શર્મા, મુખરામ પંડિત ‘અશાંત’

January, 2006

શર્મા, મુખરામ પંડિત ‘અશાંત’ (જ. ? પૂંઠી, જિ. મેરઠ; અ. ? મુંબઈ) : હિંદી ચલચિત્રજગતના જાણીતા પટકથા-લેખક તથા ગીતોના અનુવાદક. ‘અશાંત’ એ તેમનું તખલ્લુસ હતું. તેઓ પંડિત મુખરામ શર્મા નામથી ઓળખાતા હતા. તેમનો જન્મ એક ખેડૂત પરિવારમાં થયો હતો. તેમણે સંસ્કૃત વિષયમાં ‘શાસ્ત્રી’ની પદવી તથા પંજાબ યુનિવર્સિટીમાંથી હિંદી(ઑનર્સ)ની સ્નાતક સ્તરની પદવીઓ પ્રાપ્ત કરી હતી. ત્યારબાદ મેરઠ ખાતે તેઓ હિંદી અને સંસ્કૃતનું અધ્યાપન કરવા લાગ્યા. એક વાર તેમની મુંબઈ ચિત્રપટજગત સાથે સંકળાયેલી વ્યક્તિ સાથે આકસ્મિક મુલાકાત થઈ, જેના નિમંત્રણ પર તેઓ 1940ના અરસામાં મેરઠથી મુંબઈ આવ્યા અને કુલાબાથી પ્રકાશિત થતા એક સામયિકમાં લેખક તરીકે જોડાયા. એ જ અરસામાં પુણે ખાતેની ‘પ્રભાત’ ફિલ્મ કંપનીમાં કામ કરતાં અભિનેતા-અભિનેત્રીઓને હિંદી ભાષાના ઉચ્ચાર શીખવવાનું કામ તેમને મળ્યું અને એ રીતે તેમણે ચલચિત્રજગતમાં પ્રવેશ કર્યો (1940). આ કંપનીના પ્રથમ સોપાન ‘સંત જ્ઞાનેશ્વર’ ચલચિત્ર માટે શર્માએ ગીતો તથા થોડાક સંવાદ લખ્યા. ત્યારબાદ ‘સંત સખુ’ માટે પણ તેમણે ગીતો લખ્યાં. ત્યારબાદ મરાઠી ચલચિત્ર ‘દહા વાજતા’ના હિંદી સંસ્કરણ ‘દસ બજે’ માટે સંવાદ અને ગીતો બંને લખ્યાં. આ ચલચિત્રના દિગ્દર્શક રાજા નેને અને પંડિત મુખીરામ શર્મા વચ્ચે મિત્રતા વધી. પરિણામે રાજા નેનેએ ‘પ્રભાત’ કંપની છોડી તેના પગલે મુખીરામ શર્મા પણ તેમાંથી છૂટા થયા. બંનેએ મુંબઈ સ્થળાંતર કર્યું. વી. શાંતારામ દ્વારા નિર્મિત ‘રામશાસ્ત્રી’ના એક લોકપ્રિય મરાઠી ગીત ‘દોન ઘડીચા ડાવ’નો હિંદી અનુવાદ પંડિત શર્માએ કર્યો હતો. રાજા નેને આ ચલચિત્રના અમુક ભાગના દિગ્દર્શક હતા.

‘પ્રભાત’ કંપનીમાંથી છૂટા થયા પછી તેઓ મુંબઈ ખાતેના મોહન સ્ટુડિયોમાં જોડાયા, જેના દ્વારા નિર્મિત ‘વિષ્ણુ ભગવાન’ ખૂબ લોકપ્રિય બન્યું. તેની પટકથા પંડિત શર્માએ લખી હતી. દત્તા ધર્માધિકારી દ્વારા સ્થાપિત ‘આહ્લાદ ચિત્ર’ કંપનીના 1952માં નિર્મિત ‘સ્ત્રી જન્મા હી તુઝી કહાણી’  આ મરાઠી ચલચિત્રની કથાવાર્તા પંડિત શર્માની જ હતી. ભારતના ભાગલા પડ્યા પછી નોઆખલીમાં સ્ત્રીઓ પર જે અત્યાચારો થયા તેની પૃષ્ઠભૂમિ પર પંડિત શર્માએ તેની પટકથા લખી હતી. 1976માં મુંબઈ ખાતે આયોજિત આંતરરાષ્ટ્રીય ચલચિત્ર મહોત્સવમાં આ ચલચિત્ર પ્રદર્શિત કરવામાં આવ્યું હતું.

મુખરામ શર્મા ‘અશાંત’

ચલચિત્રજગતની પોતાની કારકિર્દી દરમિયાન પંડિત શર્માએ આશરે 200 જેટલાં ચલચિત્રોની પટકથાઓ-સંવાદો લખ્યાં હતાં; જેમાં બી. આર. ફિલ્મ્સના નેજા હેઠળ નિર્મિત ‘ધૂલ કા ફૂલ’ (દિગ્દર્શન યશ ચોપડા) અને ‘સાધના’ ઉપરાંત ‘વિષ્ણુ પુરાણ’, ‘નલ દમયંતી’, ‘તારામતી’ આ પૌરાણિક ચલચિત્રો; ‘ઔલાદ’, ‘તલાક’, ‘સંતાન’, ‘મિયા બીબી રાજી’; તેમણે પોતે નિર્માણ કરેલ ‘પ્યાર કી પ્યાસ’, ‘વચન’, ‘એક હી રાસ્તા’ વગેરેનો સમાવેશ થાય છે. તેમનાં ત્રણ ચલચિત્રોને ઉત્કૃષ્ટ પટકથા માટે ફિલ્મ ફેર ઍવૉર્ડ એનાયત થયો છે. આ ઉપરાંત, 1961માં રાષ્ટ્રપતિના હસ્તે પંડિત મુખીરામ શર્માને સંગીત-નાટક અકાદમી પુરસ્કાર આપવામાં આવ્યો હતો.

91 વર્ષની વયે મુંબઈ ખાતે તેમનું અવસાન થયું હતું.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે