શર્મા, ઝરીન (. 9 ઑક્ટોબર 1946; મુંબઈ) : ભારતના ખ્યાતનામ સરોદવાદક. મૂળ નામ ઝરીન દારૂવાલા. ‘મ્યૂઝિકલ પ્રોડિજી’ હતા. પિતા વાયોલિન વગાડતા. માત્ર ત્રણ વર્ષની વયે તેમણે સંગીતમાં રુચિ બતાવી હતી અને ફક્ત નવ વર્ષની વયે એમણે હામૉર્નિયમ પર અપ્રતિમ કાબૂ મેળવ્યો હતો. તે પછી એમણે ઉસ્તાદ અલીઅકબરખાં પાસેથી પ્રેરણા લઈ સરોદવાદન શરૂ કર્યું. હાલના સમયના અતિ ઉચ્ચ કક્ષાના સરોદવાદક તરીકે એમની ગણના થાય છે. એમણે પંડિત હરિપદ ઘોષ, પંડિત ભીષ્મદેવ વેદી, પંડિત લક્ષ્મણપ્રસાદ જયપુરવાલે, પંડિત વી. જી. જોગ, પંડિત એસ. સી. આર. ભટ્ટ તથા પંડિત એસ. એન. રાતનજનકર પાસેથી સંગીતની તાલીમ મેળવી છે. ખાસ કરીને અપ્રચલિત રાગો તથા તાલની તેઓ સારી એવી જાણકારી ધરાવે છે. પ્રત્યેક રાગ તેઓ શુદ્ધ સ્વરૂપે રજૂ કરે છે અને સુંદર આલાપ, તાનો તથા લયકારી વડે તેની સજાવટ કરે છે.

એમણે ઓગણીસ સુવર્ણચંદ્રકો તથા અનેક ટ્રોફીઓ મેળવ્યાં છે. 1960માં આકાશવાણી દ્વારા યોજાયેલી વાદ્ય-સંગીતની સ્પર્ધામાં તેઓ પ્રથમ આવ્યા હતા અને તેર વર્ષની વયે પ્રેસિડેન્ટ્સ ગોલ્ડ મેડલ જીત્યો હતો. 1988માં એમને સંગીત-નાટક અકાદમી પુરસ્કાર પ્રાપ્ત થયો હતો અને ત્યારબાદ તેમને મહારાષ્ટ્રનો ગૌરવ પુરસ્કાર પણ એનાયત થયો હતો.

અનેક સંગીતમંડળો તથા સંગીત પરિષદોમાં એમણે કાર્યક્રમો આપ્યા છે. તે ઉપરાંત એમણે ઘણા ગવર્નરો, કૉન્સલો, ઍમ્બૅસેડરો તથા ઇંગ્લૅન્ડનાં રાણી ક્વીન એલિઝાબેથ સમક્ષ 1961માં સરોદવાદન રજૂ કરીને પ્રશંસા મેળવી છે.

તેઓ મુંબઈ આકાશવાણી તથા દૂરદર્શનના પ્રથમ કક્ષાના કલાકાર છે. તેઓ કંઠ્યસંગીતના પણ સારી રીતે જાણકાર છે.

બટુક દીવાનજી