શર્મા, શ્રીમન્નથુરામ (જ. 10 ઑક્ટોબર 1858, મોજીદડ, લીંબડી, સૌરાષ્ટ્ર; અ. 16 ઑક્ટોબર 1941, બીલખા) : સૌરાષ્ટ્રના મહાન સંત. તેમનો જન્મ ઔદીચ્ય બ્રાહ્મણ કુટુંબમાં થયો હતો. તેમના પિતાશ્રીનું નામ પીતાંબર રાવળ અને માતાનું નામ નંદુબા હતું. તેમણે મોજીદડ અને ચુડાની પ્રાથમિક શાળામાં શિક્ષણ મેળવ્યું હતું. તેમણે ચોટીલા પાસેના મેવાસા ગામે જ્યોતિષનો અભ્યાસ પણ કર્યો હતો. તેમણે અડવાણા, લીંબુડા અને જાફરાબાદમાં પ્રાથમિક શિક્ષકની નોકરી કરી હતી. તે ગામોમાં, મોટી ઉંમરના લોકોને ભેગા કરીને સત્સંગ કરતા અને આધ્યાત્મિક ચર્ચા કરતા. તેમના જ્ઞાનથી ત્યાં લોકો પ્રભાવિત થતા હતા.
તેમનાં લગ્ન કરવાનું નક્કી થયું ત્યારે ગૃહત્યાગ કરીને હિમાલય ગયા. કેટલોક સમય ઉપવાસો કરી, અષ્ટાંગ યોગની સિદ્ધિ મેળવી. એમ કહેવાય છે કે તેમને ભગવાન શંકરનાં દર્શન થયાં હતાં. ત્યારથી તેઓ ‘નાથ ભગવાન’ તરીકે પ્રસિદ્ધ થયેલા.
તેમણે જૂનાગઢ પાસે બીલખામાં આનંદાશ્રમની સ્થાપના કરી. તેમના આશ્રમમાં સંધ્યાવંદન આદિ આચાર, વર્ણશુદ્ધિ, શાસ્ત્રગ્રંથોનું સંપાદન, પઠન-પાઠન, આધ્યાત્મિક ચર્ચાઓ વગેરે પ્રવૃત્તિઓ કરવામાં આવતી હતી. ધર્મપ્રચાર માટે બીલખા ઉપરાંત તેમના આશ્રમો પોરબંદર, મોજીદડ, લીંબુડા, ધ્રાફા, કરાંચી અને અમદાવાદ મુકામે સ્થાપવામાં આવ્યા હતા. પાકિસ્તાનની રચના થયા પછી, કરાંચીનો આશ્રમ બંધ થયો અને ત્યાંના શિષ્યો ભારતમાં આવીને રહ્યા.
તેમણે સનાતન ધર્મના ઉપદેશકો તૈયાર કરવા વાસ્તે શ્રી દક્ષિણામૂર્તિ સનાતન ધર્મવિદ્યાલય તથા તદંગભૂત શ્રી દક્ષિણામૂર્તિ સંસ્કૃત પાઠશાળા બીલખામાં સ્થાપી.
તેઓશ્રીએ ભક્તિયોગ અને જ્ઞાનવિષયક 117 જેટલા ગ્રંથો રચ્યા છે. તેમાં ‘વેદાંતદર્શન’, ‘પાતંજલ યોગદર્શન’, ‘યોગકૌસ્તુભ’, ‘નાથસ્વરોદય’, ‘સાંખ્ય-પ્રવચન’, ‘શ્રીનાથસાધના’, ‘સદુપદેશ દિવાકર’ વગેરેનો સમાવેશ થાય છે. તેમણે અનેક ગામોના પ્રવાસો યોજી લોકોને ધર્મનાં રહસ્યો સમજાવ્યાં તથા ધર્મનો પ્રચાર કર્યો હતો.
તેઓ સનાતન ધર્મનો પ્રચાર તથા તેનાં સંરક્ષણ અને સંવર્ધન કરવાનું કામ કરતા અને પોતાના શિષ્યો દ્વારા ધર્મની પ્રવૃત્તિ અખંડિત ચાલુ રાખતા હતા. મિશનરીઓની જેમ મુસાફરી કરીને તેઓ જાતે અને તેમના શિષ્યો કથા, વાર્તા, તથા વ્યાખ્યાનો દ્વારા ધર્મપ્રચાર કરતા હતા.
ધૂમકેતુ, નાનાભાઈ ભટ્ટ અને ગિજુભાઈ બધેકા જેવા લેખકો અને કેળવણીકારોના જીવનઘડતરમાં શ્રીમન્નું પ્રદાન નોંધપાત્ર રહેલું છે. તેમની પ્રેરણાથી નાનાભાઈ ભટ્ટે ભાવનગરમાં દક્ષિણામૂર્તિ સંસ્થાની સ્થાપના કરી હતી.
તેઓશ્રીએ ગુજરાત-સૌરાષ્ટ્રના સંખ્યાબંધ લોકોને ધર્માભિમુખ કર્યા. તેમના શિષ્યોએ વિદેશોમાં મંડળો સ્થાપ્યાં છે.
પ્રદ્યુમ્ન ભ. ખાચર