારના પ્રદેશોમાંથી ઔદ્યોગિક કેન્દ્રો તરીકે ઊપસી આવેલાં નગરોમાં સ્થળાંતરવાસીઓના ધસારાને લીધે શહેરી જીવનમાં કેટલીક સમસ્યાઓ ઊભી થયેલી છે. આજે તો ગુજરાતનાં શહેરોમાં ભારતનાં લગભગ પ્રત્યેક રાજ્યમાંથી સ્થળાંતર કરીને આવેલા લોકો વસતા જોઈ શકાય છે.

નીતિન કોઠારી