શર્મા, શેષેન્દ્ર (. 20 ઑક્ટોબર 1927, નાગરાજુપડુ, જિ. નેલોર, આંધપ્રદેશ) : તેલુગુ કવિ અને વિદ્વાન. આંધ્ર યુનિવર્સિટીમાંથી બી.એ. અને મદ્રાસ યુનિવર્સિટીમાંથી બી.એલ.ની ડિગ્રી મેળવી.

તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : આંધ્ર પ્રદેશ સરકારમાંથી મ્યુનિસિપલ કમિશનર તરીકે નિવૃત્ત; ઉપપ્રમુખ, ઇન્ડિયન લગ્વેજ ફૉરમ, હૈદરાબાદ; સ્થાપક, કવિસેના 1974; સભ્ય, આંધ્ર પ્રદેશ સાહિત્ય અકાદમી; મુલાકાતી પ્રાધ્યાપક, એસ. વી. યુનિવર્સિટી, તિરુપતિ, 1979 વગેરે.

તેમને મળેલાં સન્માન આ પ્રમાણે છે : રાષ્ટ્રીય સાંસ્કૃતિક એકતા પુરસ્કાર, 1994; કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ, 1994; કોલકાતાનો ભારતીય ભાષા પરિષદ ઍવૉર્ડ વગેરે. આ ઉપરાંત રાજભાષા કમિશન તરફથી ‘રાષ્ટ્રેન્દુ’નો ખિતાબ, તેલુગુ યુનિવર્સિટી તરફથી ડી. લિટ.ની માનાર્હ ડિગ્રી અને કેન્દ્રીય સાહિત્ય અકાદમીના ફેલો તરીકે નિયુક્તિ.

તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે : ‘શેષજ્યોત્સના’ (1972), ‘મુંદે સૂર્યુડુ’ (1947), ‘રક્તરેખા’ (1974), ‘ના દેશમ્, ના પ્રજાલુ’ (1975), ‘ની રૈ પારી પોયિન્દિ’ (1976), ‘પ્રેમલેબાલુ’ (1980)  એ કાવ્યસંગ્રહો; ‘કાલરેખા’ (1994), ‘નારુ દુ નક્ષત્રાલુ’ અને ‘ઊહેલો’ – એ તમામ નિબંધસંચય. તેમની કૃતિઓના હિંદી, ઉર્દૂ, તમિળ, અંગ્રેજી તથા ગ્રીક ભાષામાં અનુવાદ થયા છે. તેમણે વાલ્મીકિના ‘રામાયણ’ તથા હર્ષના ‘નૈષધીય’ પર ટીકાઓ લખી છે.

મહેશ ચોકસી