શર્મા, યાદવેન્દ્ર ‘ચન્દ્ર’

January, 2006

શર્મા, યાદવેન્દ્રચન્દ્ર’ (. 15 ઑગસ્ટ 1932, બિકાનેર, રાજસ્થાન) : હિંદી અને રાજસ્થાની લેખક. તેમણે પંજાબમાંથી પ્રભાકર અને પ્રયાગમાંથી સાહિત્યરત્નની પદવી મેળવી હતી. તેઓ 1958-68 સુધી રાજસ્થાની સાહિત્ય અકાદમીના સભ્ય; 1983-87 સુધી સાહિત્ય અકાદમી, નવી દિલ્હીના રાજસ્થાની સલાહકાર બૉર્ડના સભ્ય રહ્યા હતા. તેમને તેમના વાર્તાસંગ્રહ ‘જમારો’ માટે 1989ના વર્ષનો કેન્દ્રીય સાહિત્ય અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયો હતો.

1950માં તેમણે પારસી રંગભૂમિ પર લખવા માંડ્યું. તેમણે તેમના ત્રૈમાસિક ‘કાળબોધ’નું સંપાદન કર્યું, જેણે તેમને ઘણા સન્માનને પાત્ર ઠેરવ્યા. તેમણે રાજસ્થાનીમાં નવલકથાઓ ‘હું ગોરી કી પિવરી’ (‘હુ ઇઝ માઇ હસ્બંડ’) અને ‘જોગસંજોગ’ તથા વાર્તાસંગ્રહો ‘જમારો’ (‘ધ હોલ સ્પૅન ઑવ્ લાઇફ’) અને ‘ચંદા શેઠાણી’ (‘ચંદા, ધ રિચ મૅન્સ વાઇફ’) આપ્યાં છે. તેમણે હિંદીમાં 60 નવલકથાઓ સહિત રાજસ્થાની અને હિંદીમાં કુલ 80 ગ્રંથો આપ્યા છે. તેમાં 15 વાર્તાસંગ્રહો છે; 4 નાટકો અને સંપાદિત ગ્રંથો ઉપરાંત બાળકો માટેના ગ્રંથોનો સમાવેશ થાય છે. તેમની આ કૃતિઓમાં તેમણે રાજકીય, સામાજિક, ગ્રામીણ, ઐતિહાસિક અને સામંતશાહી પાસાં ખૂબ સફળતાપૂર્વક વણી લીધાં છે.

યાદવેન્દ્ર શર્મા

તેમની હિંદી નવલકથાઓમાં ‘સંન્યાસી ઓર સુંદરી’ (1955); ‘એક ઔર મુખ્ય મંત્રી’ (1973); ‘હઝાર ચોરોં કા સવાર’ (1981) અને ‘ઢોલન કુંજકલી’(1983)નો સમાવેશ થાય છે. ‘મેરી પ્રિય કહાનિયાં’ (1985); ‘વિશિષ્ટ કહાનિયાં’ (1996) તેમના લોકપ્રિય વાર્તાસંગ્રહો છે. ‘તાસ હો ધર’ (‘હાઉસ ઑવ્ કાર્ડ્સ’) (1973); ‘મૈં અશ્વસ્થામા’ (1989) અને ‘ચાર અજૂબે’ (1995) તેમનાં જાણીતાં નાટકો છે. ‘મેરા તેરા ઉસકા સચ’ (1996) કાવ્યસંગ્રહ છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1972માં રાજસ્થાની સાહિત્ય અકાદમી ઍવૉર્ડ; 1982માં ફણીશ્વરનાથ રેણુ ઍવૉર્ડ; 1982-83ના વર્ષમાં મીરા ઍવૉર્ડ વગેરે પ્રાપ્ત થયેલા.

તેમની પુરસ્કૃત કૃતિ ‘જમારો’ રાજસ્થાની વાર્તાસંગ્રહ છે. તેમાં સ્થાનિક બોલી મારફત રાજસ્થાનના સામાજિક જીવનને વણી લેવામાં આવ્યું છે. માનવજીવન અને તત્કાલીન સમાજ વિશેનો તેમનો વિપુલ અનુભવ તેમનાં પાત્રોને જીવંત બનાવે છે. તેઓ રાજસ્થાનીના પ્રમુખ લેખકો પૈકીના એક છે.

બળદેવભાઈ કનીજિયા