શર્મા, તીર્થનાથ (જ. 1911, ઝાંજી, જિ. શિવસાગર, આસામ; અ. 1986) : જાણીતા આસામી દાર્શનિક કવિ, ચરિત્રલેખક અને સંપાદક. તેમને તેમના ‘વેણુધર શર્મા’ નામના જીવનચરિત્ર બદલ 1986ના વર્ષનો સાહિત્ય અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યો હતો.
તેમણે કોલકાતા યુનિવર્સિટીમાંથી સ્નાતકની ડિગ્રી મેળવ્યા પછી બંગાળ સંસ્કૃત ઍસોસિયેશન તરફથી વેદાંતમાં પ્રથમ અને મધ્યમા પરીક્ષા પાસ કરી 1938થી આસામી ભાષા અને સાહિત્યમાં અધ્યાપક તરીકે તેમણે તેમની કારકિર્દી શરૂ કરી અને 1971માં પ્રાગ્જ્યોતિષ કૉલેજ, ગોહત્તી(ગુવાહાટી)ના પ્રિન્સિપાલપદેથી નિવૃત્ત થયા હતા.
તેઓ વિશિષ્ટ શૈક્ષણિક પ્રતિભા ધરાવતા હતા. તેમના સંપાદિત ગ્રંથો ઉપરાંત ધર્મ, દર્શન, ઇતિહાસ અને સાહિત્યસમીક્ષા સંબંધી 14થી વધુ ગ્રંથો પ્રકાશિત થયા છે. તેમાં ‘મહાત્માર બાની’, ‘ગાંધી- શિક્ષાસાર’, ‘ઔનિયાતિ સાત્રોર બુરાંજી’, ‘ભક્તિવાદ’ અને ‘ઝાંસી કી રાની’ તેમની પ્રસિદ્ધ કૃતિઓ છે. તેઓ વિભિન્ન સાહિત્યિક, સાંસ્કૃતિક અને સામાજિક સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેઓ આસામ વૈદિક સમાજના પ્રમુખ હતા અને તેમણે ગૌહત્તી(ગુવાહાટી)માં વેદ-વિદ્યાલયની સ્થાપના કરી હતી.
તેમની પુરસ્કૃત કૃતિ ‘વેણુધર શર્મા’ આસામના પ્રતિષ્ઠિત સ્વાતંત્ર્યસેનાની, ઇતિહાસકાર અને પત્રકારનું જીવનચરિત્ર છે. વિષયના નિરૂપણમાં પ્રામાણિકતા અને અભિવ્યક્તિના આનંદને કારણે આ કૃતિ સમકાલીન આસામી સાહિત્યમાં અનુપમ પ્રદાન ગણાય છે.
બળદેવભાઈ કનીજિયા