શર્મા, રાકેશ (. 1954, પતિયાળા) : ભારતના પ્રથમ અંતરિક્ષયાત્રી. વાયુસેનામાં સ્ક્વૉડ્રન લીડરના પદેથી વિવિધ સૈનિક-વિમાનોના પરીક્ષણ-ચાલક રૂપે તેઓ સેવા આપતા રહેલા. ભારતના અંતરિક્ષ વિકાસ કાર્યક્રમ હેઠળ 30 વર્ષની વયના રાકેશની પ્રથમ અંતરિક્ષયાત્રા માટે વરણી થઈ. પણ ત્યારે ભારત પોતાનું અંતરિક્ષયાન છોડવાની સ્થિતિમાં નહોતું, તેથી રશિયાના સહકારના પ્રસ્તાવનો ભારતે સ્વીકાર કર્યો.

રાકેશ શર્મા

મધ્ય એશિયામાં આવેલા રશિયાઈ અંતરિક્ષમથક બાઇકોનુર ખાતેથી રાકેશ તા. 341984ના દિવસે ગેનાદી સ્ત્રેકાલૉવ તથા યુરી માલિસેવ નામના બે રશિયાઈ અંતરિક્ષયાત્રીઓ (cosmonauts) સાથે અંતરિક્ષમાં ઊપડ્યા. તેમનું યાન સોયુઝ શ્રેણીનું ક્રમાંક ટી-11 હતું. રાકેશ વિશ્વના 138મા અને ભારતના પહેલા અંતરિક્ષયાત્રી થયા. તેમણે 300 કિમી.થી વધારે ઊંચાઈ મેળવી. પૃથ્વીની સાત પ્રદક્ષિણા કરી. અંતરિક્ષમાં અગાઉ તરતા મુકાયેલા સાલ્યુત-7 સાથે તા. 4થીએ સંધાણ કર્યું. સપ્તાહની અંતરિક્ષયાત્રા સફળતાપૂર્વક પતાવી રાકેશના યાને પ્રક્ષેપણકેન્દ્ર બાઇકોનુરથી 600 કિમી. અંતરે આવેલા અર્કાલિક નામના સ્થળે ઉતરાણ કર્યું. ત્યારના વડાપ્રધાન ઇંદિરા ગાંધીના પ્રશ્ન ‘અંતરિક્ષમાંથી ભારત કેવું લાગે છે ?’ના ઉત્તરમાં રાકેશે કહેલું, ‘સારે જહાં સે અચ્છા’.

બંસીધર શુક્લ