શંકર (. 15 ઑક્ટોબર 1922, પંજાબ; . 1987, મુંબઈ) : ચલચિત્રોના સંગીત-નિર્દેશક જયકિશન સાથે મળીને શંકર-જયકિશન નામે હિંદી સહિત ભારતીય ભાષાઓનાં અનેક ચિત્રોમાં સંગીતકાર બેલડી તરીકે લોકપ્રિયતા મેળવનાર શંકરનું મૂળ નામ હતું શંકરસિંહ રામસિંહ રઘુવંશી. તેઓ નાના હતા ત્યારે પિતા આંધ્રપ્રદેશના હૈદરાબાદમાં સ્થાયી થયા. શંકરનું બાળપણ અને કિશોરાવસ્થા ત્યાં જ વીત્યાં. નાની ઉંમરે જ તેમણે નૃત્યની અને તબલાં, પખાવજ અને અન્ય વાદ્યોના વાદનની તાલીમ લીધી. સ્થાનિક મંદિરોમાં આરતી અને કીર્તન વગેરે કાર્યક્રમો વખતે તેઓ તબલાં વગાડવા જતા. અખાડામાં જઈને કુસ્તી કરવાનો પણ તેમને શોખ હતો. યુવાવસ્થામાં પગ મૂકતાં જ શંકર મુંબઈ આવ્યા. પહેલવાની કરવા મળે તો એ માટે પણ તેઓ તૈયાર હતા, પણ પહેલાં તેઓ એક નૃત્યમંડળી સાથે જોડાયા અને પછી તબલાંવાદક તરીકે પૃથ્વી થિયેટર્સ સાથે જોડાયા. એક દિગ્દર્શકને ત્યાં જયકિશન સાથે તેમની મુલાકાત થઈ. અભિનેતા બનવા મુંબઈ આવેલા જયકિશન ત્યારે એક કારખાનામાં કારકુન તરીકે નોકરી કરતા હતા. શંકરના કહેવાથી તેઓ પણ પૃથ્વી થિયેટર્સ સાથે જોડાયા. થોડા જ સમયમાં બંને આ સંસ્થાના સંગીતકાર રામ ગાંગુલીના સહાયક બની ગયા. એ સમયગાળામાં રાજકપૂરે નિર્માતા તરીકે તેમના પ્રથમ ચલચિત્ર ‘આગ’ સાથે ‘આર. કે. ફિલ્મ્સ’ની સ્થાપના કરી હતી.

શંકર – તેમના સહયોગી જયકિશન સાથે

‘આગ’નું સંગીત ખૂબ લોકપ્રિય થયું હતું. તેમાં શંકર અને જયકિશન બંનેનું યોગદાન જોઈને રાજકપૂરે તેમના નવા ચિત્ર ‘બરસાત’નું સંગીત આ બેલડીને સોંપી દીધું. આ ચિત્રનાં તમામ ગીતો અત્યંત લોકપ્રિય થયાં. એ પછી એક પછી એક ચિત્રોમાં તેમને સફળતા મળતી રહી. એક સમયગાળો એવો હતો કે સંગીત-નિર્દેશક તરીકે આ બેલડીની લોકપ્રિયતા તમામ સંગીતકારો કરતાં વધુ હતી. ઘણા નિર્માતાઓનાં ચિત્રોમાં તેમણે સંગીત આપ્યું, પણ રાજકપૂર સાથે વર્ષો સુધી તેમનો નાતો રહ્યો. 1971માં જયકિશનના નિધન પછી શંકરે ચિત્રોમાં શંકર-જયકિશનના નામે જ સંગીત આપવાનું ચાલુ રાખ્યું હતું, જોકે 1960 અને 1970ના દાયકામાં તેમના સંગીતનો જે જાદુ હતો તે ઓસરવા માંડ્યો હતો. 1948થી 1971 સુધી બંનેએ સાથે મળીને લગભગ દોઢસો જેટલાં ચિત્રોમાં અનેક ગીતો સંગીતબદ્ધ કર્યાં હતાં, પણ કયા ગીતમાં કોનું યોગદાન વધારે હતું એ ક્યારેય કહી શકાતું નહોતું. શંકર-જયકિશન બેલડીને 1957માં ‘ચોરી ચોરી’, 1960માં ‘અનાડી’, 1961માં ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ’, 1963માં ‘પ્રોફેસર’, 1967માં ‘સૂરજ’, 1969માં ‘બ્રહ્મચારી’, 1971માં ‘પેહચાન’, 1972માં ‘મેરા નામ જોકર’ અને 1973માં ‘બેઇમાન’ના સંગીત માટે ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યા હતા.

જયકિશન સાથે શંકરનાં નોંધપાત્ર ગીતો : ‘હવા મેં ઊડતા જાયે મેરા લાલ દુપટ્ટા મલમલ કા’, ‘બરસાત મેં હમ સે મિલે તુમ સજન’ (‘બરસાત’, 1949); ‘તેરે બિના આગ યે ચાંદની’, ‘ઘર આયા મેરા પરદેશી’ (‘આવારા’, 1951); ‘અય મેરે દિલ કહીં ઓર ચલ’ (‘દાગ’, 1952); ‘રાજા કી આયેગી બારાત’ (‘આહ’, 1953); ‘અંધે જહાન કે અંધે રાસ્તે’ (‘પતિતા’, 1953); ‘તુમ્હારે હૈં તુમ સે દયા માંગતે હૈં’, ‘નન્હે મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ ?’ (‘બુટપૉલિશ’, 1954); ‘મેરા જૂતા હૈ જાપાની’, ‘પ્યાર હુઆ ઇકરાર હુઆ’ (‘શ્રી 420’, 1955); ‘તૂ પ્યાર કા સાગર હૈ’ (‘સીમા’, 1955); ‘આ જા સનમ, મધુર ચાંદની મેં હમ’ (‘ચોરી ચોરી’, 1956); ‘આયે બહાર બન કે લુભા કે ચલે ગયે’ (‘રાજહઠ’, 1956); ‘મંઝિલ વો હી હૈ પ્યાર કી’ (‘કઠપૂતલી’, 1957); ‘સબ કુછ સીખા હમને’ (‘અનાડી’, 1959); ‘તેરા જલવા જિસને દેખા’ (‘ઉજાલા’, 1959); ‘ઓ બસંતી, પવન પાગલ’ (‘જિસ દેશ મેં ગંગા બહતી હૈ’, 1960); ‘તેરી પ્યારી પ્યારી સૂરત કો’ (‘સસુરાલ’, 1961); ‘એહસાન તેરા હોગા મુજ પર’ (‘જંગલી’, 1961); ‘આજ કલમેં ઢલ ગયા’ (‘બેટીબેટે’, 1964); ‘યે મેરા પ્રેમપત્ર પઢકર’ (‘સંગમ’, 1964); ‘તુમને પુકારા ઔર હમ ચલે આયે’ (‘રાજકુમાર’, 1964); ‘બેદર્દી બાલમા તુઝ કો મેરા મન’ (‘આરઝૂ’, 1965); ‘સજન રે જૂઠ મત બોલો’ (‘તીસરી કસમ’, 1966); ‘જાને કહાં ગયે વો દિન’ (‘મેરા નામ જોકર’, 1970).

હરસુખ થાનકી