શર્મા, બાલકૃષ્ણ ‘નવીન’ (જ. 1897, ભયાના ગામ, મધ્યપ્રદેશ; અ. 29 એપ્રિલ 1960) : હિંદી કવિ અને રાજકારણી. બાળપણના નાથદ્વારાના વૈષ્ણવ પરિવેશની અસર એમના પર પડી. અગિયારમે વર્ષે શિક્ષણનો પ્રારંભ; 1917માં કાનપુરની ક્રાઇસ્ટ ચર્ચ કૉલેજમાં પ્રવેશ. માધ્યમિક શિક્ષણ મેળવ્યા બાદ ઉજ્જૈનની માધવ કૉલેજે કવિને રાજનીતિ પ્રત્યે આકર્ષિત કર્યા. 1916માં લખનૌ મુકામે કૉંગ્રેસના અધિવેશનમાં ભાગ લીધો ને ત્યાં ગણેશશંકર વિદ્યાર્થીના નિકટ પરિચયમાં આવ્યા. 1920માં બી. એ. ફાઇનલનું ભણતર છોડી ગાંધીજીની હાકલ પડતાં સ્વાતંત્ર્ય-આંદોલનમાં ઝુકાવ્યું. અનેક વખત જેલમાં ગયા. આઝાદી પછીય છેક મૃત્યુ સુધી સક્રિય રાજનીતિમાં રહ્યા. ઉત્તરપ્રદેશ અને કાનપુરના એક અગ્રણી નેતા તરીકે લોકસભા અને રાજસભામાં સ્થાન શોભાવ્યું. ભારતીય બંધારણસભાના સભ્ય તરીકે હિંદીને રાજભાષા તરીકે માન્યતા અપાવવામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો હતો.
તેમના લેખક તરીકેના વ્યક્તિત્વ-ઘડતરમાં પણ ગણેશશંકર વિદ્યાર્થીનો ખાસ્સો પ્રભાવ હતો. કાનપુરનાં ‘પ્રતાપ’ અને ‘પ્રભા’ પત્રોના સંપાદક તરીકે ‘નવીન’માં એક નિર્ભીક પત્રકારનો ઓજસ્વી સ્વર સાંભળવા મળે છે. એમની વક્તૃત્વકલામાં અને એમની કવિતામાં પણ માતૃભાષા વ્રજનો પ્રભાવ છે.
‘નવીન’ની કવિતા તો 1918થી ચર્ચાતી હતી; પરંતુ પ્રકાશન બાબતે કવિની ઉદાસીનતા અને રાજકારણમાંની વ્યસ્તતાને કારણે એમના કાવ્યસંગ્રહો બહુ મોડા છપાયા. 1939માં ‘કુંકુમ’ નામે પહેલો સંગ્રહ આવ્યો. એ પછી 1951માં ‘રશ્મિરેખા’ અને ‘અપલક’ 1952માં ‘ક્વાસિ’; 1955માં ‘વિનોબા સ્તવન’ અને 1957માં ‘ઊર્મિલા’. ગણેશશંકર વિદ્યાર્થીના બલિદાન નિમિત્તે લખાયેલું ‘પ્રાણાર્પણ’ ખંડકાવ્ય હજુ અપ્રકાશિત છે. એમનું ગદ્ય પણ હજુ અસંગૃહીત છે.
‘નવીન’ની કવિતામાં એમના યુગનાં કાવ્ય-આંદોલન અને રાષ્ટ્રીય આંદોલન બરાબર ઝિલાયાં છે. દ્વિવેદીયુગ(1900-1918)ની ઇતિવૃત્તાત્મકતા, નૈતિકતા અને ઉદ્દેશલક્ષિતા ‘ઊર્મિલા’ પ્રબંધ-કાવ્યમાં’ જોવા મળે છે. જોકે કાવ્ય-સૌંદર્યની ઉત્તમ અભિવ્યક્તિ તો ‘ઊર્મિલા’ના વિરહવર્ણનમાં થઈ છે. આઝાદીની લડાઈમાં કવિની સક્રિયતા એમની દેશપ્રેમ અને રાષ્ટ્રભાવનાની કવિતામાં વ્યક્ત થઈ છે. નવીનની સ્વચ્છન્દતાવાદી ઊર્મિકવિતામાં છાયાવાદી પ્રવૃત્તિ દેખાય છે; તો પ્રેમ અને મસ્તીનાં કાવ્યોમાં છાયાવાદોત્તર યુગનો અણસાર મળે છે. હિંદીમાં હાલાવાદી કવિતાના પ્રથમ સંકેત ‘નવીન’માં સાંપડે છે. જે ધગશ અને ઉત્સાહથી કવિ કર્મ અને સાધનાની ધૂણી ધખાવે છે એ જ આવેશ અને આસક્તિથી પ્રેમની મસ્તીમાં ડૂબવાની કામના કરે છે. એમના વૈષ્ણવ સંસ્કાર એમની આધ્યાત્મિક અને રહસ્યવાદી કવિતામાં ક્યારેક જોવા મળે છે. ‘નવીન’ની કવિતામાં જીવનના તત્કાલીન અને ચિરંતન રંગ રાષ્ટ્રીય સંગ્રામની તીક્ષ્ણ અનુભૂતિ રૂપે, નવજાગરણના સ્વપ્ન રૂપે, પ્રેમ અને વિરહની માર્મિક વેદના અને મસ્તી રૂપે જોવા મળે છે.
બિંદુ ભટ્ટ