શર્મા, ધરણીધર (. 1892; . 1980) : નેપાળી સાહિત્યમાં ઐતિહાસિક મહત્વ ધરાવતા કવિ. તેઓ તેમના પ્રથમ કાવ્યસંગ્રહ ‘નૈવેદ્ય’(1920)થી ખ્યાતિ પામ્યા હતા. તેનાથી ભારતીય નેપાળીઓને રાષ્ટ્રીય સંસક્તિની ભાવના ઝડપથી મેળવવાની પ્રેરણા મળી. રાણા રાજવીઓએ ઉક્ત કાવ્યસંગ્રહના નેપાળપ્રવેશ સામે પ્રતિબંધ મૂક્યો હતો. તે અરસામાં બનારસ, કોલકાતા અને ઢાકાના પંડિતોએ નેપાળમાં રાજકીય, સામાજિક, સાહિત્યિક અને શૈક્ષણિક ચળવળો ઝડપથી ફેલાતી જોઈ ત્યારે ધરણીધર જદુનાથ સરકાર, મદનમોહન માલવીય, સુનીતિકુમાર ચૅટરજી, શ્યામાપ્રસાદ મુખરજી, જગદીશચંદ્ર બોઝ અને પ્રફુલ્લચંદ રૉયના ગાઢ સંપર્કમાં આવ્યા અને આ મહાન વ્યક્તિઓના આદર્શો અને વિચારોથી પ્રભાવિત થઈને નેપાળી સમુદાય અને લોકોના ઉત્થાનનું કાર્ય તેમણે હાથ ધર્યું.

બીજા ભારતીય નેપાળીઓ પણ તેમના જેવી મહેચ્છા ધરાવતા હતા. બનારસથી સૂર્ય વિક્રમ ગેવાણી દ્વારા સંપાદિત ‘ગોરખાલી’માં અને કુરસેવાંગ(દાર્જિલિંગ)માંથી પારસમણિ દ્વારા સંપાદિત ‘ચંદ્રિકા’માં રાષ્ટ્રીય સુધારાવાદી જુસ્સાવાળાં તેમનાં કાવ્યો પ્રસિદ્ધ કરાયાં. 1919માં તેઓ દાર્જિલિંગ સરકારી હાઈસ્કૂલમાં જોડાયા અને દાર્જિલિંગને તેમની પ્રવૃત્તિઓનું કેન્દ્ર બનાવ્યું.

1924માં દાર્જિલિંગ ખાતે નેપાળી સાહિત્ય સંમેલનની સ્થાપનામાં તેમણે મહત્વનો ફાળો આપ્યો અને તે ભારતમાં નેપાળીઓની અગ્રેસર સાહિત્યિક સંસ્થા બની રહી. વળી આ સંસ્થાના પ્રયાસો દ્વારા કોલકાતા યુનિવર્સિટી ‘પહાડિયા’ ભાષાનું ‘નેપાળી’ ભાષા તરીકે નામપરિવર્તન કરવા અને ઉચ્ચ અભ્યાસ માટેના વિશિષ્ટ ભાષાવિષય તરીકે તેને સ્વીકારવા સંમત થયેલી. આ હેતુ પાર પાડવા દાર્જિલિંગ ખાતે મનોવિનોદ લાઇબ્રેરી અને ભીમ સ્કૉલરશિપ ટ્રસ્ટની સ્થાપના કરવામાં આવી હતી. વળી નેપાળી રામાયણના રચયિતા કવિ ભાનુભક્ત આચાર્યની પ્રતિમા સૌપ્રથમ સ્થાપિત કરાઈ હતી. કવિનો બીજો કાવ્યસંગ્રહ ‘સ્પંદન’ (1947) છે. આ કૃતિમાં કવિમાં અને નેપાળી રાજકીય તેમજ સામાજિક જીવનમાં નોંધપાત્ર પરિવર્તનની અભિવ્યક્તિ જોવા મળે છે.

બળદેવભાઈ કનીજિયા