શર્મા, રામકરણ (જ. 20 માર્ચ 1927, શિવપુર, જિ. સારન, બિહાર) : સંસ્કૃતના વિદ્વાન અને કવિ. પટના યુનિવર્સિટીમાંથી સંસ્કૃત અને હિંદીમાં એમ.એ.; આ ઉપરાંત ‘સાહિત્યાચાર્ય’, વ્યાકરણશાસ્ત્રી તથા વેદાંતશાસ્ત્રી. કૅલિફૉર્નિયા યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. અધ્યાપન, સંશોધન અને લેખન તેમની મુખ્ય પ્રવૃત્તિ. તેમને તેમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘સંધ્યા’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો.
તેમનો કારકિર્દી-આલેખ આ પ્રમાણે છે : ભારત સરકારના (સંસ્કૃત માટેના) ખાસ અધિકારી, 1961-70; નિયામક, રાષ્ટ્રીય સંસ્કૃત સંસ્થાન, 1970-74 અને 1980-83; સંયુક્ત શિક્ષણ સલાહકાર, ભારત સરકાર, 1983-84; વાઇસ-ચાન્સેલર, કે. એસ. ડી. સંસ્કૃત યુનિવર્સિટી, દરભંગા, 1974-80 તેમજ સંપૂર્ણાનંદ સંસ્કૃત યુનિવર્સિટી, વારાણસી, 1984-85; કૉલંબિયા, શિકાગો તથા બિહાર યુનિવર્સિટીમાં મુલાકાતી પ્રાધ્યાપક, 1982, 86, 89, 9192; પ્રમુખ, ઇન્ટરનૅશનલ ઍસોસિયેશન ઑવ્ સંસ્કૃત સ્ટડિઝ વગેરે.
તેમની માતૃભાષા ભોજપુરી (હિંદી) છે; તેમનું લેખનકાર્ય સંસ્કૃત અને અંગ્રેજીમાં છે. તેમનાં પ્રકાશનો આ પ્રમાણે છે. સંસ્કૃતમાં ‘મદાલસા’ (1954), ‘શિવાસુકિયમ્’ (1987), ‘સંધ્યા’ (1987), ‘પાથેયશતકમ્’ (1988), ‘વીણા’ (1990), ‘દીપિકા’ (1992), (એ તમામ કાવ્યસંગ્રહો); ‘સીમા’, (1987), ‘રયિશા’ (1994) (એ બંને નવલકથા); અંગ્રેજીમાં ‘એલિમેન્ટ્સ ઑવ્ પોએટ્રી ઇન ધ મહાભારત’ (1964) (વિવેચના). તેમણે ભારતીય ઔષધવિજ્ઞાન, મહાકાવ્યો તથા પુરાણોના અનુવાદ પણ કર્યા છે.
તેમણે અમેરિકા, યુ.કે., ફ્રાન્સ, જર્મની, સ્વીડન, ઇટાલી, જાપાન, નેપાળ અને ઑસ્ટ્રેલિયાનો પ્રવાસ કર્યો હતો.
તેમને મળેલ સન્માન આ પ્રમાણે છે : કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ 1989; ભારતીય પરિષદ ઍવૉર્ડ 1989 તથા દિલ્હી સંસ્કૃત અકાદમી ઍવૉર્ડ વગેરે. ભારતના રાષ્ટ્રપતિ તરફથી તેમનું સન્માન કરાયું છે.
મહેશ ચોકસી