શર્મા, શ્રીરામ (જ. 20 સપ્ટેમ્બર 1911, આંવલખેડા, જિ. આગ્રા; અ. 2 જૂન 1990) : ગાયત્રી મહાવિદ્યાના જાણીતા ઉદ્ધારક અને પ્રચારક.

તેઓનો જન્મ એક જમીનદાર કુટુંબમાં થયો હતો. તેમના પિતા પંડિત રૂપકિશોર શર્મા તે સમયના રાજવી કુટુંબોમાં રાજપુરોહિત તરીકે અને ભાગવતના કથાકાર તરીકે પ્રસિદ્ધ હતા. દાનકુંવરીદેવી તેમનાં માતા હતાં.

શર્મા શ્રીરામ

શ્રીરામ શર્માની સાધના પ્રત્યેની રુચિ નાનપણથી જ હતી. તેમના સહાધ્યાયીઓને અને બાળકોને આંબાવાડીમાં બેસાડીને સંસ્કારી બનાવનારી આત્મવિદ્યાનું શિક્ષણ તેઓ આપતા. નાતજાતમાં તેઓ માનતા નહિ. કુષ્ઠરોગથી પીડિત એક અછૂત વૃદ્ધ સ્ત્રીની સેવા તેમણે તેના જ વાસમાં રહીને કરી હતી. આ ઘટનાને કારણે તેમના કુટુંબના જબરદસ્ત વિરોધનો સામનો તેમણે કરવો પડ્યો હતો. પરંતુ પોતાના નિર્ણયમાંથી તેઓ ડગ્યા નહિ. આ રીતે કિશોરાવસ્થામાં જ સમાજસુધારણાની રચનાત્મક પ્રવૃત્તિઓ કરવાની શરૂઆત તેમણે કરી દીધી હતી. જાહેર બજારોમાં જઈ જઈને સ્વાસ્થ્ય-શિક્ષણવિષયક પત્રિકાઓ તેઓ વહેંચતા. પશુધનને કેવી રીતે સુરક્ષિત રાખવું તથા સ્વાવલંબી કેવી રીતે બનવું તદવિષયક નાનાં નાનાં ચોપાનિયાંઓ લખી, હાથે ચાલતા પ્રેસમાં છપાવી, વહેંચતા. તેઓની ઇચ્છા હતી કે લોકોનું માનસ સ્વાવલંબી બને, તેમનામાં રાષ્ટ્ર પ્રત્યે સ્વાભિમાન જાગે. તેમણે નારીશક્તિ અને બેરોજગાર યુવાનો માટે ગામમાં જ એક વણાટકેન્દ્ર સ્થાપ્યું. આ રીતે કાપડ હાથથી કેવી રીતે વણાય અને સ્વનિર્ભર કેવી રીતે થવાય તે શીખવ્યું.

બનારસ હિન્દુ યુનિવર્સિટીના કુલપતિ, દેશભક્ત અને વિદ્વાન પંડિત મદનમોહન માલવિયાજીએ શ્રીરામ શર્માને યજ્ઞોપવીત આપ્યું હતું.

તા. 18–1–1926, વસંતપંચમીના દિવસથી તેઓ હિમાલયના પ્રખર યોગી, સ્વામી સર્વેશ્વરાનંદજીના સંપર્કમાં આવ્યા. સર્વેશ્વરાનંદજીએ તેમને એક વર્ષ સુધી હિમાલયમાં રહી કઠોર તપ કરવાનો નિર્દેશ કરી ત્રણ સંદેશાઓ આપ્યા : (1) ગાયત્રી મહાશક્તિના ચોવીસ-ચોવીસ લાખના ચોવીસ મહાપુરશ્ચરણ આહારમાં સંયમ રાખી પૂરાં કરવાં; (2) અખંડ ઘીના દીવાની સ્થાપના કરવી અને જન-જન સુધી તેના પ્રકાશને ફેલાવવા જ્ઞાનયજ્ઞનું અભિયાન ચલાવવું; (3) ચોવીસ મહાપુરશ્ચરણો દરમિયાન યુગધર્મનું પાલન કરતાં કરતાં રાષ્ટ્ર માટે કંઈક કરવું તથા તેમના (ગુરુના) સંપર્કમાં રહી આગળની ગતિવિધિઓનું માર્ગદર્શન લેવું.

આ ઘટના પછી શ્રીરામ શર્માએ શિસ્તબદ્ધ રીતે 24 મહાપુરશ્ચરણોનો સંકલ્પ પૂરો કર્યો. 24 કરોડ ગાયત્રીમંત્રોના જપ નિષ્ઠાપૂર્વક કર્યા. સાથે સાથે તેઓ ગાંધીજીએ ચીંધેલા સ્વાતંત્ર્ય ચળવળના માર્ગે સક્રિય થયા. કુટુંબનો વિરોધ હોવા છતાં પણ 1927થી 1933 સુધી તેઓ સ્વતંત્ર ચળવળમાં સક્રિય રહ્યા.

તેઓ પગપાળા લાંબી મજલ કાપીને આગ્રાની શિબિરમાં ગયા. છ–છ મહિનાની જેલ પણ તેમને ઘણી વાર થઈ હતી. આસનસોલ જેલમાં પં. જવાહરલાલ નહેરુનાં માતા શ્રીમતી સ્વરૂપરાણી નહેરુ, શ્રી રફી અહમદ કિડવઈ, પં. મદનમોહન માલવિયા, દેવદાસ ગાંધી જેવી વિભૂતિઓ સાથે રહી ઘણી રચનાત્મક પ્રવૃત્તિઓ કરવા માટેની પ્રેરણા તેમણે પ્રાપ્ત કરી. 1935 પછી તેમના જીવનમાં એક નવો તબક્કો શરૂ થયો. તેઓ તેમના ગુરુની પ્રેરણાથી શ્રી અરવિંદને મળવા પુદુચેરી (પોંડિચેરી), ટાગોરને મળવા શાંતિનિકેતન તથા ગાંધીજીને મળવા અમદાવાદ સાબરમતી આશ્રમ ગયા.

વ્યક્તિગત, સામાજિક અને કૌટુંબિક ધોરણોને ઉચ્ચ સ્તરે લઈ જવા માટે તેમણે ‘યુગનિર્માણ યોજના’ની સ્થાપના કરી. સમાજ અને દેશના ઉત્તરોત્તર વિકાસ માટે સ્ત્રીઓનો વિકાસ અને તેમના હક્કોને ખૂબ જ જરૂરી ગણાવ્યા. સ્ત્રીશિક્ષણને પ્રોત્સાહન આપવા માટે ઈ. સ. 1942માં ‘મહિલા કૉલેજ’ની સ્થાપના કરવામાં મહત્વપૂર્ણ ભાગ ભજવ્યો. ધાર્મિક ક્ષેત્રે પણ સ્ત્રીઓના અધિકાર, બાળલગ્નો, કુરિવાજો, ભપકાદાર લગ્નો, દહેજપ્રથા, સ્ત્રીઓ પરના અત્યાચારોને દૂર કરવાના પણ પ્રયત્નો પોતાના લેખો અને પ્રવચનો દ્વારા કર્યા. 1943માં શ્રી ભગવતીદેવી સાથે તેમનાં લગ્ન થયાં અને ત્યારથી આ દંપતીએ માનવજીવનની આધ્યાત્મિક સુધારણામાં મહત્વપૂર્ણ ફાળો આપ્યો.

ઈ. સ. 1953માં શ્રીરામ શર્મા આચાર્યે મથુરામાં 24 મહાપુરશ્ચરણના અંતિમ દોર વખતે ‘ગાયત્રી તપોભૂમિ’ની સ્થાપના કરી. 1956માં નરમેધ યજ્ઞ, 1958માં સહસ્રકુંડી યજ્ઞ કરાવી લાખો ગાયત્રી સાધકોને એકત્ર કરી તેમણે ‘ગાયત્રી પરિવાર’નાં બીજ રોપ્યાં. 1958માં કારતકી પૂનમના રોજ આયોજિત કાર્યક્રમમાં 10 લાખ લોકોએ ભાગ લીધો. સંગઠનનો કાર્યભાર પત્ની ભગવતીદેવી શર્માને સોંપી 1959માં પોણા બે વર્ષ માટે તેઓ હિમાલય ચાલ્યા ગયા. ત્યાં તપોવનના નંદનવનમાં અનેક તપસ્વીઓ સાથે મુલાકાત લીધી તથા ગંગોત્રીમાં રહીને આર્ષગ્રંથો ઉપર ભાષ્યો લખવાનો પ્રારંભ કર્યો. હિમાલયથી પાછા ફરી વેદ, ઉપનિષદ, આરણ્યક, બ્રાહ્મણગ્રંથો, સ્મૃતિ, યોગવાસિષ્ઠ, મંત્રમહાવિજ્ઞાન, તન્ત્રમહાવિજ્ઞાન જેવા ગ્રંથોનું પ્રકાશન કર્યું.

1970–71માં ‘ગાયત્રી તપોભૂમિ’ મથુરામાં એક બાજુ વિભિન્ન શિબિરોનું આયોજન થતું ગયું અને બીજી બાજુ સમગ્ર દેશમાં પાંચ 1008 કૂંડી-યજ્ઞોનું આયોજન પણ કરવામાં આવ્યું. જૂન, 1971માં એક વિરાટ સંમેલનને સંગઠનનું કાર્ય આગળ ધપાવવાનું સોંપી 1 વર્ષ માટે પોતે પુન: હિમાલય ચાલ્યા ગયા. હિમાલયથી પરત ફરી ‘બ્રહ્મવર્ચસ્ શોધ સંસ્થાન’ જેવી સૌથી મહત્વપૂર્ણ સંસ્થાની સ્થાપના કરી. અહીં વિજ્ઞાન અને અધ્યાત્મનાં સમન્વયાત્મક તથ્યો શોધીને એક નવા ધર્મની સ્થાપનાનો પાયો નાંખ્યો. અર્દશ્ય જગત સાથેના અનુસંધાનથી માંડીને મનુષ્યની પ્રસ્તુત ક્ષમતાની જાગૃતિ માટેની સાધના, દર્શન અને વિજ્ઞાનના તર્કોવિષયક તથ્યો પ્રમાણ સાથે સિદ્ધ કરી બતાવ્યાં. વનૌષધિઓ, જડીબુટ્ટીઓ, યજ્ઞવિજ્ઞાન તથા મંત્રશક્તિની સાર્થકતા સિદ્ધ કરવા માટે તેમણે સાધકો ઉપર સફળ પ્રયોગો કરી બતાવ્યા. આ નિષ્કર્ષોએ પ્રમાણિત કર્યું કે ધ્યાન, સાધના, મંત્રચિકિત્સા અને યજ્ઞોપથી  એ બધું વિજ્ઞાનસંમત છે. 1971–1990નો સમય પં. શ્રીરામ શર્મા માટે તેમના જીવનની વિવિધ સિદ્ધિઓ હાંસલ કરવા માટે મહત્વનો રહ્યો.

હિમાલયની અધ્યાત્મયાત્રાનું ચઢાણ તેમણે અસંખ્ય વાર કર્યું અને તેમના ગુરુના માર્ગદર્શન હેઠળ અનેકવિધ સાધનાઓ કરી. 1971માં તેમણે હરદ્વારમાં ‘શાંતિકુંજ આશ્રમ’ને મુખ્ય મથક બનાવ્યું, જે આધ્યાત્મિક અને સૈદ્ધાંતિક મૂલ્યોનું જાગૃતિકેન્દ્ર બન્યું. અહીં તેમણે પ્રાચીન ભારતીય આધ્યાત્મિક મૂલ્યોની પુન:સ્થાપના કરી.

એમણે 1984–1986 દરમિયાન જેને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શક્તિનો મોટો સ્રોત માનવામાં આવે છે એવા સૂક્ષ્મીકરણના આધ્યાત્મિક પ્રયોગો કરાવ્યા. આ સંદર્ભનાં તેમણે 20 પુસ્તકોની ગ્રંથમાળા પ્રકાશિત કરી. તે ‘ક્રાંતિકારી સાહિત્ય’ અથવા ‘ક્રાંતિધર્મી સાહિત્ય’ તરીકે ઓળખાય છે. આ ગ્રંથોમાં તેમણે ભવિષ્યના જગતની ઝાંખી અને 21મી સદીના નવયુગનું પ્રભાત કેવું હશે – તદવિષયક ચર્ચાઓ કરી છે.

ઈ. સ. 1939માં ‘અખંડ જ્યોતિ’ નામની પત્રિકા દ્વારા શ્રીરામ શર્માએ વિચારક્રાંતિની ચળવળ શરૂ કરી હતી. તેમણે માનવજીવનને સ્પર્શતા લગભગ બધા જ વિષયો ઉપર 3000 જેટલાં પ્રેરક પુસ્તકો હિન્દીમાં લખ્યાં. તેમણે પૌરાણિક શૈલીનાં ચાર ‘પ્રજ્ઞાપુરાણો’ આધુનિક સમયમાં વૈશ્વિક શૈક્ષણિક સ્તરે ઉપયોગી અને આજની ઘટનાઓ સાથે બંધબેસતી કથાઓ–ઉદાહરણો આપીને લખ્યાં છે. તેમના વૈશ્વિક જ્ઞાન અને ભારતીય સંસ્કૃતિના સંવર્ધન માટેના અમૂલ્ય પ્રદાનની પ્રશંસા ડૉ. રાધાકૃષ્ણન્ અને આચાર્ય વિનોબા ભાવેએ પણ કરી હતી. તેમને ‘વેદમૂર્તિ’ એવું સાર્થક બિરુદ મળ્યું હતું. શ્રીરામ શર્માએ આજીવન કોઈ પણ ઍવૉર્ડ, પુરસ્કાર સ્વીકાર્યા ન હતા. તેમની સ્મૃતિમાં ભારત સરકારે 1992માં ટપાલટિકિટ બહાર પાડી હતી.

રવીન્દ્ર ખાંડવાળા